Big Breaking : વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદ પરથી આપ્યુ રાજીનામુ
ગુજરાતમાં મોટી રાજકીય ઉથલપાથલ સર્જાય તેવા એંધાણ છે. ગાંધીનગરમાં મોટી હલચલ જોવા મળી છે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના દિગ્ગજ નેતાઓએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી છે. તેઓએ રાજ્યપાલને મુલાકાત માટે સમય માંગ્યો હતો. જે અંતર્ગત વી સતીષ, સીએમ રૂપાણી, નિતિન પટેલ સહિતના નેતાઓ રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા. જોકે, આ મુલાકાત બહુ જ ખાસ કહેવાઈ રહી છે. કારણ કે તેના બાદ તેઓ પ્રેસ કોન્ફરન્સને સંબોધવાના છે.
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતની રાજનીતિમાં મોટી ઉથલપાથલ સર્જાઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સીએમ પદ પરથી રાજીનામુ આપ્યું છે. રાજ્યપાલના મળ્યા બાદ સીએમ રૂપાણીએ સીધી પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેમણે આ જાહેરાત કરી છે. વિધાનસભાની ચૂંટણી પહેલા જ આ જાહેરાત અનેક સંકેત આપી રહી છે. તેમણે રાજીનામુ આપતા કહ્યું કે, મારા જેવા કાર્યકરને જે તક આપી તેના માટે આભારી છું. મેં રાજ્યપાલને મારું રાજીનામુ સોંપ્યુ છે. પાર્ટી મને આગળ જે જવાબદારી આપશે તે હું સ્વીકારીશ.
નવા નેતૃત્વમાં વિકાસયાત્રા આગળ વધશે - વિજય રૂપાણી
શું તમને રાજીનામુ આપવા મજબૂર કરાયા તે અંગે તેમણે કહ્યું કે, સંગઠન સાથે મારી કોઈ તકરાર ન હતી. પાર્ટીના નેતૃત્વમાં અમે ઈલેક્શન જીત્યા છે. મને પાંચ વર્ષ જે જવાબદારી આપી હતી તે મેં નિભાવી છે. હું ભાજપનો આભાર માનુ છું કે મને આ તક આપી. હવે નવા નેૃત્વમાં ગુજરાતના વિકાસની યાત્રા આગળ વધશે.
તો નવા મુખ્યમંત્રી કોણ?
ગાંધીનગરમાં રાજકીય ગતિવિધિ તેજ બની ગઈ છે. હાલ વિજય રૂપાણી અને નીતિન પટેલની જોડીની સરકારે પાંચ વર્ષ સફળતાપૂર્વક પૂરા કર્યાં છે. આવામાં તેમના રાજીનામાથી અનેક અટકળો ચાલી રહી છે. ત્યારે હવે નવા મુખ્યમંત્રીના રેસમાં કોણ તે ચર્ચાઓનો દોર શરૂ થયો છે. શુ પક્ષ પાટીદાર ચહેરાને સ્થાન આપશે કે પછી કોઈ નવો ચહેરો લાવશે. તેના પર સૌની નજર છે. જેમાં પાટીદાર ચહેરની દાવેદારી પ્રબળ માનવામાં આવે છે. નવા મુ્ખ્યમંત્રીના નામમાં નીતિન પટેલ, સીઆર પાટીલ, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા જેવા અનેક ચહેરા પર પસંદગી ઉતરી શકે છે.
સરદારધામના લોકાર્પણના કાર્યક્રમમાં કોઈ મોટી હલચલ સર્જાઈ હોય તેવુ સૂત્રોનું કહેવુ છે. કારણ કે, પાટીદારોના સરદાર ધામ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતાઓ તાત્કાલિક રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા. એટલુ જ નહિ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને પણ તાત્કાલિક બોલાવી લેવાયા હતા. ત્યારે કોઈ મોટી નવાજૂની સર્જાય તેવી રાજકીય ગતિવિધિ તેજ બની હતી. આખરે વિજય રૂપાણીના રાજીનામાના સમાચારે ગુજરાતની જનતાને ચોંકાવી દીધા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે