ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યાં વરસ્યો? જાણો સરદાર સરોવર સહિત 207 જળાશયોમાં કેટલું પાણી?
Rainfall in Gujarat: સરદાર સરોવર સહિત રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં ૫૪ ટકાથી વધુ જળ સંગ્રહ. હાલમાં રાજ્યના ૨૪ જળાશયો સંપૂર્ણ જ્યારે ૫૪ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા ભરાયા. ગત વર્ષે આ સમયે રાજ્યના ૨૦૭ જળાશયોમાં ૩૯.૫૫ ટકા જળ સંગ્રહ હતો. રાજ્યમાં અત્યારસુધીમાં સરેરાશ ૪૭ ટકાથી વધુ વરસાદ.
Trending Photos
Gujarat Monsoon 2025: રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક મેઘમહેરના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના ૨૦૭ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ૫૪ ટકા જળ સંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહ શક્તિના ૪૯.૪૨ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગત વર્ષે આ સમયે એટલે કે, તા. ૧૧ જુલાઈ-૨૦૨૪ની સ્થિતિએ રાજ્યના ૨૦૭ જળાશયોમાં ૩૯.૫૫ ટકા જળ સંગ્રહ હતો.
વધુમાં મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં સૌથી વધુ ૬૨.૮૩ ટકા જળ સંગ્રહ, સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૬૨.૩૭ ટકા જળ સંગ્રહ, કચ્છના ૨૦ જળાશયોમાં ૫૬.૦૭ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૫૫.૬૭ ટકા જ્યારે ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૪૬.૭૯ ટકા જળ સંગ્રહ ઉપલબ્ધ છે. આમ સરદાર સરોવર સિવાય રાજ્યના ૨૦૬ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ૫૬.૭૬ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયલો છે.
રાજ્યમાં હાલમાં ચોમાસાની ઋતુમાં સૌથી વધુ કચ્છમાં સરેરાશ ૫૭ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૫૨.૧૮ ટકા, સૌરાષ્ટ્રમાં ૪૭.૦૧ ટકા, પૂર્વ મધ્યમાં ૪૫.૯૦ ટકા જ્યારે ઉત્તર ગુજરાતમાં ૪૨.૦૮ ટકા સરેરાશ વરસાદ થયો છે. જેના ફળ સ્વરૂપે રાજ્યના ૨૪ જળાશયો ૧૦૦ ટકાથી વધુ, ૫૪ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકાની વચ્ચે, ૪૪ જળાશયો ૫૦ થી ૭૦ ટકાની વચ્ચે જ્યારે ૪૦ જળાશયો ૨૫ થી ૨૫ ટકાની વચ્ચે ભરાયા છે. જેથી રાજ્યના ૩૮ જળાશયો માટે હાઈ એલર્ટ, ૨૦ જળાશયો એલર્ટ જ્યારે ૨૦ જળાશયો માટે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદના કારણે રાજ્યમાં હાલની સ્થિતિએ વડોદરા જિલ્લામાં બે સ્ટેટ હાઈવે અને છોટાઉદેપુર તાલુકામાં માત્ર એક નેશનલ હાઈવે સિવાય બાકીના તમામ રોડ રસ્તા ચાલુ છે. આ બંધ રોડ પણ બનતી ત્વરાએ ચાલુ કરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે