સેવ ટમેટા પછી ઢાબા પર સૌથી વધુ ડીમાંડ સેવ ડુંગળીના શાકની હોય છે. આ શાક ચટાકેદાર હોય છે.
વરસાદી વાતાવરણમાં ગરમાગરમ રોટલા સાથે સેવ ડુંગળીનું શાક ખાવાની મજા પડી જાય છે. આ શાક ઘરે કેવી રીતે બને ચાલો જાણીએ.
1 વાટકી સેવ, ઝીણી સમારેલી 3 ડુંગળી, દહીં 2 ચમચી, આદુ-લસણની પેસ્ટ 1 ચમચી, કસુરી મેથી 1 ચમચી
મસાલો કરવા માટે લાલ મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, હીંગ, રાઈ, જીરું, તેલ, મીઠું જરૂરી છે.
સેવ ડુંગળીનું ઢાબા સ્ટાઈલ શાક બનાવવા માટે અડધી વાટકી પાણીમાં લાલ મરચું, હળદર, ધાણાજીરું મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી લો.
એક કઢાઈમાં તેલ ગરમ કરો. આ શાકમાં તેલ થોડું વધારે રાખવાનું હોય છે. તેલમાં રાઈ અને હીંગનો વઘાર કરી તેમાં મસાલાની પેસ્ટ અને આદુ લસણની પેસ્ટ ઉમેરી ધીમા તાપે સાંતળો.
ત્યારબાદ મસાલામાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો. ડુંગળી સોફ્ટ થઈ જાય પછી તેમાં મીઠું અને દહીં ઉમેરી 1 મિનિટ કુક કરો.
તેલ છુટું પડવા લાગે એટલે તેમાં કસુરી મેથી, જરૂર અનુસાર ગરમ પાણી અને સેવ ઉમેરી 2 મિનિટ બરાબર ઉકાળો.
સેવ નરમ થઈ જાય એટલે ઉપરથી લીલા ધાણા ઉમેરી ગરમાગરમ સર્વ કરો.