રાજકોટમાં 27 વર્ષીય મહિલા તબીબે કર્યો આપઘાત, ઈન્જેક્શનના ઓવરડોઝ લઈ જીવન ટૂંકાવ્યું

રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા એક મહિલા તબીબે આપઘાત કર્યો છે. મહિલા ડોક્ટરે હોસ્પિટલમાં ઈન્જેક્શનના ઓવરડોઝ લેતા તેની તબીયત ખરાબ થઈ હતી. ચાર દિવસની સારવાર બાદ મહિલા ડોક્ટરનું મોત થયું છે.

રાજકોટમાં 27 વર્ષીય મહિલા તબીબે કર્યો આપઘાત, ઈન્જેક્શનના ઓવરડોઝ લઈ જીવન ટૂંકાવ્યું

રાજકોટઃ રાજકોટમાં 27 વર્ષીય મહિલા તબીબે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ડો એન્જલ મોલિયાએ ઇન્જેક્શન વડે એનેસ્થેટિક ડ્રગ્સનો ઓવર ડોઝ લઈને જીવન ટુંકાવી દીધું છે. ઉલ્લેખનીય છે કે આ મહિલા તબીબ મહિલા તબીબ રાજકોટ બસ પોર્ટ પાછળ આવેલી બાલાજી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા હતા. આ દરમિયાન ઈન્જેક્શનનો ઓવરડોઝ લેતા તબિયત લથડી હતી અને ચાર દિવસની સારવાર બાદ મોત થયું છે. 

પ્રાપ્ત વિગત અનુસાર 27 વર્ષીય એન્જલ મોલિયા નામની મહિલા તબીબનું 24 મે 2025ના રોજ સારવાર દરમિયાન મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. ગત 21મી મે 2025ના રોજ રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બાલાજી હોસ્પિટલમાં બે વર્ષથી આસિસ્ટન્ટ તબીબ તરીકે ફરજ બજાવતી એન્જલ દ્વારા એનેસ્થેટિક ડ્રગનો ઓવરડોઝ લેતા તે હોસ્પિટલમાં જ બેભાન થઈ ઢળી પડી હતી. 

ત્યારબાદ બાલાજી હોસ્પિટલ ખાતે જ તેની સારવાર ચાલી રહી હતી. ત્યારે ચાર દિવસની સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. બનાવ સંદર્ભે રાજકોટ એસીપી સાઉથ વિભાગ બી.જે. ચૌધરીના જણાવ્યા અનુસાર હાલ આત્મહત્યા મામલે બીએનએસની કલમ 194 મુજબ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત રજીસ્ટર્ડ કરવામાં આવી છે. મહિલા તબીબના આત્મહત્યા મામલે તેમના પતિ, તેમના પિતા, તેમના ભાઈ તેમજ તેમના કાકા સહિતનાઓનું નિવેદન લેવામાં આવ્યું છે. હોસ્પિટલ સ્ટાફનું પણ પોલીસ દ્વારા નિવેદન નોંધવામાં આવ્યું છે. 

બનાવ સંદર્ભે પેનલ ડોક્ટરોની મદદથી પીએમ કરાવવામાં આવ્યું છે. તેમજ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં ઇન્કવેસ્ટ પંચનામાં સહિતની કાર્યવાહી કરવામાં આવી છે. મહિલા તબીબ દ્વારા કયા કારણોસર આપઘાત કરવામાં આવ્યો તે અંગે હજુ કંઈ સ્પષ્ટ કારણ સામે નથી આવ્યું. મહિલા તબીબના પતિ પણ ડોક્ટર હોવાનું સામે આવ્યું છે. તેમજ તેઓ રોણકી ગામ ખાતે પ્રાઇવેટ ક્લિનિક ચલાવતા હોવાનું સામે આવ્યું છે. મહિલા તબીબના પિયરજનો દ્વારા પણ કોઈ પણ પ્રકારના આક્ષેપો કે કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ આક્ષેપો કે શંકા દર્શાવવામાં નથી આવી. ત્યારે સમગ્ર મામલે બાલાજી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ડિરેક્ટર ડોક્ટર અંકુર સીણોજીયાનું પણ નિવેદન સામે આવ્યું છે. 

મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હોસ્પિટલ છેલ્લા બે અઢી વર્ષથી શરૂ થઈ છે. જ્યારથી હોસ્પિટલ શરૂ થઈ છે ત્યારથી મહિલા તબીબ એન્જલ અમારી સાથે ફરજ બજાવતા હતા. અમારી હોસ્પિટલમાં તેઓ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા. જે કંઈ પણ બનાવ બન્યો છે તે અમારી હોસ્પિટલ માટે પણ ખૂબ જ દુઃખની વાત છે. હોસ્પિટલ દ્વારા પોલીસને તપાસમાં પૂર્ણ સહયોગ આપવામાં આવી રહ્યો છે. કયા કારણોસર મહિલા તબીબ દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યું તે અંગે હજુ કોઈ ચોક્કસ કારણ સામે નથી આવ્યું. હોસ્પિટલ સ્ટાફ સાથે પણ મહિલા તબીબનો વ્યવહાર ખૂબ જ સારો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news