Ahmedabad Plane Crash: અમદાવાદના આકાશમાં બની એક ભયાનક દુર્ઘટના; કયા જિલ્લાનું કોણ આ પ્લેનમાં હતું સવાર?
Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન દુર્ઘટના અનેક ગુજરાતીઓને રડાવી ગઈ. ગોઝારી દુર્ઘટનામાં ગુજરાતના અલગ અલગ જિલ્લાના અનેક લોકો સવાર હતા. હજુ સુધી કુલ કેટલા લોકોના મોત થયા છે તેની કોઈ પુષ્ટી નથી થઈ. પરંતુ પ્લેન ક્રેશના જે દ્રશ્યો સામે આવ્યા છે તે ઘણુ બધુ કહી જાય છે. ગુજરાતમાં કયા જિલ્લાનું કોણ આ પ્લેનમાં હતું સવાર?
Trending Photos
Ahmedabad Plane Crash: અમદાવાદ... એક શહેર, જે આજે દુઃખના ઘેરા અંધકારમાં ડૂબી ગયું છે. એર ઈન્ડિયાનું ફ્લાઈટ AI-171, લંડન જવા ઉડાન ભરી રહ્યું હતું, પરંતુ ટેકઓફની થોડીક ક્ષણોમાં જ આ વિમાન મેઘાણીનગરના રહેણાંક વિસ્તારમાં તૂટી પડ્યું. આ દુર્ઘટનાએ ન માત્ર 242 મુસાફરોના પરિવારોનું હૃદય ચીરી નાખ્યું, પરંતુ બી.જે. મેડિકલ કૉલેજની મેસમાં રહેતા નિર્દોષ વિદ્યાર્થીઓના સપનાંઓ પણ ચકનાચૂર કરી દીધાં.
એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ
આ એક એવી ક્ષણ હતી જે કોઈએ કલ્પના પણ નહોતી કરી. વિમાને એટીસીને મેડે કૉલ આપ્યો, પરંતુ થોડીક સેકન્ડમાં જ સંપર્ક તૂટી ગયો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે, વિમાન હવામાં અસંતુલિત થયું અને એક ભયાનક વિસ્ફોટ સાથે બી.જે. મેડિકલ કૉલેજની મેસ પર તૂટી પડ્યું. આગની જ્વાળાઓએ આખા વિસ્તારને લપેટમાં લીધો, અને સાથે જ અનેક પરિવારોની આશાઓને પણ બાળી નાખી.
બપોરે 1:38 વાગ્યે ઉડાન ભરનાર આ વિમાન માત્ર બે મિનિટમાં 1:40 વાગ્યે આકાશમાંથી નીચે ખાબક્યું. કિલોમીટરો સુધી ધડાકાનો અવાજ અને આકાશમાં ધુમાડાના ગુચ્છા દેખાયા. મેઘાણીનગરના ઘોડા કેમ્પ વિસ્તારમાં થયેલી આ દુર્ઘટનાએ શહેરને હચમચાવી દીધું હતું.
વિમાનમાં હતા 242 યાત્રિક
આ દુર્ઘટનામાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન નાગરિક સવાર હતા. પરંતુ આ આંકડા નથી, આ દરેક નામ પાછળ એક પરિવાર છે, એક સ્વપ્ન છે, એક આશા છે. બી.જે. મેડિકલ કૉલેજના વિદ્યાર્થીઓ, જેઓ ડૉક્ટર બનવાના સપના જોતા હતા, તેઓ પણ આ આગની લપેટમાં આવ્યા. હોસ્પિટલની બહાર રાહ જોતા પરિવારજનોની આંખોમાં ફક્ત એક જ સવાલ છે. મારા પ્રિયજન ક્યાં છે?
આ વિમાનમાં 242 મુસાફરો સવાર હતા, જેમાં ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓના લોકો હતા. આ દુર્ઘટનાએ અનેક પરિવારોની આશાઓ અને સપનાંઓને ચકનાચૂર કરી દીધાં છે. દુર્ઘટનાની ગંભીરતા એટલી હતી કે મોતનો આંકડો વધવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ વિમાનમાં ગુજરાતના ભરૂચ, અરવલ્લી, આણંદ, સુરત, છોટાઉદેપુર, વડોદરા અને પાટણ જેવા જિલ્લાઓના મુસાફરો સવાર હતા. ભરૂચના સારોદ ગામનો યુવક સોહેલ સલીમ પટેલ, જેના પિતા ભાજપના અગ્રણી સલીમ પટેલ છે, તે સીટ નંબર 38H પર હતો. અરવલ્લી જિલ્લાના ખંભીસર ગામની 27 વર્ષીય જયશ્રીબેન અને મોડાસાના નુસરજહાં જેઠરા તેમજ કૈલાશબેન પણ આ ફ્લાઇટમાં હતા.
કયા જિલ્લાના લોકો હતા સવાર?
આણંદના ઉમરેઠની એક મહિલા પોતાની દીકરીની ડિલિવરી માટે લંડન જઈ રહી હતી. સુરતના કોસંબાનું દંપતી અર્જુનસિંહ વાસદિયા અને તેમની પત્ની દિવ્યા પોતાની દીકરી કૃપાને મળવા જઈ રહ્યા હતા. આ દંપતીનો દીકરો તેમને એરપોર્ટે મૂકીને સુરત પરત ફરી રહ્યો હતો, પરંતુ દુર્ઘટનાના સમાચાર સાંભળી તે તાત્કાલિક અમદાવાદ પરત ફર્યો.
વડોદરાના ખત્રી પોળની માતા-પુત્રી, સદીકા અને ફાતેમા, 16 જૂને ભારત આવ્યા હતા અને આજે લંડન પરત ફરી રહ્યા હતા. પાટણ જિલ્લાના બ્રાહ્મણવાડા ગામની વિદ્યાર્થિની જૈમીની ચૌધરી સહિત ત્રણ મુસાફરો પણ આ વિમાનમાં હતા. છોટાઉદેપુરના બોડેલીની નેન્સી પટેલ પણ લંડન જઈ રહી હતી.
આ દુર્ઘટનાએ ગુજરાતના દરેક ઘરમાં શોકનો માહોલ સર્જ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો દ્રશ્યો આ ઘટનાની ભયાવહતા દર્શાવે છે. પરિવારજનો એરપોર્ટ પર પોતાના સ્વજનોની રાહ જોઈ રહ્યા છે, પરંતુ આશાનું કિરણ ઝાંખું પડી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે