ગુજરાત ભાજપમાં નવો ગણગણાટ શરૂ, અમિત શાહની બેઠકોથી કંઈક એવું બન્યું કે કાનાફૂસી શરૂ થઈ ગઈ
Gujarat BJP organization Changes : ગુજરાતના નેતાઓને ગૃહમંત્રી અમિત શાહ સાથેની બેઠકો અનેક સવાલો પેદા કરી રહી છે, મંત્રીમંડળમાં ફેરફાર થશે કે પછી નવા પ્રદેશ પ્રમુખ મળશે
Trending Photos
Gujarat Cabinet Expansion : ભાજપમાં લાંબા સમયથી કંઈક નવાજૂની થાય તેની રાહ જોવાઈ રહી છે. મંત્રીમંડળમાં ફેરબદલની વાત હોય કે પછી પ્રદેશ પ્રમુખના નિમણૂંકની વાત હોય, બધું અટવાઈ પડ્યુ છે. ત્યારે હવે ગુજરાત ભાજપમાં કંઈક એવું થયું છે, કે જેનાથી હલચલ થઈ છે.
ભાજપમાંથી નવા પ્રદેશ અધ્યક્ષ અને વિસ્તરણની અટકળો વચ્ચે મુલાકાતો વધી છે. ગુજરાત ભાજપમાં કંઈક તો રંધાઈ રહ્યું છે. કારણ કે, અમદાવાદમાં અમિત શાહને CM, આરોગ્ય મંત્રી મળ્યા હતા. તો દિલ્હીમાં બાવળિયા સાથે બેઠક કરી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સોમવારે દિલ્હીમાં મુલાકાત કરીને આવ્યા. ત્યારે હવે પક્ષમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે.
આમ તો, અમિત શાહ ગુજરાત પોતાનું ગૃહરાજ્ય હોવાથી અને ગાંધીનગર તેમનો મતવિસ્તાર હોવાથી નિયમિત ગુજરાત આવતા હોય છે. પરંતું આ વખતે અમિત શાહે બેક ટુ બેક કરેલી મીટિંગોથી નવાજૂની થવાના એંધાણ લાગી રહ્યાં છે. ગત શનિવાર અને રવિવારના બે દિવસની મુલાકાતમાં અમિત શાહે કેટલાક લોકો સાથે કરેલી મુલાકાત નવી ચર્ચા જગાવી રહી છે.
અમિત શાહે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે મુલાકાત કરી હતી. વાત આટલે અટકતી નથી. તેના બીજા જ દિવસે સોમવારે દિલ્હીમાં મંત્રી કુંવરજી બાવળિયા અને હર્ષ સંઘવી અમિત શાહને મળ્યા હતા. આ બેઠકોથી ભાજપના વર્તુળોમાં ચર્ચા જાગી છે.
ગુજરાતમાં ગમે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થવાની અટકળો ચાલી રહી છે. પરંતું તેનો કોઈ નિર્ણય આવતો નથી. કોને મંત્રી પદથી હટાવાશે અને કોને નવું મંત્રીપદ સોંપાશે તે મુદ્દે ચર્ચા થઈ હોય તેવું અંદરખાને ચર્ચાઈ રહ્યું છે. મનરેગા કૌભાંડને કારણે સરકારની છબી ખરડાઈ છે. ત્યારે બચુ ખાબડની વિદાય નક્કી હોય તેવું કહેવાય છે. ગુજરાતમાં ગમે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. બીજી તરફ, ગુજરાતના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનો કાર્યકાળ પણ પૂરો થઈ ગયો છે. ત્યારે નવા પ્રદેશ પ્રમુખ કોણ એ મામલે પણ લટકતું ગાજર છે.
આમ, અમિત શાહની મુલાકાતો અનેક સવાલો ઉભા કરી રહી છે. ત્યારે હાઈકમાન્ડ શું નિર્ણય લે છે તેની રાહ જોવાઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે