અમે જલદી ના પહોચ્યા હોત તો 30થી વધારે જિંદગી હોમાઈ ગઈ હોત, માત્ર 3 મિનિટમાં પહોંચી હતી ફાયરની ટીમ
Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશનો કોલ મળતા ફાયરની પહેલી ટીમ માત્ર ત્રણ મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. 100થી વધારે ફાયર ફાઇટર, 98થી વધારે એમ્બ્યુલન્સ અને અન્ય સાધનો તેમજ જુદી જુદી એજન્સીઓ વચ્ચેના સુમેળભર્યા સંકલનને કારણે માત્ર ચાર કલાકમાં રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ થઈ શક્યું હતું.
Trending Photos
Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાએ પ્રશાસનના તમામ વિભાગની કસોટી કરી છે અને ગુજરાત ભાગ્યશાળી છે કે તેના વિભાગો મોટા ભાગે આ કસોટીમાં ખરા ઊતર્યા છે. પ્લેન ક્રેશ જેવી દુર્ઘટનામાં રાહત-બચાવની કામગીરીમાં ફાયર વિભાગની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હોય છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર એ. એ. ડોંગરેએ પ્લેન ક્રેશની દુર્ઘટના વખતે ફાયરની ટીમની કામગીરી વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, એરપોર્ટ તરફથી પ્લેનક્રેશનો હોટલાઇન પર કોલ મળ્યો કે સૌથી નજીક આવેલા નરોડા ફાયર સ્ટેશનની ટીમ માત્ર ત્રણ જ મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરની ટીમોએ પહોંચીને તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરતા 30થી વધુ લોકોની જિંદગી બચાવી શકાઈ હતી.
ગુજરાતમાં વાજતે-ગાજતે ચોમાસાની અન્ટ્રી, આગામી 5 દિવસ આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
ચીફ ફાયર ઓફિસર એ.એ. ડોંગરે અગ્નિશમનની કાર્યવાહી અને રેસ્ક્યૂ ઓપરેશન અંગે વધુ વાત કરતાં જણાવ્યું હતું કે, ઘટનાસ્થળ પર સૌથી પહેલાં પહોંચનારી નરોડા અને શાહપુરની ફાયર સ્ટેશનની ટીમોએ સ્થિતિની વિકરાળતાનો ચિતાર આપ્યો હતો. કટોકટીપૂર્ણ સ્થિતિને કાબૂમાં લેવા માટે અમદાવાદ શહેર ઉપરાંત ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ગિફ્ટ સિટી અને આર્મીના ફાયરફાયટર્સની મદદ પણ માગવામાં આવી હતી. 100થી વધારે ફાયર ફાયટર ટીમ થોડા જ સમયમાં ઘટના સ્થળ પર કાર્યરત હતી, જેને કારણે રેસ્ક્યૂ ઓપરેશન માત્ર ચાર કલાકના ટૂંકા ગાળામાં પૂર્ણ થઈ શક્યું હતું, એવું તેમણે ઉમેર્યું હતું.
ડોંગરેએ વધુમાં જણાવ્યું હતું કે, દુર્ઘટનાગ્રસ્ત પ્લેન તથા ઇમારતોમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા તેમજ ઠંડક કરવા માટે આશરે સાડા સાત લાખ (7.50 લાખ) લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગજરાજ વગેરે આધુનિક સંસાધનોથી ફાયર ફાઇટિંગનું કામ સરળ બન્યું હતું.
ફાયર ફાઇટિંગમાં જોડાયેલા ફાયર જવાનો અંગે વાત કરતા અધિકારીએ જણાવ્યું હતું કે, સમગ્ર ઓપરેશનમાં 100થી વધારે ફાયરનાં સાધનો/વાહનો ઉપરાંત 650 જેટલા ફાયરના તાલીમબદ્ધ જવાનો જોડાયા હતા. સમગ્ર રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન ફાયરના કોઈ જવાનને કોઈ પણ પ્રકારની ઇજા કે હાનિ થવા પામી નથી, એ સંતોષકારક બાબત છે, એવું તેમણે ઉમેર્યું હતું.
ઇજાગ્રસ્તોને સારવાર માટે 98થી વધારે એમ્બ્યુલ્સ હતી તો કોઈ પણ અડચણ વિના સિવિલ હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે ગ્રીન કોરિડોર ઊભો કરવામાં આવ્યો હતો, એ અંગે વાત કરતાં ચીફ ફાયર ઓફસર ડોંગરેએ જણાવ્યું હતું કે, પોલીસ, 108 સહિતની એમ્બ્યુલન્સ સેવા, એનડીઆરએફ, એસડીઆરએફ, સીઆઈએસએફ, આર્મી, એએમસી, સિવિલ હોસ્પિટલ, સ્થાનિક પ્રશાસન, સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી માત્ર ચાર કલાકમાં રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ થઈ શક્યું હતું. જુદી-જુદી એજન્સીઓ વચ્ચેના સુમેળભર્યા સંકલન અને આયોજનપૂર્વક આગળ વધવાને કારણે કામગીરી અત્યંત ઝડપથી થઈ શકી અને મહત્તમ જિંદગીઓ બચાવી શકાઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે