Bharat Bandh 9 July 2025: 25 કરોડ કર્મચારીઓનું આવતી કાલે 'ભારત બંધ', બેંકો-શેરબજાર ખુલ્લા રહેશે કે બંધ? ખાસ જાણો

bharat bandh tomorrow: અનેક કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના સંયુક્ત મોરચાએ કાલે એટલે કે 9 જુલાઈના રોજ ભારત બંધનું આહ્વાન કર્યું છે. આ ભારત બંધની તમારા પર શું અસર પડી શકે છે તે ખાસ જાણો. 

Bharat Bandh 9 July 2025: 25 કરોડ કર્મચારીઓનું આવતી કાલે 'ભારત બંધ', બેંકો-શેરબજાર ખુલ્લા રહેશે કે બંધ? ખાસ જાણો

10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના સંયુક્ત મોરચાએ કાલે એટલે કે 9મી જુલાઈ 2025ના રોજ ભારત બંધનું આહ્વાન કર્યું છે. જેમાં બેંકિંગ, કોલસા ખનન, પોસ્ટ, વીમા, અને પરિવહન જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોના 25 કરોડથી વધુ કર્મચારીઓ સામેલ થશે. યુનિયનોના આરોપ છે કે "સરકારની કોર્પોરેટ-તરફી, મજૂર વિરોધી અને ખેડૂત વિરોધી નીતિઓ" વિરુદ્ધ આ હડતાળ જરૂરી બની છે. શાળા, કોલેજો અને ખાનગી ઓફિસો ખુલ્લા રહેશે પરંતુ ટ્રાફિક જામના કારણે કેટલીક જગ્યાઓ પર સમસ્યાઓ આવી શકે છે. 

હડતાળની અસર, શું શું બંધ રહેશે?

બેંક અને વીમો
પબ્લિક સેક્ટરની બેંકો અને વીમા કંપનીઓના કર્મચારીઓ હડતાળ પર રહેશે જેનાથી લેવડ દેવડ અને ચેક  ક્લિયરન્સ પ્રભાવિત થઈ શકે છે. અત્રે જણાવવાનું કે બેંક યુનિયનોએ અલગથી સેવાઓ ખોરવાઈ જવા અંગેની પુષ્ટિ કરી નથી. પરંતુ હડતાળ આયોજકોનું કહેવું છે કે પબ્લિક સેક્ટર અને કોઓપરેટિવ બેંકોના કર્મચારીઓ સામેલ છે. 

શેર માર્કેટ અને બુલિયન માર્કેટ
કાલે એટલે કે 9 જુલાઈના રોજ શેર બજાર અને શરાફા માર્કેટ બંને ખુલ્લા રહેશે. 

પોસ્ટ સેવાઓ
પોસ્ટ ઓફિસ અને કુરિયર સેવાઓ ખોરવાય તેવી આશંકા છે. 

કોલસા ખનન અને ફેક્ટરીઓ
કોલ ઈન્ડિયા અને અન્ય જાહેર સાહસોમાં કામ ઠપ્પ રહી શકે છે. 

સરકારી પરિવહન
અનેક રાજ્યોમાં બસો અને ટેક્સી સેવાઓ પ્રભાવિત થશે. પરંતુ પ્રાઈવેટ વાહનો ચાલતા રહેશે. 

રેલવે
જો કે રેલવે યુનિયનોએ ઔપચારિક હડતાળ નથી કરી પરંતુ કેટલાક વિસ્તારોમાં પ્રદર્શનોથી લોકલ ટ્રેનો પ્રભાવિત થઈ શકે છે. 

કયા કયા યુનિયનો હડતાળમાં સામેલ છે?
આ ભારત બંધમાં નીચે જણાવેલા પ્રમુખ યુનિયનો સામેલ છે. 

- ઈન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ (INTUC)

- ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ (AITUC)

- હિન્દ મજદૂર સભા(HMS)

- સેન્ટર ઓફ ઈન્ડિયન ટ્રેડ યુનિયન્સ (CITU)

- ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ટ્રેડ યુનિયન સેન્ટર  (AIUTUC)

- ટ્રેડ યુનિયન કોઓર્ડિનેશન સેન્ટર (TUCC)

- સેલ્ફ એમ્પ્લોઈડ વીમેન્સ એસોસિએશન(SEWA)

- ઓલ ઈન્ડિયા સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ટ્રેડ યુનિયન્સ (AICCTU)

- લેબર પ્રોગ્રેસિવ ફેડરેશન (LPF)

- યુનાઈટેડ ટ્રેડ યુનિયન કોંગ્રેસ  (UTUC)

હડતાળના મુખ્ય કારણ

1. શ્રમ સુધારાનો વિરોધ
યુનિયનોનું કહેવું છે કે સરકારના 4 નવા લેબર કોડ મજૂરોના અધિકારોને નબળા કરે છે. જેમાં યુનિયન ગતિવિધિઓ મર્યાદિત કરવી, કામના કલાકો વધારવા અને નોકરીઓને અસુરક્ષિત બનાવવી સામેલ છે. 

2. ખાનગીકરણ અને કોન્ટ્રક્ટ પ્રથા
જાહેર સાહસોના ખાનગીકરણ અને કોન્ટ્રાક્ટ પર નોકરીઓને વધારવાની નીતિનો વિરોધ.

3. ખેડૂતોના મુદ્દા
સંયુક્ત કિસાન મોરચો પણ હડતાળમાં જોડાઈ રહ્યો છે અને MSP ગેરંટી, કૃષિ કાયદા અંગે સરકાર પર દબાણ કરી રહ્યું છે. 

4. મોંઘવારી અને બેરોજગારી
યુનિયનોનો આરોપ છેકે સરકારે મજૂરો માટે ન્યૂનતમ મજૂરી વધારવા, પેન્શન યોજના બહાલ કરવા અને રોજગાર સર્જનની માંગણીઓ નજરઅંદાજ કરી છે. 

યુનિયનોની માંગણીઓ

4 લેબર કોડ પાછા લાવવામાં આવે. 

જાહેર ક્ષેત્રના સાહસોનું ખાનગીકરણ રોકવામાં આવે. 

લઘુત્તમ મજૂરી ₹26,000 માસિક કરવામાં આવે. 

જૂની પેન્શન યોજના (OPS) બહાલ કરવામાં આવે. 

ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રોજગાર  ગેરંટી યોજનાનો વિસ્તાર કરવામાં આવે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news