Ahmedabad Plane Crash Report : 26 દિવસ બાદ આવ્યો અમદાવાદ વિમાન દુર્ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ, હવે ખુલશે અકસ્માતનું રહસ્ય

Ahmedabad plane crash : AAIBના પ્રાથમિક રિપોર્ટમાં ફ્લાઇટની અંતિમ ક્ષણોની ટાઈનલાઈન, કોકપીટમાં થયેલી વાતચીત, પાઇલટ્સ દ્વારા કરવામાં આવેલા કંટ્રોલ ઇનપુટ્સ, એરક્રાફ્ટ સિસ્ટમ ડેટા, હવામાન પરિસ્થિતિઓ અને એર ટ્રાફિક કંટ્રોલ સાથેના વાતચીત શામેલ છે.

 Ahmedabad Plane Crash Report : 26 દિવસ બાદ આવ્યો અમદાવાદ વિમાન દુર્ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ, હવે ખુલશે અકસ્માતનું રહસ્ય

Ahmedabad plane crash : અમદાવાદમાં 12 જૂનના રોજ થયેલી ભયાનક વિમાન દુર્ઘટનાની તપાસમાં મહત્તવપૂર્ણ માહિતી સામે આવી છે. ભારતના એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ મંગળવારે એર ઇન્ડિયા ફ્લાઇટ AI171ના ક્રેશ અંગે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પોતાનો પ્રાથમિક અહેવાલ સુપરત કર્યો છે. આ અકસ્માત તાજેતરના દાયકાઓમાં ભારતમાં થયેલા સૌથી ભયંકર વિમાન દુર્ઘટનાઓમાંનો એક છે.

સંસદની જાહેર હિસાબ સમિતિ (PAC)ની એક મહત્વપૂર્ણ બેઠક પણ આજે યોજાવા જઈ રહી છે, જેમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ ભાગ લેશે. બેઠકમાં નાગરિક ઉડ્ડયન સચિવ અને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક (DGCA)ને બોલાવવામાં આવ્યા છે. એવું મનાઈ રહ્યું છે કે બેઠક દરમિયાન, AI-171 વિમાન દુર્ઘટના ઉપરાંત, ઉડ્ડયન ક્ષેત્રમાં સલામતી ધોરણો પર પણ ચર્ચા થશે.

ઉલ્લેખનીય છે કે 12 જૂનના રોજ, એર ઇન્ડિયાની લંડન જતી બોઇંગ 787-8 ડ્રીમલાઇનર ફ્લાઇટ AI-171 અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડી મિનિટો પછી ક્રેશ થઈ ગઈ હતી. વિમાન બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલ પરિસર સાથે અથડાયું હતું, જેમાં 242 મુસાફરોમાંથી 241 લોકોના મોત થયા હતા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ આ અકસ્માતમાં નિધન થયું હતું.  આ ઉપરાંત મેડિકલ કોલેજના ઘણા વિદ્યાર્થીઓના મોત થયા હતા.

અકસ્માત પછી, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તપાસમાં AAIBને સંપૂર્ણ સહયોગ આપ્યો છે. નવી દિલ્હી સ્થિત AAIBની આધુનિક પ્રયોગશાળામાંથી તપાસ આગળ ધપાવવામાં આવી હતી. 25 જૂન સુધીમાં બ્લેક બોક્સના 'ક્રેશ પ્રોટેક્શન મોડ્યુલ'માંથી ડેટા મેળવવામાં આવ્યો હતો. ANI અનુસાર, બ્લેક બોક્સમાંથી કાઢવામાં આવેલા ડેટાની ચોકસાઈની પુષ્ટિ કરવા માટે 'ગોલ્ડન ચેસિસ'નો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ વ્યાપક તપાસ ટીમમાં ભારતીય વાયુસેના, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ, બોઇંગ, GE, એવિએશન મેડિસિન નિષ્ણાતો અને એર ટ્રાફિક કંટ્રોલના અધિકારીઓનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનના 'એનેક્સ 13' અને ભારતના 'એરક્રાફ્ટ (અકસ્માત અને ઘટનાઓની તપાસ) નિયમો, 2017' હેઠળ આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સરકાર અને તપાસ એજન્સીઓ હવે AAIBના અંતિમ અહેવાલ પર નજર રાખી રહી છે, જે સ્પષ્ટ કરશે કે શું તકનીકી ખામી, માનવ ભૂલ અથવા અન્ય કોઈ કારણ અકસ્માત માટે જવાબદાર હતું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news