બેન્ક FD અને કોર્પોરેટ FDમાં શું છે તફાવત? અહીં રોકાણ કરવા પર મળશે શાનદાર રિટર્ન?
Bank FD vs Corporate FD: બેન્ક એફડીમાં રિટર્નની ગેરંટી હોય છે અને મૂળ રકમ સુરક્ષિત હોય છે. જો કે, કોર્પોરેટ એફડી સામાન્ય રીતે જોખમ વધારે હોવાના કારણે બેન્ક એફડી કરતા વધુ વ્યાજ દર ઓફર કરે છે.
એવા ઘણા રોકાણકારો હોય છે, જેઓ સ્થિરતા અને વિશ્વસનીય રિટર્ન ઇચ્છે છે. તેવા રોકાણકારો માટે ફિક્સ્ડ ડિપોઝિટ લાંબા સમયથી પસંદગીનો વિકલ્પ રહ્યો છે. એફડી ખાતરીપૂર્વક રિટર્ન આપે છે અને નાણાકીય સુરક્ષાનો અહેસાસ આપે છે. એફડી (ફિક્સ્ડ ડિપોઝિટ) ફક્ત પરંપરાગત બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટ સુધી મર્યાદિત નથી. હાલના વર્ષોમાં કોર્પોરેટ એફડી પણ વૈકલ્પિક રોકાણ વિકલ્પ તરીકે લોકપ્રિય બની છે. ઘણા રોકાણકારો કોર્પોરેટ એફડી અને બેન્ક એફડી વચ્ચે પસંદગી કરતી વખતે મૂંઝવણનો સામનો કરે છે. જ્યારે બન્નેનો હેતુ તમારી બચત વધારવાનો છે, ત્યારે તમારે નિર્ણય લેતા પહેલા આ બે એફડી વચ્ચેના કેટલાક મહત્વપૂર્ણ તફાવતો જાણવા જોઈએ.
બેન્ક એફડીનો શું છે અર્થ
બેન્ક એફડી (ફિક્સ્ડ ડિપોઝિટ)એ બેન્કો દ્વારા ઓફર કરવામાં આવતું એક નાણાકીય સાધન છે જ્યાં તમે નિશ્ચિત સમયગાળા માટે પૂર્વનિર્ધારિત વ્યાજ દરે એક સાથે રકમ જમા કરો છો. તેને ઓછા જોખમવાળું રોકાણ માનવામાં આવે છે, કારણ કે તેમાં રિટર્નની ગેરંટી હોય છે અને મુખ્ય રકમ સુરક્ષિત હોય છે. બેન્ક એફડીમાં મુદતના આધારે અલગ-અલગ વ્યાજ દર ઓફર કરે છે અને સામાન્ય રીતે ડિપોઝિટ ઇન્શ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) દ્વારા 5 લાખ સુધીનો વીમો લેવામાં આવે છે.
કોર્પોરેટ એફડીનો શું છે અર્થ
કોર્પોરેટ એફડી એ કંપનીઓ અથવા કોર્પોરેશનો દ્વારા ઓફર કરવામાં આવતી ફિક્સ્ડ ડિપોઝિટ છે. બેન્ક એફડીની જેમ, તમે ચોક્કસ સમયગાળા માટે રકમ જમા કરો છો અને કંપની તમને મુદ્દલ પર વ્યાજ આપે છે. જો કે, કોર્પોરેટ એફડી સામાન્ય રીતે વધેલા જોખમને કારણે બેન્ક એફડી કરતા વધુ વ્યાજ દર આપે છે. આ એફડીમાં સરકારી એજન્સીઓ દ્વારા રિટર્નની ગેરંટી હોતી નથી, તેથી તે થોડું જોખમી છે. તેથી, રોકાણ કરતા પહેલા તમારે કંપનીની નાણાકીય સ્થિતિનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવું જોઈએ. કોર્પોરેટ એફડી એવા લોકો માટે યોગ્ય છે જેઓ સંભવિત રીતે ઊંચા રિટર્નના બદલામાં વધુ જોખમ લેવા તૈયાર હોય છે.
બેન્ક એફડી અને કોર્પોરેટ એફડી વચ્ચે શું છે તફાવત?
બેન્ક એફડીમાં વ્યાજ દર સામાન્ય રીતે ઓછો હોય છે. જમા રકમની સુરક્ષાની વાત કરીએ તો RBIના નિયમો અને 5 લાખ રૂપિયા સુધીના ડીઆઈસીજીસી વીમાને કારણે તેને સામાન્ય રીતે સલામત માનવામાં આવે છે. તમે 5-10 વર્ષના લોક-ઇન સમયગાળા સાથેની એફડી પર કર મુક્તિ પણ મેળવી શકો છો. ટાટા કેપિટલ મનીફાઇ અનુસાર, બેન્ક એફડીમાં સમય પહેલા ઉપાડ પર 1-2% વ્યાજનો દંડ વસૂલવામાં આવે છે. બેન્ક એફડીમાં રોકાણનો સમયગાળો 7 દિવસથી 10 વર્ષ સુધીનો હોય છે.
જ્યારે, કોર્પોરેટ FDમાં વ્યાજ દર વધારે હોઈ શકે છે. આ ઉપરાંત તે સંભવિત રીતે વધુ સારું રિટર્ન આપી શકે છે. જમા કરાયેલા નાણાંની સલામતીની વાત કરીએ તો, કોર્પોરેટ FDમાં જોખમ વધારે છે કારણ કે તે જારી કરનાર સંસ્થાના નાણાકીય સહાય પર નિર્ભર હોય છે. કોર્પોરેટ FDમાં રોકાણ પર તમને કોઈ કર મુક્તિ મળતી નથી. આ ઉપરાંત જો તમે કોર્પોરેટ FDમાં જમા કરાયેલા નાણાં સમય પહેલા ઉપાડી લો છો, તો 2-3% વ્યાજ વસૂલવામાં આવે છે. કોર્પોરેટ FDમાં રોકાણ 6 મહિનાથી 5 વર્ષ સુધી કરી શકાય છે.
નિષ્કર્ષ
એટલે કે, એકંદરે બેન્ક FDમાં રોકાણ કરવાથી તમને રિટર્નની ગેરંટી મળે છે અને તમારા રૂપિયા પણ સુરક્ષિત રહે છે. જી હા.. વ્યાજ દર થોડો ઓછો હોઈ શકે છે. પરંતુ કોર્પોરેટ FDમાં વ્યાજ દર વધારે હોઈ શકે છે, પરંતુ જમા કરેલા રૂપિયા અંગે જોખમ પણ રહેલું છે.
(Disclaimer: આ કોઈ રોકાણ સલાહ નથી પણ ફક્ત એક માહિતી છે. રૂપિયા સંબંધિત કોઈપણ નિર્ણય લેતા પહેલા તમારા નાણાકીય સલાહકારોની સલાહ લો.)
Trending Photos