નિવૃત્તિ પછી EPFO તરફથી કેટલું મળશે પેન્શન? આ ફોર્મૂલાથી જાતે કરી શકો છો ગણતરી
EPFO Pension Formula: પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી કરનારા મોટાભાગના લોકોને ટેન્શન હોય છે કે તેઓ વૃદ્ધાવસ્થામાં તેમના માટે રેગ્યુલર ઈનકમની વ્યવસ્થા કેવી રીતે કરશે. પરંતુ જો તમે EPFO મેમ્બર છો, તો તમે 58 વર્ષની ઉંમરથી EPFO તરફથી પેન્શન મેળવી શકો છો. પરંતુ આ માટે EPSમાં તમારું યોગદાન ઓછામાં ઓછું 10 વર્ષ હોવું જોઈએ. જો કે, યોગદાન જેટલું વધારે હશે, તેટલું સારું પેન્શન મળશે. ચાલો તમને જણાવીએ કે, EPFO માંથી મહત્તમ અને લઘુત્તમ પેન્શન કેટલું લઈ શકાય છેય 20, 25 અને 30 વર્ષના યોગદાન પર કેટલું પેન્શન મળશે અને આ પેન્શનની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે.
આ ફોર્મૂલાથી ગણતરી થાય છે પેન્શન
રિટાયરમેન્ટ પછી EPFO તરફથી તમને કેટલું પેન્શન મળશે તેની ગણતરી કરવા માટે જે ફોર્મૂલાનો ઉપયોગ કરવામાં આવે છે તે છે- EPS= સરેરાશ પગાર x પેન્શનપાત્ર સર્વિસ/ 70. આ ફોર્મૂલામાં સરેરાશ પગારનો અર્થ બેસિક પગાર + DA થાય છે. જેની ગણતરી છેલ્લા 12 મહિનાના આધારે કરવામાં આવે છે. પેન્શનપાત્ર સર્વિસનો અર્થ એ છે કે તમે કેટલા વર્ષ નોકરી કરી છે.
મહત્તમ પેન્શન માટે 35 વર્ષનો યોગદાન જરૂરી
EPFOમાં મહત્તમ પેન્શનપાત્ર સર્વિસ 35 વર્ષ છે. પેન્શનપાત્ર પગાર મહત્તમ 15 હજાર રૂપિયા છે. આનાથી યોગદાન રૂ. 15000x8.33 = રૂ. 1250 પ્રતિ માસ થાય છે. મહત્તમ યોગદાનના આધારે EPS પેન્શનની Calculation સમજો. ધારો કે તમારો સરેરાશ પગાર 15,000 રૂપિયા છે અને તમે 35 વર્ષ સુધી નોકરી કરી છે. આ કિસ્સામાં EPS = 15000 x 35 / 70 = રૂ. 7,500 પ્રતિ માસ. આ રીતે મહત્તમ પેન્શન 7,500 રૂપિયા થશે.
30 વર્ષ સુધી યોગદાન આપવા પર કેટલું પેન્શન
જો તમે 30 વર્ષ સુધી EPSમાં તમારું યોગદાન આપો છો, તો તમારું પેન્શન EPS = 15000 x30 / 70 = 6,429 રૂપિયા થશે.
25 વર્ષ સુધી યોગદાન આપવા પર કેટલું પેન્શન
જો તમે 25 વર્ષ સુધી EPSમાં તમારું યોગદાન આપો છો, તો તમારું પેન્શન EPS = 15000 x25 / 70 = 5,357 રૂપિયા થશે.
20 વર્ષ સુધી યોગદાન આપવા પર કેટલું પેન્શન
જો તમે 20 વર્ષ સુધી EPSમાં તમારું યોગદાન આપો છો, તો તમારું પેન્શન EPS = 15000 x20 / 70 = 4,286 રૂપિયા થશે.
1000 રૂપિયા છે ન્યૂનતમ પેન્શન
નોંધનીય છે કે, EPFO તરફથી મળતું ન્યૂનતમ પેન્શન 1,000 રૂપિયા છે. વર્ષ 2014માં કેન્દ્ર સરકારે EPFO સબ્સ્ક્રાઇબર્સ માટે લઘુત્તમ પેન્શન 250 રૂપિયાથી વધારીને 1,000 રૂપિયા પ્રતિ માસ કર્યું હતું. જો કે, વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને ટ્રેડ યુનિયનો અને પેન્શનરોના સંગઠનો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે લઘુત્તમ પેન્શનમાં વધારો કરવામાં આવે. પરંતુ હજુ સુધી તેમાં કોઈ વધારો થયો નથી.
Trending Photos