ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાને મેઘરાજાએ ઘમરોળ્યું, સાબરકાંઠામાં 12.5 ઈંચ વરસાદ; નદી-નાળા થયા છલોછલ
Gujarat Rain: ગુજરાતમાં છેલ્લાં ઘણા દિવસથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ મેઘસવારી હવે ઉત્તર ગુજરાતમાં આવી પહોંચી છે. જેમાં શનિવારે ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસતાં ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. સાબરકાંઠામાં તો 24 કલાકમાં સાડા બાર ઈંચ વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. ત્યારે ગુજરાતમાં મેઘરાજાએ કયા જિલ્લામાં કેવું રૂપ બતાવ્યું?
ઉત્તર ગુજરાતમાં જળબંબાકાર
ગુજરાતમાં હવે ચોમાસું ધીમે-ધીમે જામી રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધમાકેદાર બેટિંગ કર્યા પછી મેઘરાજાએ ઉત્તર ગુજરાતને ઘમરોળવાનું શરૂ કર્યુ છે. જેમાં સાબરકાંઠા અને બનાસકાંઠામાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે. જેના કારણે જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
સાબરકાંઠાના વડાલીમાં તો આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કેમ કે અહીંયા વડાલીમાં 24 કલાકમાં સાડા બાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેના કારણે જિલ્લાની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. કોઝવે પર પાણી ફરી વળતાં લોકોની મુશ્કેલીમાં મોટો વધારો થયો છે.
સાબરકાંઠાના હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઈન પાસે આવેલ અંડરપાસ પાણીથી છલોછલ ભરાઈ ગયો છે. જેના કારણે તેને તાત્કાલિક બંધ કરવાની ફરજ પડી છે.
ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાને ઘમરોળ્યું
આ તરફ બનાસકાંઠાના અમીરગઢમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. પરિણામે ઈકબાલગઢમાં નાળીવાસ વિસ્તારમાં આવેલાં મકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. કમર સમા પાણી ઘરમાં ઘૂસી જતાં લોકો પોતાનો સામાન બહાર કાઢતાં જોવા મળ્યા છે.
બનાસકાંઠામાં ભારે વરસાદથી નદીઓ પણ નવા નીરથી છલકાઈ ઉઠી છે. જેમાં પાલનપુર નજીક આવેલ બાલારામ નદીમાં પણ પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. તો બીજીબાજુ ઉકાનચલી અને સીપુ નદી પણ નવા નીરથી જીવંત થઈ છે.
ભાવનગર જિલ્લામાં પણ આ વર્ષે મેઘરાજાએ ભરપૂર મહેર કરી છે. જેને આકાશી દ્રશ્યોથી સમજી શકાય છે. અહીંયા ભાલ વિસ્તારના 20 કિલોમીટરથી વધુ વિસ્તારમાં વરસાદના પાણી ભરાઈ ગયા છે. જેના કારણે સનેસ, માઢિયા, પાળીયાદ, સવાઈનગર સહિતના 20થી વધુ ગામના લોકોની મુશ્કેલીમાં મોટો વધારો થયો છે.
દક્ષિણ ગુજરાતના નવસારીમાં વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેમાં બીલીમોરા શહેરમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ
રાજ્યમાં અત્યાર સુધી કયા ઝોનમાં કેટલો વરસાદ પડ્યો તેની વાત કરીએ તો કચ્છમાં 17.67 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં 13.75 ટકા, મધ્ય-પૂર્વ ગુજરાતમાં 17.45 ટકા, સૌરાષ્ટ્રમાં 20.51 ટકા, દક્ષિણ ગુજરાતમાં 13.37 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 16.41 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
નદી-નાળા અને જળાશયો છલકાઈ ઉઠ્યા
ગુજરાતમાં પહેલાં જ વરસાદમાં નદી-નાળા છલકાઈ ગયા છે. તો અનેક જળાશયોમાં પણ નવા નીરની મસમોટી આવક નોંધાઈ છે. ગુજરાતના કયા જળાશયો હાઈઅલર્ટ પર છે તેના પર નજર કરીએ તો રાજુલાનો ધાતરવાડી ડેમ, સાવરકુંડલાનો સૂરજવાડી ડેમ, મહુવાનો રોજકી ડેમ, મહુવાનો બગડ ડેમ, ગઢડાનો ભીમદાડ ડેમ, ચૂડાનો વાંસલ ડેમ, સાયલાનો લીંબડી-ભોગાવો ડેમ, મૂળીનો સબુરી ડેમ, ઉમરાળાનો રંઘોળા ડેમ, પાલીતાણાનો શેત્રુંજી ડેમ, બોટાદનો ગોમા ડેમ, મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ, હળવદનો બ્રહ્માણી ડેમ અને મુંદ્રાનો કાલાઘોઘા ડેમ હાઈ અલર્ટ પર છે.
7 દિવસની વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. જેમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે. જેના કારણે રાજ્યમાં સર્વત્ર પાણીની રેલમછેલ જોવા મળશે તે નક્કી છે.
Trending Photos