આગામી 5 દિવસ પછી ગુજરાતમાં વરસાદનું ભયાનક એલર્ટ; આદ્રા નક્ષત્ર પહેલાં મળ્યા મોટા સંકેત!

Gujarat HeavyRain Forecast: અરબ સાગર અને દક્ષિણ ગુજરાતની વરસાદી સિસ્ટમ રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ ફંટાઈ જતાં હવે સુરત, નવસારી અને વલસાડના નાગરિકોએ સારા વરસાદ માટે પાંચેક દિવસની રાહ જોવી પડશે. બીજી તરફ ચાર-પાંચ દિવસ પછી બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનવાની પ્રબળ સંભાવના હોવાથી ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે તેવી હાલના તબક્કે સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

1/6
image

દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. બુધવારે પણ સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં એકથી બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટી ગયું છે. એક સપ્તાહ સુધી વરસાદનું જોર નરમ રહેશે.   

2/6
image

બીજી બાજુ કચ્છમાં અષાઢી બીજ અને આદ્રા નક્ષત્ર પહેલાં જ સારા વરસાદથી કચ્છીજનોમાં આનંદની લાગણી છવાઈ છે. ચોમાસા દરમિયાન કચ્છના મહેમાન બનતા યાયાવર પક્ષીનું પણ આગમન શરૂ થઈ ગયું છે. નાગવીરી રખાલને અડીને આવેલા લક્ષ્મીપર (નેત્રા) નજીકના ભેડિયા પાસે નર-માદા ચાતક પક્ષીની જોડી જોવા મળતાં વન વિભાગના કર્મચારીએ કેમેરામાં તેની તસવીર કેદ કરી હતી. 

3/6
image

લોકવાયકામાં વરસાદ સાથે વણાયેલું ચાતક પક્ષી આફ્રિકાથી વિવિધ દેશ અને સમુદ્ર પરથી સેંકડો કિલોમીટરની લાંબી સફર ખેડીને જૂન મહિનાની શરૂઆત એટલે કે ચોમાસા દરમિયાન કચ્છના મહેમાન બને છે. જે આખું ચોમાસું અહીં ગાળ્યા બાદ દિવાળી પહેલાં પરત જતા રહે છે.  

4/6
image

વન વિભાગની નખત્રાણા રેન્જના વનરક્ષકે જણાવ્યું હતું કે, ચાતક કોયલની જેમ બીજા પક્ષી લેલાના માળામાં ઈંડા આપે છે અને તેના ઈડાને લેલણ પક્ષી જ સેવે છે, તે એક કુદરતી પ્રક્રિયા છે. ચાતક પક્ષીની જોડી ચોમાસાના ચાર મહિના સુધી કચ્છમાં રોકાઈ પ્રજનન અને ઈંડાના ઉછેર કરે છે.

5/6
image

સુરત જિલ્લામાં બુધવારે વહેલી સવારે વરસાદી ઝાપટાં જોવા મળ્યાં હતા. દિવસ દરમિયાન ઓલપાડ અને ઉમરપાડામાં 1 ઈંચ, માંગરોળમાં 0.76 ઈંચ, સુરત શહેરમાં 0.76 ઈંચ, ચોર્યાસીમાં 0.50 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે વલસાડમાં વીતેલા ૨૪ કલાકમાં વલસાડ તાલુકામાં 1.60 ઈંચ, ધરમપુરમાં 1.48 ઈંચ, પારડીમાં 0.68 ઈંચ, કપરાડામાં 2.16 ઈંચ, ઉમરગામમાં 1.04 ઈંચ અને વાપીમાં 1.08  ઈંચ વરસાદ નોંધાયો હતો. 

6/6
image

નવસારીમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. તાપી જિલ્લાની વાત કરીએ તો નિઝરમાં 2 ઈંચ, વાલોડમાં 1.50 ઈંચ, કુકરમુંડા અને ડોલવણમાં 1.0 ઈંચ વરસાદ પડયો હતો. ડાંગ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. વીતેલા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો આહવામાં 4.88 ઈંચ, સુબીરમાં 3.6 ઈંચ, વઘઈમાં 2.88 ઈંચ, સાપુતારામાં 1.8 ઈંચ વરસાદ નોંધાયો હતો. સાપુતારામાં ધુમ્મસિયું વાતાવરણ છવાયેલું રહેતા વિઝિબિલિટી ઘટી ગઈ હતી. પરંતુ વાતાવરણ આહ્લાદક બની જતાં સહેલાણીઓનો ઉત્સાહ બેવડાયો હતો.