ગુજરાતમાં જલ્દી ત્રાટકશે ધોધમાર વરસાદ, આ તારીખથી શરૂ થશે ચોમાસાનો બીજો રાઉન્ડ
Gujarat Weather Forecast : ગુજરાતમાં હવે ધીરે ધીરે ચોમાસાનો બીજો રાઉન્ડ ગતિ પકડી રહ્યો છે. હાલ રાજ્યમાં છુટા છવાયા વરસાદની આગાહી છે. પરંતું જલ્દી જ ધોધમાર વરસાદ આવશે.
આવી રહ્યો છે વરસાદનો બીજો રાઉન્ડ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, વરસાદે વિરામ લીધા બાદ 15 ઓગસ્ટ પછી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. અરબ સાગરમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન થવાની શક્યતા છે, બંગાળના ઉપસાગરમાં 17 ઓગસ્ટથી મજબૂત સિસ્ટમ બનશે. અરબ સાગરની સિસ્ટમના કારણે 19થી 22 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. 17 ઓગસ્ટે બનનારી સિસ્ટમ લગભગ 19 અને 20 તારીખે મધ્ય પ્રદેશ થઈને ગુજરાતના ભાગોમાં આવશે. આ કારણેગ જુરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
ક્યા ક્યાં ત્રાટકશે વરસાદ
ઓગસ્ટના વરસાદના બીજા રાઉન્ડમાં પૂર જેવો વરસાદ આવે તેવી શક્યતા છે. આગાહી મુજબ, સરદાર સરોવર ડેમની જળ સપાટી વધી શકે છે. આ વરસાદના કારણે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થઈ રશકે છે. તાપી નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે. 15 ઓગસ્ટ પછી વરસાદનો નવો રાઉન્ડ થવાની શક્યતા વ્યક્ત કરીને હવામાન નિષ્ણાત અંબાલાલ જણાવે છે કે, મહીસાગર, વડોદરા, અમદાવાદ, - ગાંધીનગર, ભરૂચ, નવસારી, સુરત, - આહવા, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પણ વરસી શકે છે. કચ્છ, સાબરકાંઠા, પાટણ, સમી, હારીજ, મહેસાણા, પંચમહાલ, રાજકોટ સહિતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૧૧ ઓગસ્ટ ૨૦૨૫ની સ્થિતિએ સરેરાશ ૬૪ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ૬૮.૭૯ ટકાથી વધુ વરસાદ દક્ષિણ રિજિયનમાં જ્યારે પૂર્વ-મધ્યમમાં ૬૬.૫૪ ટકા, ઉત્તર ગુજરાતમાં ૬૬.૨૧ ટકા, કચ્છમાં ૬૫.૧૩ ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં ૫૬.૩૧ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની દ્વારા જણાવાયું છે. વધુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ ૨૦૬ ડેમમાંથી ૫૨ ડેમ હાઈએલર્ટ એટલે કે ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૨૫ ડેમ એલર્ટ પર તેમજ ૨૬ ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના ૭૫ ટકાથી વધુ જળસંગ્રહ ઉપલબ્ધ છે.
ગુજરાતમાં નોંધપાત્ર વરસાદના પરિણામે જગતના તાત એવા ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં સરેરાશ કુલ ૮૨.૩૫ ટકા વિસ્તારમાં ખરીફ –ચોમાસું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ ૨૦ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર જ્યારે બીજા ક્રમમાં ૨.૬૫ લાખ હેક્ટરમાં સોયાબીન જ્યારે ત્રીજા ક્રમમાં ૨.૬૪ લાખ હેક્ટર વિસ્તારમાં મકાઈનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમ, કૃષિ વિભાગની યાદીમાં જણાવાયું છે. ગુજરાતના માછીમારોને તા. ૧૧ થી ૧૪ ઓગસ્ટ સુધી દરિયો નહીં ખેડવા IMD દ્વારા જણાવાયું છે. હાલની સ્થિતિમાં ગુજરાતના તમામ ગામોમાં વીજ પુરવઠો તેમજ એસ.ટી બસના તમામ ૧૪,૫૯૮ રૂટ પર ૪૦,૨૬૪ ટ્રીપ કાર્યરત છે.
Trending Photos