IRCTCએ ટિકિટ બુકિંગ સાથે જોડાયેલા 7 નિયમોમાં કર્યો ફેરફાર, નવા નિયમોની તમારા પર શું થશે અસર?
Indian Railways: ભારતીય રેલવે દ્વારા મુસાફરો માટે પોતાની સર્વિસને સરળ બનાવવા અને પારદર્શિતા વધારવા માટે ઘણા બદલાવ કરવામાં આવ્યા છે. આ બદલાવો જુલાઈ 2025થી લાગુ કરવામાં આવ્યા છે. આ બદલાવોમાં રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાના સમયમાં વધારો, અંતરના આધારે ટિકિટનો ભાવ, તત્કાલ ટિકિટ માટે જરૂરી આધાર અને OTP આધારિત ચકાસણી વગેરેનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ ટિકિટ અંગે રેલવે દ્વારા કરવામાં આવેલા ફેરફારો વિશે.
તત્કાલ ટિકિટની બુકિંગ માટે આધાર કાર્ડ જરૂરી બની ગયું છે. 1 જુલાઈ 2025થી IRCTCની વેબસાઇટ અને મોબાઇલ એપ દ્વારા બુકિંગ પર તત્કાલ ટિકિટ ફક્ત એવા લોકો માટે ઉપલબ્ધ છે જેમણે પોતાનો આધાર વેરિફાઇ કરાવ્યો છે. ઓનલાઈન તત્કાલ ટિકિટ બુક કરવા માટે મુસાફરોએ પોતાનો આધાર નંબર IRCTC એકાઉન્ટ સાથે લિંક કરીને તેને વેરિફાઇ કરવાનો રહેશે.
કાઉન્ટર અને એજન્ટો પાસેથી તત્કાલ ટિકિટ બુકિંગ કરાવવા માટે OTP જરૂરી રહેશે. 15 જુલાઈ 2025થી કોમ્પ્યુટરાઈઝ્ડ પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) કાઉન્ટર અને રેલવેના અધિકૃત એજન્ટો દ્વારા બુક કરાયેલી તમામ તત્કાલ ટિકિટોને ફરીથી ચકાસણીની જરૂર પડશે.
1 જુલાઈ 2025થી અધિકૃત એજન્ટો માટે ચોક્કસ સમયે ટિકિટ બુક કરાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આનાથી સામાન્ય મુસાફરોને બુકિંગમાં પ્રાથમિકતા મળશે. AC ક્લાસ માટે એજન્ટો સવારે 10:00 થી 10:30 વાગ્યા સુધી ટિકિટ બુક કરાવી શકશે નહીં. જ્યારે નોન-AC ક્લાસ માટે એજન્ટો સવારે 11 થી 11:30 વાગ્યા સુધી ટિકિટ બુક કરાવી શકશે નહીં.
1 જુલાઈ 2025થી લાગુ કરાયેલી નવી ભાડા સિસ્ટમથી ઘણી મોટી અને ખાસ ટ્રેનો પ્રભાવિત થશે. હવે રાજધાની, શતાબ્દી, દુરંતો, વંદે ભારત, તેજસ, હમસફર, અમૃત ભારત, મહામના, ગતિમાન, અંત્યોદય, જન શતાબ્દી, યુવા એક્સપ્રેસ, AC વિસ્ટાડોમ દ્વારા મુસાફરી મોંઘી થઈ શકે છે. નોર્મલ નોન-સબઅર્બન સર્વિસમાં પણ 500 કિમીથી વધુ અંતર માટે પણ નવું ભાડું લાગુ થશે. નવું ભાડું અલગ-અલગ કેટેગરી અનુસાર નક્કી કરવામાં આવશે.
રેલવે બોર્ડે જણાવ્યું છે કે, હવે ટ્રેન ઉપડવાના 8 કલાક પહેલા રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવામાં આવશે. જે ટ્રેનોનો ઉપડવાનો સમય બપોરે 2 વાગ્યા (14.00 કલાક) પહેલાનો છે તેનો ચાર્ટ એક દિવસ પહેલા રાત્રે 9 વાગ્યા (21.00 કલાક) વાગ્યે તૈયાર કરવામાં આવશે. અગાઉ રિઝર્વેશન ચાર્ટ ટ્રેન ઉપડવાના માત્ર ચાર કલાક પહેલા તૈયાર કરવામાં આવતો હતો. આનાથી મુસાફરોને તૈયારી માટે ખૂબ જ ઓછો સમય મળતો હતો.
1 જુલાઈ 2025થી ટ્રેન ભાડામાં ફેરફાર કરવામાં આવ્યા છે. સામાન્ય નોન-એસી ટ્રેનોના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. સેકન્ડ ક્લાસના ભાડામાં પ્રતિ કિમી અડધા પૈસા (0.5 પૈસા)નો વધારો કરવામાં આવ્યો છે, પરંતુ તેમાં કેટલીક શરતો છે. 500 કિમી સુધીની મુસાફરી માટે કોઈ વધારો થશે નહીં. 501 થી 1500 કિમીના અંતર માટે 5 રૂપિયાનો વધારો થશે. 1501 થી 2500 કિમીના અંતર માટે 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે 2501 થી 3000 કિમીના અંતર માટે આ વધારો 15 રૂપિયા છે.
ટ્રેન ભાડામાં ફર્સ્ટ ક્લાસ એસી માટે પ્રતિ કિમી 0.5 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. સેકન્ડ ક્લાસ માટે પ્રતિ કિમી 1 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. સ્લીપર ક્લાસમાં પ્રતિ કિમી 1 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. તેવી જ રીતે ફર્સ્ટ ક્લાસના ભાડામાં પ્રતિ કિમી 1 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
રેલવે ભાડામાં તાજેતરના થયેલા બદલાવોમાં રિઝર્વેશન ફી, સુપરફાસ્ટ સરચાર્જ અને અન્ય વધારાના ફીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ બધા ચાર્જ પહેલા જેવા જ રહેશે. આ ઉપરાંત પહેલાથી જ અમલમાં રહેલા નિયમો અનુસાર ટિકિટના ભાવ પર GST વસૂલવામાં આવશે. ભાડા રાઉન્ડિંગ સિદ્ધાંતો પણ પહેલા જેવા જ રહેશે.
Trending Photos