Jasprit Bumrah Fitness Update : જસપ્રીત બુમરાહ ક્યારે કરશે વાપસી ? સામે આવ્યું મોટું અપડેટ
Jasprit Bumrah fitness update : જસપ્રિત બુમરાહ છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટના મેદાનથી દૂર છે. જાન્યુઆરી 2025માં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચ દરમિયાન તેને ઈજા થઈ હતી, ત્યારથી તે એકપણ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો નથી. ઈજાના કારણે તે ચેમ્પિયન્સ ટ્રોફીથી પણ બહાર છે, ત્યારે હવે તેની વાપસીને લઈને સમાચાર સામે આવ્યા છે.
ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જસપ્રિત બુમરાહ ક્રિકેટના મેદાનમાં ક્યારે વાપસી કરશે તેને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. જાન્યુઆરી 2025માં ઓસ્ટ્રેલિયા સામેની સિડની ટેસ્ટ દરમિયાન જસપ્રીત બુમરાહને પીઠના નીચેના ભાગમાં ઈજા થઈ હતી.
જસપ્રીત બુમરાહના ક્રિકેટ મેદાનમાં વાપસીને લઈને સસ્પેન્સ ચાલુ છે. મીડિયા અહેવાલ મુજબ જસપ્રીત બુમરાહ IPLના પહેલા કે બીજા સપ્તાહ સુધી રમી શકશે નહીં. મુંબઈ ઈન્ડિયન્સ ટીમ માટે આ મોટો ઝટકો છે. આવી સ્થિતિમાં જસપ્રીત બુમરાહ એપ્રિલમાં મુંબઈ ઈન્ડિયન્સ કેમ્પમાં સામેલ થઈ શકશે. જસપ્રીત બુમરાહ હાલમાં બેંગલુરુમાં BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ (COI)માં રિહેબિંગ કરી રહ્યો છે.
BCCIના એક સૂત્રએ કહ્યું કે, જસપ્રિત બુમરાહનો મેડિકલ રિપોર્ટ ઠીક છે. તેણે COIમાં ફરી બોલિંગ શરૂ કરી છે. જો કે, આગામી બે અઠવાડિયા સુધી તે IPLમાં બોલિંગ કરી શકશે તેવી શક્યતા નથી. વર્તમાન પરિસ્થિતિ મુજબ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ક્રિકેટમાં પરત ફરી શકે છે. આવી સ્થિતિમાં જસપ્રીત બુમરાહ મુંબઈ માટે પ્રથમ 3 કે 4 મેચમાંથી બહાર થઈ શકે છે.
જાણવા મળ્યું છે કે જસપ્રીત બુમરાહે હજુ સુધી ફુલ સ્પીડથી બોલિંગ શરૂ કરી નથી. હાલમાં તે સામાન્ય સ્પીડથી બોલિંગ કરી રહ્યો છે. જ્યાં સુધી તે કોઈ સમસ્યા વિના ફુલ સ્પીડથી બોલિંગ કરી શકતો નથી, ત્યાં સુધી તેને મેડિકલ ટીમ દ્વારા ક્લિયરન્સ મળવાની શક્યતા નથી.
IPL પછી તરત જ ભારતે ઇંગ્લેન્ડ સામે પ્રવાસ ખેડવાનો છે, જ્યાં 5 મેચોની ટેસ્ટ શ્રેણી રમાશે. જસપ્રીત બુમરાહને ઇંગ્લેન્ડમાં બને તેટલી વધુ ટેસ્ટ મેચો માટે ફિટ બનાવવાનું સૌથી મોટો ટાર્ગેટ છે. રોહિત શર્માને ટેસ્ટ કેપ્ટન તરીકે ચાલુ રાખવા અંગે પણ અનિશ્ચિતતા છે. જો પસંદગીકારો કોઈ યુવા ખેલાડી પર દાવ ન લગાવે તો જસપ્રીત બુમરાહ આગામી ટેસ્ટ કેપ્ટન બનવા માટે પ્રબળ દાવેદાર છે.
Trending Photos