બુમરાહ પાસેથી છીનવાઈ જશે ટેસ્ટની વાઈસ કેપ્ટનશીપ ! આ બે યુવા સ્ટાર્સ BCCIના નિશાના પર, રિપોર્ટ્સમાં મોટો દાવો
Jasprit Bumrah : ભારતીય ક્રિકેટ ટીમના પસંદગીકારો ઉપ-કપ્તાન તરીકે કોઈ યુવાન ચહેરાને પસંદ કરી શકે છે. તે એવા ખેલાડીની શોધમાં છે જેને ભવિષ્યમાં ટીમ ઈન્ડિયાની કમાન સોંપી શકાય.
Jasprit Bumrah : જૂનમાં પાંચ ટેસ્ટ મેચની શ્રેણી માટે ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે જશે ત્યારે ભારતના મુખ્ય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ટીમના ઉપ-કેપ્ટન તરીકે ચાલુ રહે તેવી શક્યતા ઓછી છે.
ઓસ્ટ્રેલિયા સામેની ભારતની છેલ્લી ટેસ્ટ શ્રેણીમાં બુમરાહને રોહિત શર્માના ડેપ્યુટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો અને પર્થમાં શરૂઆતની મેચમાં ટીમને પ્રવાસની એકમાત્ર જીત અપાવી હતી. રોહિતે પ્લેઇંગ ઇલેવનમાંથી પોતાને બહાર કર્યા પછી, તેણે સિડનીમાં રમાયેલી અંતિમ ટેસ્ટમાં પણ ભારતનું નેતૃત્વ કર્યું હતું.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ 20 જૂને શરૂ થશે, જ્યારે શ્રેણીની બીજી ટેસ્ટ 2-6 જુલાઈ દરમિયાન રમાશે. જ્યારે, ત્રીજી ટેસ્ટ મેચ 10-14 જુલાઈ દરમિયાન લંડનના ઐતિહાસિક લોર્ડ્સ સ્ટેડિયમ ખાતે રમાશે. ચોથી ટેસ્ટ મેચ 23 થી 27 જુલાઈ દરમિયાન માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાશે અને શ્રેણીની અંતિમ મેચ 31 જુલાઈથી 4 ઓગસ્ટ દરમિયાન લંડનના ઓવલ ખાતે રમાશે.
મીડિયા અહેવાલ મુજબ, વર્કલોડ મેનેજમેન્ટના ભાગરૂપે બુમરાહ ઇંગ્લેન્ડ પ્રવાસ પર બધી મેચો રમે તેવી શક્યતા ઓછી છે. તેથી અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ એક વાઈસ કેપ્ટન શોધી રહી છે જે સમગ્ર પ્રવાસ દરમિયાન રમશે.
રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે પસંદગીકારો રોહિતના ઉત્તરાધિકારને ધ્યાનમાં રાખીને 'યુવા ચહેરો' શોધી રહ્યા છે. તેથી તેઓ એક એવો વાઈસ કેપ્ટન ઇચ્છે છે જેને ભારતના ભાવિ ટેસ્ટ કેપ્ટન તરીકે તૈયાર કરી શકાય.
શુભમન ગિલ અને ઋષભ પંત આ ભૂમિકા માટે યોગ્ય છે. 25 વર્ષીય બેટ્સમેન તાજેતરમાં ભારતના વિજયી ચેમ્પિયન્સ ટ્રોફી અભિયાન દરમિયાન ODI ફોર્મેટમાં સમાન ભૂમિકામાં જોવા મળ્યો હતો. બીજી તરફ પંતે 2022માં દક્ષિણ આફ્રિકા સામેની T20I શ્રેણીમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બોર્ડ બુમરાહની ઈજા સાથેના સંઘર્ષ અંગે ચિંતિત છે. બુમરાહ તાજેતરમાં પીઠની ઇજામાંથી સ્વસ્થ થયો છે, જેના કારણે તે જાન્યુઆરીના બીજા અઠવાડિયાથી એપ્રિલ સુધી મેદાનની બહાર હતો. બુમરાહ લગભગ 11 મહિના સુધી મેદાનની બહાર રહ્યો હતો. ત્યારે પસંદગીકારો કોને વાઈસ કેપ્ટનની જવાબદારી આપે છે તે જોવું રસપ્રદ રહેશે.
Trending Photos