સુરતમાં પૂર જેવી સ્થિતિ, આખું બારડોલી કમર સુધીના પાણીમાં ડૂબ્યું, પુણા વિસ્તાર પણ જળબંબાકાર

Surat Floods : સતત બીજા દિવસે દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદ... બારડોલીમાં સવારે ખાબક્યો 5 ઈંચ.. તો વ્યારા અને વાપીમાં પણ 4 ઈંચ વરસાદથી ફરી વળ્યા પાણી... ઉમરપાડામાં 4 ગામોના રસ્તા બંધ.. 
 

1/8
image

સુરત જિલ્લામાં સતત બીજા દિવસે મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. ગત ૨૪ કલાક દરમિયાન સુરત જિલ્લામાં સરેરાશ ૬ ઇંચ જેટલો વરસાદ નોંધાયો. સુરત શહેરમાં જ રાજ્યનો સૌથી વધુ ૧૩ ઇંચ જેટલો વરસાદ વરસ્યો. આજે સવારે ૬ થી ૧૦ કલાક સુધીમાં સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ૫ ઇંચ જેટલો વરસાદ નોઁધાયો. 

સુરત પાણીમાં ડૂબ્યું 

2/8
image

સુરતમાં ધોધમાર વરસાદથી માર્ગવ્યવહાર ખોરવાયો. પર્વત પાટિયા કાંગારુ સર્કલથી ગોડાદરા તરફ જતો માર્ગ અવરોધાયો. મહારાણા પ્રતાપ ચોક પાસેથી વાહનચાલકો અટવાયા. વોર્ડ નંબર-18ના કાપડ માર્કેટ પાસે ટ્રાફિક જામ સર્જાયો છે. બાઈકચાલકોની લાંબી કતારો સાથે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નોકરી પર જતા નાગરિકોને ભારે તકલીફ થઈ. પાણી ભરાવાથી માર્ગો પર હાલત કફોડી બની છે. વરસાદી પાણીના કારણે ટ્રાફિક વ્યવસ્થા અટવાઈ છે. નગરજનોને અલર્ટ રહેવા તંત્રની અપીલ છે. 

બારડોલીમાં કમર સુધી પાણી

3/8
image

આજે બીજા દિવસે સુરતના બારડોલીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ડીએમ નગરમાં ઘરોમાં પાણી ભરાયા છે. જેથી ફાયર વિભાગની ટીમ ડીએમ નગરમાં રેસ્ક્યુ કરવા પહોંચી છે. સ્થાનિકોએ કમર સુધીના પાણીમાં પણ ઘર છોડી જવા ફાયર વિભાગને ઇન્કાર કર્યો. બારડોલીના અલગ અલગ વિસ્તારમાંથી કુલ 17 લોકોનું રેસ્ક્યુ કરાયું. સોસાયટીમાં ઘરોમાં કમરસમા પાણી ભરાયા છે.  

પુણા વિસ્તારમાં જળબંબાકાર 

4/8
image

સુરતના પર્વત પાટીયા વિસ્તારમાં ગીતાનગરમાં પાણી-પાણી છે.લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આવાસ અને આંગણવાડીમાં પણ પાણી ભરાયા છે.   

ભારે વરસાદના પગલે વિયર કમ કોઝવે ઓવરફ્લો

5/8
image

સુરતમાં વિયર કમ કોઝવે સંપૂર્ણ રીતે વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. કોઝવેની સામાન્ય સપાટી પાંચ મીટર છે. જ્યારે ભયજનક સપાટી 6 મીટર છે. હાલની કોઝવેની સપાટી 6.98 મીટર છે. કોઝવે પોતાની ભયજનક સપાટીથી ઉપર છે. કોઝવેનો સંપૂર્ણ માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. કોઝવેના માર્ગ પરથી પાણીનો ઘસમસતો પ્રવાહ જોવા મળ્યો છે. 

સુરતમાં રાજ્યનો સૌથી વધુ 13 ઈંચ વરસાદ

6/8
image

રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે, ત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન સુરત શહેરમાં રાજ્યનો સૌથી વધુ ૧૩ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, સમગ્ર સુરત જિલ્લામાં રાજ્યનો સૌથી વધુ સરેરાશ ૬ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં ૧૧ ઇંચ અને પલસાણા તાલુકામાં ૮ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. 

સુરતના તમામ તાલુકમાં વરસાદ 

7/8
image

વધુમાં, ગત ૨૪ કલાકમાં સુરતના બારડોલી અને નર્મદાના તિલકવાડા તાલુકામાં ૬ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત તાપીના ડોલવણ, આણંદના બોરસદ અને સુરતના ઓલપાડ તાલુકામાં ૫ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તદુપરાંત સુરતના ચોર્યાસી તાલુકામાં ૪ ઈંચથી વધુ તેમજ તાપીના વ્યારા, સુરતના માંડવી અને માંગરોળ, આણંદના ખંભાત, પંચમહાલના હાલોલ તાલુકા ઉપરાંત નવસારી તથા ભરૂચ તાલુકામાં ૩-૩ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.  

8/8
image

આ ઉપરાંત રાજ્યના ૧૮ તાલુકામાં બે ઇંચથી વધુ, ૪૦ તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, ૯૬ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. આમ, છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં ૩૧ જિલ્લાના કુલ ૧૭૦ તાલુકામાં વરસાદ વરસ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તા. ૨૪ જૂન, ૨૦૨૫ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૨૧ ટકાથી વધુ નોંધાયો છે. જ્યારે, સવારે ૬.૦૦ થી ૧૦.૦૦ કલાક સુધીમાં સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.