ક્રિકેટર યશ દયાલની થશે ધરપકડ ? રેપના આરોપો સાથે જોડાયેલા કેસને પાંચ મુદ્દાઓમાં સમજો
Yash Dayal : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ફાસ્ટ બોલર યશ દયાલની મુશ્કેલીઓ ઓછી થઈ રહી નથી. ગાઝિયાબાદના ઇન્દિરાપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવતીની ફરિયાદ પર યશ દયાલ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ફાસ્ટ બોલર યશ દયાલ મુશ્કેલીમાં મુકાયો છે. યશ દયાલ પર એક યુવતીએ લગ્નની લાલચ આપીને આર્થિક, માનસિક અને શારીરિક શોષણનો આરોપ લગાવ્યો છે. આ મામલો લગભગ બે અઠવાડિયા પહેલા ચર્ચામાં આવ્યો હતો. ગાઝિયાબાદના ઇન્દિરાપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યશ સામે FIR નોંધાઈ છે.
21 જૂને યુપી સરકારના જનસુનવાઈ પોર્ટલ પર યુવતીએ પહેલીવાર ફરિયાદ કરી હતી. આ સાથે, તેણે ઇન્સ્ટાગ્રામ પર અનેક ફોટા પણ પોસ્ટ કર્યા અને યશ દયાલ પર આરોપ લગાવ્યો હતો. યુવતીની ફરિયાદ પછી પોલીસે તપાસ શરૂ કરી. તપાસ હજુ પણ ચાલુ છે અને પોલીસે FIR પણ નોંધી છે.
ભારતીય ન્યાય સંહિતાની કલમ 69 હેઠળ નોંધાયેલી FIR મુજબ, યુવતીએ દાવો કર્યો છે કે તે દયાલ સાથે 5 વર્ષથી સંબંધમાં હતી. તેનો આરોપ છે કે યશે લગ્નનું ખોટું વચન આપીને તેનું માનસિક અને શારીરિક શોષણ કર્યું.
ફરિયાદીએ દાવો કર્યો છે કે દયાલે લગ્નના ખોટા વચનો આપ્યા હતા અને તે બહાને શારીરિક સંબંધો બાંધ્યા હતા. દયાલે તેને તેના પરિવાર સાથે પરિચય પણ કરાવ્યો હતો. અહેવાલો અનુસાર, તેણીએ પુરાવા તરીકે ફોટા અને કોલ રેકોર્ડ આપ્યા છે.
યશ દયાલની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી. પોલીસનું કહેવું છે કે તપાસ હજુ ચાલુ છે. આ પછી પરિસ્થિતિ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
Trending Photos