ગુજરાતને કોણ બનાવવા માગે છે ડ્રગ્સનું એપિસેન્ટર? રાજ્યના દરિયા કિનારે નશાનો કાળો કારોબાર યથાવત!
Gujarat ATS Drugs Seized: ગુજરાતના દરિયા કિનારે નશાનો કાળો કારોબાર યથાવત છે. જી હાં... ગુજરાતના દરિયાકિનારા પાસેથી ફરી એકવાર 1800 કરોડની કિંમતનું 300 કિલો ડ્રગ્સ ઝડપાયું છે.
ગુજરાત ATS અને ઈન્ડિયન કોસ્ટગાર્ડે રાતના અંધારામાં ખાસ ઓપરેશન હાથ ધરીને નશાનો આ જથ્થો ઝડપી પાડ્યો છે. ત્યારે ક્યાં જવાનું હતું કરોડો રૂપિયાનું ડ્રગ્સ અને કોણ ગુજરાતને બનાવવા માગે છે ડ્રગ્સનું એપિસેન્ટર.
ગુજરાતમાં ફેબ્રુઆરી 2024માં પોરબંદરના દરિયામાંથી 3271 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ માર્ચ 2024માં અરબી સમુદ્રમાંથી 400 કરોડનું જપ્ત કરાયું. તેવી જ રીતે જુન 2024માં જખૌ દરિયામાંથી કરોડોની કિંમતનું કોકેઈન જપ્ત કરાયું. નવેમ્બર 2024માં ફરીથી પોરબંદરના દરિયામાંથી 3271 કિલો ડ્રગ્સ જપ્ત કરાયું.
ઉપરના આંકડા વર્ષ 2024ના છે. ત્યારે આ સિલસિલો વર્ષ 2025માં પણ યથાવત છે. અમે આવું એટલાં માટે કહી રહ્યા છીએ કેમ કે, ગુજરાતના દરિયા કિનારા નજીકથી ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને અંદાજે 1800 કરોડની કિંમતનું 300 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. સાથે જ ખુલાસો થયો છે કે આ ડ્રગ્સ પાકિસ્તાનના સ્મગલર ફિદાએ મોકલ્યું હતુ. ડ્રગ્સ વાયા ગુજરાત થઈ તમિલનાડુ જવાનું હતું.
ATSના પીઆઈના બાતમી મળી હતી કે, ગુજરાતના દરિયામાંથી ડ્રગ્સનો મોટો જથ્થો તમિલનાડુ જવાનો છે. જે બાદ ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું. આ ઓપરેશન 12-13 એપ્રિલના રાતના અંધારામાં પાર પડાયું. કોસ્ટગાર્ડ પાકિસ્તાની બોટની રાહ જોઈ રહી હતી, પરંતુ કોસ્ટગાર્ડને જોઈને બોટ પરત પાકિસ્તાનની સીમામાં ઘુસી ગઈ, પરંતુ 1800 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થાને પકડવામાં સફળતા મળી.
ગુજરાતના દરિયા કિનારેથી વારંવાર ડ્રગ્સનો જથ્થો પકડાઈ રહ્યો છે. પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓ ગુજરાતના દરિયાને ડ્રગ્સનું એપિસેન્ટર બનાવી રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકારે લોકસભા ડ્રગ્સ અંગે રજૂ કરેલા આંકડાઓ પર નજર કરીએ તો 3 વર્ષમાં ગુજરાતના બંદર પરથી દેશનું સૌથી વધુ 7350 કરોડનું ડ્રગ્સ પકડાયું. 2020થી 2024 સુધીમાં દેશના બંદરો પરથી 11,311 કરોડનું ડ્રગ્સ પકડાયું.
દેશના બંદરો પરથી ઝડપાયેલ 11,311 કરોડના ડ્રગ્સમાંથી 65 ટકા ગુજરાતના બંદરેથી પકડાયું છે. ગુજરાતના બંદરેથી 6708 કરોડનું 3354 કિલો હેરોઈન જપ્ત થયું છે. ગુજરાતના બંદરેથી 265 કરોડનું 53 કિલો કોકેઈન મળી આવ્યું છે. તેમજ ગુજરાતના બંદરેથી 377 કરોડની 94 લાખથી વધુ ડ્રગ્સની ટેબ્લેટ મળી છે. ત્યારે હવે ફરી ગુજરાતનના દરિયાકિનારેથી 1800 કરોડની કિંમતનું 300 કિલો ડ્રગ્સ પકડવામાં સફળતા મળી છે. આ સફળ ઓપરેશનને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગ્રાન્ડ સક્સેસ ગણાવી, સાથે એક્સ પર ટ્વીટ કરતા લખ્યું કે ડ્રગ્સના નેટવર્કને તોડવા મોદી સરકાર સતત પ્રયત્નશીલ છે અને આ જ તેનું પરિણામ છે.
ગુજરાત રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત ATS અને કોસ્ટગાર્ડની પ્રશંસા કરતા લખ્યું કે ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે પ્રશંસાપાત્ર કામ કર્યું છે. આ સફળ ઓપરેશન ડ્રગ્સ સામેની લડતમાં એજન્સીની સુચારુ કાર્યવાહીનું પ્રમાણ આપે છે.
ગુજરાતના દરિયા કિનારેથી વારંવાર ડ્રગ્સનો મોટો જથ્થો પકડાઈ રહ્યો છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર પર પ્રહાર કરતા કહ્યુ કે ગુજરાત ડ્રગ્સ, દાણચોરીનું પ્રવેશદ્વાર બની ગયુ છે. અને ડ્રગ્સના દૂષણને રોકવામાં સરકાર સદંતર નિષ્ફળ રહી છે. જ્યારે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યુ કે નશાની આગમાં યુવાધન બરબાદ થઈ રહ્યુ છે.
દેશમાં અલગ અલગ માર્ગોથી ઘૂસી રહેલું ડ્રગ્સ દેશના જ યુવાધનને બરબાદ કરી રહ્યું છે. ડ્રગ્સના વધતા આ દૂષણ સામે હવે સૌથી મોટી સ્ટ્રાઈક કરવાનો સમય આવી ગયો છે. ત્યારે ગુજરાતના દરિયામાં ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડે કરેલી આ કામગીરી સરાહનિય છે.
Trending Photos