ખંભાતના દરિયામાં થઈ મોટી હલચલ, દરિયો 5 કિલોમીટર શહેર તરફ આગળ વધ્યો, હવે શું થશે?

Global Warming In Khambat Sea : ખંભાતના દરિયા પર ગ્લોબલ વોર્મિંગની અસર... 7 કિલોમીટર દૂર ગયેલો દરિયો 40 વર્ષ બાદ શહેર તરફ પાછો ફર્યો. હવે માત્ર 800 મીટર દૂર છે દરિયો, ખંભાતની 18 હજાર હેક્ટર જમીનને નુકસાન
 

ખંભાતના દરિયામાં થઈ મોટી હલચલ, દરિયો 5 કિલોમીટર શહેર તરફ આગળ વધ્યો, હવે શું થશે?

Khmabhat News બુરહાન પઠાણ/આણંદ : નવાબી નગરી ખંભાતનાં દરિયા કિનારે એક સમયે 72 દેશોનાં વાવટા ફરકતા હતા. વિશ્વભરનાં વેપારીઓ જહાજ ભરીને ખંભાતનાં અખાતના દરિયા કિનારે આવતા હતા, અને વિશ્વમાં મહત્વનાં બંદર તરીકે ખંભાતની જાહોજહાલી હતી. પરંતુ કાળક્રમે ખંભાતનાં દરિયામાં કાંપ પુરાણનાં કારણે ધીમે ધીમે દરિયો દુર થતો ગયો અને ખંભાતથી દરિયો સાત કિલોમીટર જેટલો દુર થઈ ગયો હતો, અને તેની સાથે જ ખંભાતની જાહોજહાલી અને બંદર પણ ભાંગી પડ્યા હતા. પરંતુ હાલમાં ખંભાતથી દુર થયેલો દરિયો ફરી એક વાર 5 કિલોમીટર જેટલો અંદર આવતા લોકોમાં કુતુહુલ જોવા મળી રહ્યુ છે.

ખંભાત બંદર ફરી જીવંત બનશે તેવી આશા જાગી
ગ્લોબલ વોર્મિગની ઉભી થયેલ સમસ્યા હાલ તાપમાનમાં એકાએક ફેરફારની અસરરૂપે દરિયામાં વર્તાઇ છે. જેના કારણે દરિયાએ વહેણ બદલતા ભરતી સાથે દરિયા વિસ્તારની ભેખડો ધસી પડવાની બાબતો જોવા મળી રહી છે. તાજેતરમાં રાધારી વિસ્તારમાં દરિયાની ભરતીના પાણીના કારણે ભેખડો  તૂટીને પાણીમાં ભળી રહ્યાની ઘટના બનવા પામી હતી. આ અંગેના વિડીયો પણ વાયરલ થયા હતા. દરિયાના બદલાતા પાણીના વહેણ સાથે દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ૩૦ ફુટથી વધુ ઊંડુ ધોવાણ થયું છે. જેના કારણે દરિયો તેની સ્થિતિથી શહેરથી  પ કિ.મી. નજીક આવ્યો છે. આગામી સમયમાં વહેણ વધુ આગળ ધપશે તો કેવી સ્થિતિ સર્જાશેની ચિંતાઓની સાથોસાથ ખંભાતવાસીઓમાં પુન: ખંભાત બંદર જીવંત બનશેની આશાઓ પણ જાગી છે.

global warming effect on khambhat sea

દરિયા કિનારે આવતા લોકોને એલર્ટ કરાયા 
ખંભાતના દરિયામાં છેલ્લા કેટલાક દિવસોથી  ભરતી અને ઓટ સમયે ભેખડો ધસી રહી છે. જેના કારણે ૩૦ ફુટ ઊંડાઇમાં પાણીના સ્ત્રોત વહી રહ્યાનું  જાણવા મળતા પ્રાંત અધિકારી, પાલિકા પ્રમુખ સહિતના પદાધિકારીઓએ દરિયા કિનારાનાં ગામોમાં જઈને સ્થળ નિરીક્ષણ કર્યુ હતું અને સાવધાનીના ભાગરુપે પ્રવાસીઓ, શહેરીજનો દરિયા તરફે ન જાય તે માટે તંત્ર દ્વારા દરિયા કિનારે સૂચના બોર્ડ લગાવવામાં આવ્યા છે તેમજ તટ સુરક્ષા તૈનાત કરવામાં આવી છે. વધુમાં આગામી દિવસોમાં ભરતીના કારણે ભેખડો પડવાની સંભાવનાના પગલે કોઇને પણ દરિયા તરફ ન જવા ખાસ અપીલ કરવાની સાથોસાથ માછીમારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે.

ધોવાણથી 18 હજાર હેક્ટર જમીનને નુકસાન થયું 
તાજેતરમાં જીયોલોજીકલ સર્વ હાથ ધરાયો હતો. જેમાં ખંભાતના અખાતમાં ભળતી મહી નદીના ધોવાણથી ૧૮ હજાર હેકટર જમીનનું નુકસાન પહોંચ્યાનું જોવા મળ્યું હતું. તેમજ તાલુકાના ૭૦થી વધુ ગામોની દરિયા કિનારાની જમીન કોતરોમાં ફેરવાઇ ગયાની ગંભીર બાબત સામે આવી હતી.

golbal warming effect on khambat sea

સાગર તટ રક્ષક દળના જવાનોને પેટ્રોલીંગમાં મૂકાયા 
આ અંગે ખંભાત નગરપાલિકાનાં પ્રમુખ દિગ્વીજયસિંહએ કહ્યું હતું કે ખંભાત તેમજ આસપાસનાં ગામોનાં દરિયા કિનારે ભરતી સમયે પાણી વધુ અંદર આવવાનાં કારણે ભેખડો ધસી પડતા દરિયા કિનારે ઉંડા ખાડાઓ પડી ગયા છે,જે અંગે સાગર તટ રક્ષક દળનાં જવાનોએ ખંભાત નગરપાલિકાને જાણ કરતા પાલિકા દ્વારા ખંભાતનાં દરિયા કિનારા વિસ્તારમાં સાવચેતીનાં બોર્ડ મારી સહેલાણીઓને દરિયાનાં તટીય વિસ્તારમાં નહી જવા માટે જણાવવામાં આવ્યું છે, અને સાગર તટ રક્ષક દળનાં જવાનો પણ સતત પેટ્રોલીંગ કરીને લોકોને દરિયાનાં તટીય વિસ્તારમાં જતા અટકાવી રહ્યા છે.

આ અંગે પાલિકાનાં ચિફ ઓફીસરએ જણાવ્યું હતું કે દરિયામાં ભરતીનું વહેણ બદલાવાનાં કારણે ભેખડો ધસી પડવાની ધટનાઓ બની રહી છે, અને જેનાં કારણે દરિયા કિનારે ઉંડા ખાડાઓ પડી રહ્યા છે, જેથી પાલિકા દ્વારા સ્થળ તપાસ કર્યા બાદ સાવચેતીનાં બોર્ડ લગાવી સહેલાણીઓને દરિયામાં ફરવા માટે જવા સામે ચેતવણી આપવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news