ગુજરાતનું અનોખું નાગ મંદિર : વર-કન્યાના વિવાદો, છેડાછેડી જેવી માનતાઓ પૂરી કરે છે માલબાપા
Historic Temple Of Malbapa In Manekwada : જુનાગઢ કેશોદ નજીક આવેલા માલબાપાના મંદિરે હજારો શ્રદ્ધાળુઓ પોતાની માનતા લઈ આવે છે અને માલ બાપાને શીશ નમાવે છે. શ્રાવણ મહિનાના દર સોમવારે અહીં હજારોની સંખ્યામાં ભાવિકોની ભીડ ઉમટી પડે છે. આવો જાણીએ માણેકવાડાનો ઇતિહાસ
Trending Photos
Junagadh News અશોક બારોટ/જુનાગઢ ; જૂનાગઢથી વેરાવળ તરફ જતા સ્ટેટ હાઇવે પર જૂનાગઢથી આશરે 30 કિલોમીટર અને કેશોદથી 15 કિલોમીટર દૂર સાબરી નદીના કિનારે વસેલું નાનકડું પરંતુ ઐતિહાસિક મહત્વ ધરાવતું માણેકવાડા ગામ, કાઠિયાવાડમાં નાગદેવતાના પાવન સ્થાન માલબાપાના મંદિર માટે સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે. આ મંદિરનું માત્ર ધાર્મિક દૃષ્ટિએ મહત્ત્વનું છે. પરંતુ તેના પાછળની લોકકથા અને ચમત્કારિક ઘટનાઓ તેને અનોખું સ્થાન આપે છે.
માણેકવાડા ગામ સાથે લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવીનું નામ પણ જોડાયેલું છે. કારણ કે તેમનું મૂળ વતન પણ માણેકવાડા જ છે. લોકકથા મુજબ, માલબાપાના બે ભાઈઓ અને એક બહેન હતા. ભાઈ રગતીયાબાપા વંથલી નજીક ઓઝત નદીના કાંઠે બિરાજે છે. જ્યારે ખુંભીયાબાપા ખુંબડી ગામે સ્થિત છે અને બહેન કાળીનાગનું મંદિર કણજામાં આવેલું છે. આ ચારેય સ્થાન સૌરાષ્ટ્રના ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે
ગામના વરિષ્ઠ શ્રદ્ધાળુ જગમાલભાઈ ડાંગરે જણાવ્યા મુજબ, જૂના સમયમાં માણેકવાડા, મઘરવાડા અને સેંદરડા ગામ વચ્ચે જમીનના સીમાડાને લઈને લાંબો સમય વિવાદ ચાલતો હતો. અનેકવાર જરીફો માપણી કરવા છતાં કોઈ ઉકેલ આવતો ન હતો. એક દિવસ ત્રણે ગામના લોકો સીમ વિસ્તારમાં ભેગા થયા અને વાતચીત કરતાં કરતાં તણાવ એટલો વધી ગયો અનેક વખત ગામના સીમાડાઓ મુદ્દે વિવાદ સર્જાતો. એ સમયે અચાનક એક વિશાળ અને ભવ્ય નાગ સામેથી આવતા દેખાયો. કોઈએ મશ્કરીમાં કહ્યું—“આ નાગદેવતા જ અમારો સીમાડો નક્કી કરે તો?”
ત્રણેય પક્ષોએ હાથ જોડીને નાગને પ્રાર્થના કરી કે તેઓ દેવપ્રાણી તરીકે સત્ય અને ન્યાયથી સીમાડો નક્કી કરે. નાગે ફણ સીધી કરી અને આગળ વધ્યો—જે રસ્તે ફણની લીટ પડી, ત્યાં સરહદની દોરી બાંધી દેવામાં આવી. લોકો નાગની પાછળ-પાછળ ચાલતા રહ્યા અને આનંદિત થઈ બોલતા રહ્યા—વાહ બાપા! વાહ મારા દેવતા
માર્ગમાં નાગ એક વિકટ જગ્યાએ પહોંચ્યા, જ્યાં કેરડાના ઝાડનું સુકાયેલું, અણીદાર થડ બરાબર સીમાડા ઉપર હતું. નાગે પળભર વિચાર કર્યો, કારણ કે કઈ બાજુ વળે તો એક બાજુના લોકોની એક તસુ જમીન કપાઈ જશે. અંતે તેણે સીધો માર્ગ અપનાવ્યો. કેરડાના થડ ઉપર ચડ્યો, અણીમાં તેની ફણ અટવાઈ ગઈ અને બીજી બાજુ ઉતરતાં પૂંછડી સુધી ચિરાઈ ગયો. ત્યારથી આ સ્થળ “સીમાડે સર્પ ચિરાણો” તરીકે ઓળખાય છે
આજ પણ નદીના સામેના કાંઠે નાગ બાપાની ડેરી છે. જેને “માલબાપા” કહેવામાં આવે છે. માલબાપા અનેક કાઠિયાવાડી કુટુંબોના કુળદેવતા છે. અહીં વર-કન્યાના વિવાદો, છેડાછેડી જેવી માનતાઓ પૂરી થાય છે. કથા મુજબ, એક બહેને માલબાપાની માનતા ઉતારતી વખતે આંખમાં દોરખું આંજતા ઝોકો લાગતાં, તા. 6 જૂન 1976ના રોજ માલબાપાએ સાક્ષાત દર્શન આપ્યા હતા અને દૂધ પણ લીધું હતું. ત્યારથી આજદિન સુધી હજારો શ્રદ્ધાળુઓ અહીં આવી પોતાની માનતાઓ પૂરી કરે છે અને પરચા મેળવે છે
હિંદુ સંસ્કૃતિમાં નાગદેવતાનું મહત્વ અતિ વિશાળ છે. શિવજીના ગળામાં વળાયેલો નાગ, વિષ્ણુ શયન કરતી શેષનાગ, તથા પુરાણોમાં વર્ણવાયેલા અનંત, વાસુકી, તક્ષક, કાર્કોટક જેવા પ્રખ્યાત નાગોની કથાઓ ભક્તિ અને આસ્થા જગાવે છે. માણેકવાડાના માલબાપા એ પરંપરાનો જીવંત પ્રતીક છે. જ્યાં ઈતિહાસ, લોકકથા અને શ્રદ્ધા એકસાથે મળે છે
દર વર્ષે નાગપંચમીના પાવન દિવસે અહીં વિશેષ પૂજા, અર્ઘ્ય અને ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. કાઠિયાવાડ સહિત દૂર-દૂરથી ભક્તો અહીં આવી પોતાના જીવનના સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. નાગદેવતા અને શ્રદ્ધાળુઓ વચ્ચેની આ અનોખી સંબંધ ગાથા, કાળક્રમે આજ સુધી એટલી જ જીવંત અને પ્રેરણાદાયક છે
જ્યાં આજે હજારો ભાવિકો માલબાપાના દર્શને આવે છે અને શ્રાવણ માસના દર સોમવારે મેળો ભરાય છે.અને આજના પાંચમના દિવસે ખાસ માલબાપાની પૂજા અર્ચના કરવા બહોળી સંખ્યામાં બહેનો આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે