કોરોનાના ખતરા વચ્ચે ગુજરાતમાં ફરી આ વાયરસનો પગપેસારો! સેમ્પલ લઈ તપાસ માટે અમદાવાદ મોકલાયા
ગુજરાતમાં ફરી લમ્પી વાયરસનો પગપેસારો. નવસારીના 9 પશુમાં જોવા મળ્યાં લમ્પી વાયરલના લક્ષણ. તમામ ગૌવંશના સેમ્પલ લઈ તપાસ માટે અમદાવાદ મોકલાયા. બીજી બાજુ ગુજરાતમાં વકરતા કોરોના વાયરસથી બચવા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે.
Trending Photos
ધવલ પરીખ/નવસારી: નવસારીમાં ગૌવંશના ઘાતક સાબિત થયેલા લમ્પી વાયરસનાં કેસો રખડતા ઢોરોમાં દેખાતા ચિંતા ફેલાઈ છે. જોકે જિલ્લા પશુ પાલન વિભાગ દ્વારા લમ્પીથી ગ્રસિત પશુઓને તાત્કાલિક સારવાર આપી સ્થિતિ નિયંત્રણમાં કરવાના પ્રયાસો આરંભ્યા છે. સાથે જ બ્લડ સેમ્પલ લઈ અમદાવાદ ખાતે લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલ્યા છે.
નવસારીમાં રખડતા ઢોરની સંખ્યા વધુ છે. જેથી એમનામાં રોગની શક્યતાઓ પણ વધુ હોય છે. ત્યારે ત્રણ વર્ષ બાદ શહેરમાં રખડતા ગૌવંશમાં લમ્પી વાયરસનાં કેસ જોવા મળ્યા છે. નવસારી શહેરના જલાલપોર તેમજ શાંતાદેવી રોડ વિસ્તારમાં રખડતા 4 ઢોરમાં લમ્પી વાયરસની બીમારી જોવા મળી છે. લમ્પી વાયરસમાં પશુના શરીરનું તાપમાન વધી જાય છે અને તેમના નાકમાંથી પાણી વહેવા માંડે છે. પશુઓના શરીર ઉપર ગુમડા થાય છે અને ગુમડા પાકી જઈ એમાંથી પરૂ નીકળવા માંડે છે.
નવસારી શહેરમાં આ પ્રકારે રખડતા પશુમાં લક્ષણ જાણતા ગૌરક્ષકો દ્વારા તેમને શાંતાદેવી રોડ સ્થિત ભગવાન શ્રી મહાવીર કરૂણા મંડળ ગૌશાળામાં અલાયદા શેડમાં રાખી હતી. સાથે જ જિલ્લા પશુ પાલન વિભાગને જાણ કરતા પશુ ચિકિત્સકો દ્વારા ગૌશાળા પહોંચી, ચારેય પશુઓને તપાસી તેમની સારવાર કરવામાં આવી છે. સાથે જ તેમના બ્લડ સેમ્પલ લઈ તેને તપાસ અર્થે અમદાવાદની લેબોરેટરીમાં મોકલ્યા છે.
બીજી તરફ શહેરમાંથી પકડાતા રખડતા ઢોરને નેશનલ હાઈવે નં. 48 પર નવસારીના ખડસુપા સ્થિત પાંજરાપોળમાં પણ 5 પશુઓમાં લમ્પી વાયરસનાં લક્ષણો જણાતા તેમને પણ સારવાર આપવામાં આવી રહી છે. જિલ્લામાં હાલ 9 રખડતા પશુમાં લમ્પીના લક્ષણો જણાયા છે. પરંતુ તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવતા પશુઓની તબિયતમાં સુધારો જણાયો હતો. જોકે લેબ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે