શું છે DNA મેચિંગ ટેસ્ટ? કેવી રીતે થાય છે સ્વજનોની ઓળખ? જાણો સમગ્ર પ્રક્રિયા અને કેટલો લાગે છે સમય
Ahmedabad Plane Crash: શું છે DNA મેચિંગ ટેસ્ટ ? કેવી રીતે થાય છે DNA મેચિંગ ટેસ્ટ દ્વારા સ્વજનોની ઓળખ ? કયા પ્રકારના સેમ્પલ લેવામાં આવે છે ? સેમ્પલનું પરીક્ષણ કેવી રીતે કરવામાં આવે છે?, DNA પ્રોફાઇલ જનરેટ કરવામાં ઓછામાં ઓછો ૭૨ કલાક એટલે કે ૩ દિવસ જેટલો ઓછામાં ઓછો સમય લાગતો હોય છે. જાણીએ અને સમજીએ.
Trending Photos
Ahmedabad Plane Crash: અમદાવાદમાં 12 જૂનના રોજ થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાન દુર્ઘટનામાં ઘણાં હતભાગી લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ગોઝારી ઘટનામાં મૃતકોની ઓળખ કરવા માટે ફોરેન્સિક વિજ્ઞાનની મદદ લેવામાં આવી રહી છે. DNA મેચિંગ ટેસ્ટનો ઉપયોગ કરીને મૃતકોના સ્વજનોની ઓળખ કરવામાં આવી રહી છે. શું છે DNA મેચિંગ ટેસ્ટ ? કેવી રીતે થાય છે DNA મેચિંગ ટેસ્ટ દ્વારા સ્વજનોની ઓળખ ? કયા પ્રકારના સેમ્પલ લેવામાં આવે છે ? સેમ્પલનું પરીક્ષણ કેવી રીતે કરવામાં આવે છે? ચાલો સમજીએ.
DNA મેચિંગ ટેસ્ટ દ્વારા સ્વજનની ઓળખ
DNA એટલે કે ડીઓક્સિરીબોન્યુક્લિઈક એસિડ એક એવો બાયોલોજીકલ મોલેક્યુલ છે, જે રક્તકણો અને ગર્ભકોષો સિવાય માનવ શરીરના દરેક કોષમાં ઉપસ્થિત હોય છે.
DNA ચાર ન્યુક્લિયોટાઇડ્સ (એડનીન, થાયમીન, ગુઆનીન, સાયટોસિન)ની લાંબી શૃંખલાઓથી બનેલું છે, જે જનીનીય માહિતીને કોડ કરે છે.
DNA દરેક વ્યક્તિની જીનેટિક ઓળખનું મૂળભૂત તત્વ છે. માતા-પિતા તરફથી વ્યક્તિને વારસામાં મળતી અનન્ય જનીનિક સંરચનાને DNA દર્શાવે છે.
આગ, વિમાન દુર્ઘટના, સુનામી, ભૂસ્ખલન જેવી આપદાઓ કે અન્ય હોનારતો કે જેમાં વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી જતા હોય છે, ત્યારે આવા કિસ્સાઓમાં મૃતકોની ઓળખ કરવા માટે કરવામાં આવતા DNA મેચિંગ ટેસ્ટમાં મૃતકની DNA પ્રોફાઈલને તેમના સ્વજનની DNA પ્રોફાઈલ સાથે મેચ કરવામાં આવે છે.
DNA મેચિંગ ટેસ્ટની પ્રક્રિયા
સામાન્ય રીતે વ્યક્તિના માતા-પિતા, ભાઈ-બહેન, બાળકો જેવા નજીકના સંબંધીઓના DNAમાં સામ્યતા હોય છે. એક બાળકનો DNA તેના માતા-પિતાના DNAના અડધા ભાગ સાથે મેચ થતો હોય છે. આ વારસાગત પેટર્નનો ઉપયોગ ફેમિલિયલ DNA મેચિંગમાં થાય છે.
વ્યક્તિની તેના સંબંધીઓના DNA સાથેની આ સામ્યતા એન્ટી-મોર્ટમ (AM) અને પોસ્ટ-મોર્ટમ (PM) ડેટાની મદદથી DNA મેચિંગ ટેસ્ટ દ્વારા વ્યક્તિની ઓળખ કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
એન્ટી-મોર્ટમ (AM) અને પોસ્ટ-મોર્ટમ (PM) ડેટાની તુલના કરીને વ્યક્તિની ઓળખ નક્કી કરવામાં આવે છે. સ્વજનોના DNA સેમ્પલ અથવા મૃતકના અગાઉના જનીનીય રેકોર્ડને એન્ટી-મોર્ટમ ડેટા કહે છે, જ્યારે મૃતકના શરીરમાંથી મળેલા DNA સેમ્પલને પોસ્ટ-મોર્ટમ ડેટા કહેવાય છે.
ફોરેન્સિક સાયન્સ લેબમાં કેવી રીતે થાય છે DNA ટેસ્ટની પ્રોસેસ ??
ફોરેન્સિક લેબોરેટરીમાં DNA મેચિંગ ટેસ્ટ એક સુનિયોજિત અને ચોક્કસ પ્રક્રિયા છે, જેમાં સેમ્પલ એકત્રીકરણ, DNA નિષ્કર્ષણ, DNA એમ્પ્લિફિકેશન, DNA પ્રોફાઇલિંગ, મેચિંગ અને વિશ્લેષણ તથા રિપોર્ટિંગ જેવા તબક્કાવાર સ્ટેપ્સ સામેલ હોય છે. ચાલો સમજીએ આ સ્ટેપ્સ વિશે.
(1) સેમ્પલ એકત્રીકરણ
પોસ્ટ-મોર્ટમ સેમ્પલ: મૃતકના શરીરમાંથી દાંત, હાડકાં, સ્નાયુઓ, રક્ત, લાળ, વાળ (મૂળ સાથે) અથવા બોન મેરો લેવામાં આવે છે.
એન્ટી-મોર્ટમ સેમ્પલ: માતા-પિતા, ભાઈ-બહેન, બાળકો જેવા નજીકના સ્વજનોના રક્ત, બકલ સ્વેબ (ગાલની અંદરની ચામડીનું સેમ્પલ) અથવા વાળ (મૂળ સાથે) લેવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદની પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ૧૦૦૦ જેટલા DNA ટેસ્ટ કરવાની જરૂર પડશે, જે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના સહયોગથી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. સેમ્પલ લેવાની પ્રક્રિયા બી.જે. મેડિકલ કોલેજના કસોટી ભવનમાં શરૂ છે, અને સેમ્પલને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં મોકલવામાં આવશે. રિપોર્ટ ત્રણ દિવસમાં મળવાની અપેક્ષા છે. આવા કિસ્સાઓમાં DNAની ક્વોલિટી અને ક્વોન્ટિટી ખૂબ જ અલ્પ માત્રામાં પ્રાપ્ત થતી હોવાથી ડીએનએ પ્રોફાઇલ જનરેટ કરવામાં ઓછામાં ઓછો ૭૨ કલાક જેટલો સમય લાગતો હોય છે.
ગાંધીનગર સ્થિત NFSU(નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી) ખાતે સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ડીએનએ(DNA) ફોરેન્સિક્સ એ અત્યાધુનિક ઇન્સ્ટ્રુમેન્ટેશન સુવિધાઓથી સજ્જ સેન્ટર છે, જે સામૂહિક આપત્તિઓના જટિલ કેસોની તપાસ કરવાની ક્ષમતા ધરાવે છે, અને આ પ્રકારના DNA પ્રોફાઇલિંગ હાલમાં ત્યાં થઈ રહ્યાં છે. ઉપરાંત, ડાયરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ ખાતે પણ આ કાર્ય ચાલી રહ્યું છે.
(2) DNA નિષ્કર્ષણ:
હાડકાં અથવા દાંત જેવા નમૂનાઓમાંથી DNA કાઢવું જટિલ હોય છે. આવા સેમ્પલમાંથી DNA કાઢવા માટે ઓર્ગેનિક એક્સટ્રેક્શન અથવા મેગ્નેટિક બીડ્સ જેવી ખાસ ટેકનિક્સ અને રાસાયણિક પ્રક્રિયાઓનો ઉપયોગ થાય છે.
દાઝેલા અથવા ડિગ્રેડ થયેલા સેમ્પલમાં માઇટોકોન્ડ્રિયલ DNA(mtDNA)નો ઉપયોગ થાય છે, કારણ કે તે વધુ સ્થિર હોય છે.
(3) DNA એમ્પ્લિફિકેશન:
સેમ્પલમાંથી એક્સટ્રેક્ટ કરેલા DNAમાંથી પોલિમરેઝ ચેઇન રિએક્શન (PCR) નામની ટેકનીક દ્વારા DNAની નકલો બનાવવામાં આવે છે, જેથી નાની માત્રામાંથી પણ પૂરતું DNA મળી શકે. આ પ્રક્રિયામાં શોર્ટ ટેન્ડમ રિપીટ્સ (STR) માર્કર્સનું વિશ્લેષણ થાય છે, જે DNAના ચોક્કસ ભાગોને ઓળખે છે.
(4) DNA પ્રોફાઇલિંગ:
ફોરેન્સિક DNA વિશ્લેષણમાં શોર્ટ ટેન્ડમ રિપીટ્સ (STR)નો ઉપયોગ થાય છે, જે DNAના ચોક્કસ ભાગોમાં પુનરાવર્તિત ન્યુક્લિયોટાઇડ સિક્વન્સ છે. આ માર્કર્સ વ્યક્તિ-વિશિષ્ટ હોય છે.
શોર્ટ ટેન્ડમ રિપીટ્સ(STR) માર્કર્સના આધારે DNA પ્રોફાઇલ બનાવવામાં આવે છે. આ પ્રકારે બનાવવામાં આવતી પ્રોફાઇલમાં ૧૩થી ૨૦ CODIS લોકેશનનું વિશ્લેષણ થાય છે, જે વ્યક્તિની અનન્ય ઓળખ દર્શાવે છે.
(5) મેચિંગ અને વિશ્લેષણ:
મૃતકના DNA પ્રોફાઇલને સ્વજનોના DNA પ્રોફાઇલ સાથે મેચ કરવામાં આવે છે. આ માટે લાઇકલીહુડ રેશિયો (LR) અથવા રેન્ડમ મેચ પ્રોબેબિલિટી (RMP) જેવી સ્ટેટિસ્ટિકલ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે.
જો DNA ઉપલબ્ધ ન હોય તો મૃતકના અગાઉના DNA રેકોર્ડ, જેવા કે બ્લડ બેન્ક અથવા હોસ્પિટલ રેકોર્ડનો ઉપયોગ થઈ શકે છે.
(6) રિપોર્ટિંગ:
DNA મેચિંગના પરિણામોને ફોરેન્સિક લેબ દ્વારા એક વિગતવાર રિપોર્ટમાં રજૂ કરવામાં આવે છે. આ રિપોર્ટમાં મેચની સંભાવના (99.9999% સુધીની ચોકસાઈ) અને અન્ય બાયોલોજિકલ ડેટા સામેલ હોય છે.
સેમ્પલ હેન્ડલિંગ પ્રોસિજર
સેમ્પલ સંગ્રહ: એક અનન્ય બારકોડ આઈડેન્ટિફાયર સાથે સેમ્પલને લેબલ કરવામાં આવે છે, જેથી ભૂલ ન થાય.
સેમ્પલ સંરક્ષણ: સેમ્પલને ઠંડી અને સૂકી જગ્યાએ સંગ્રહિત કરવામાં આવે છે, જેથી DNA ડિગ્રેડ ન થાય. રક્ત અને બકલ સ્વેબને ખાસ ફિલ્ટર પેપર પર સૂકવીને સ્ટોર કરવામાં આવે છે.
કન્ટામિનેશન નિવારણ: ફોરેન્સિક લેબમાં કન્ટામિનેશન ટાળવા માટે સ્ટાફ એલિમિનેશન ડેટાબેઝનો ઉપયોગ થાય છે, જે લેબના કર્મચારીઓના DNA પ્રોફાઇલ સાથે સેમ્પલની તુલના કરે છે.
લોજિસ્ટિક્સ: ફોરેન્સિક લેબમાં સેમ્પલને મોકલવા માટે ખાસ કન્ટેનરમાં પેક કરવામાં આવે છે, જેમાં ચેઇન-ઓફ-કસ્ટડી પ્રોટોકોલને અનુસરવામાં આવે છે.
DNA મેચિંગ ટેસ્ટ ફોરેન્સિક વિજ્ઞાનનું એક અનન્ય પરીક્ષણ છે, જે માસ કેઝ્યુઅલ્ટી ઇન્સિડન્ટ્સમાં મૃતકોની ઓળખ માટે ખૂબ જ અસરકારક છે. આ ટેસ્ટની ચોકસાઈ, ઝડપ અને ડિગ્રેડ થયેલા સેમ્પલમાંથી પણ પરિણામ આપવાની ક્ષમતા તેને અનન્ય બનાવે છે. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં આ ટેકનોલોજી પરિવારજનોને તેમના સ્વજનોની ઓળખ કરવામાં મદદરૂપ સાબિત થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે