ગોપાલ ઈટાલિયા વિધાનસભાના પગથિયે ના પહોંચે એ માટે રચાયું જબરદસ્ત પ્લાનિંગ: કિરીટ પટેલને ટિકિટ આપવામાં પણ ગેમ
Visavadar By Elections: રાજ્યમાં બે બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ રહી છે. કડી અને વિસાવદર બેઠક પર ચૂંટણી યોજાશે.ભારતીય જનતા પાર્ટીએ કડી અને વિસાવદર પેટા ચૂંટણીને લઈ પોતાના ઉમેદવારના નામ જાહેર કર્યા છે.ભાજપે કડીમાં રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપી છે જ્યારે વિસાવદર બેઠક પર કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા છે.
Trending Photos
Visavadar By-Election: વિસાવદર બેઠક પર ભાજપે નવા ચહેરાની પસંદગી કરીને સૌને ચોકાવ્યાં છે. કહેવાય છે કે ભાજપ સંગઠનના સોગઠા રચવામાં માહેર ખેલાડી છે. વિસાવદરની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને કોંગ્રેસ નહીં પણ આપના ગોપાલ ઈટાલિયા વિધાનસભાના પગથિયે ના પહોંચે એ માટે જબરદસ્ત પ્લાનિંગ રચાયું છે. ભાજપે ઉમેદવાર તો જાહેર કરી દીધો છે પણ કિરીટ પટેલને ટિકિટ આપવામાં પણ ગેમ રચાઈ છે. વિસાવદરની સીટ પર કીરિટ પટેલને હરાવનાર હર્ષદ રિબડિયા હાલ ભાજપમાં હોવા છતાં સાઈડલાઈન છે.
હર્ષદ રિબડિયાને હરાવનાર ભૂપત ભાયાણીએ ભાજપના ધારાસભ્ય બનવાના સપનાં જોયા એ અધૂરા રહી ગયા છે. ભાયાણી ભોંઠા પડ્યા છે તો રીબડિયા જૂના થયા ને કિરીટ પટેલ વિસાવદરમાં હુકમનો એક્કો બની ગયા છે. શા માટે કિરીટ પટેલે મેદાન માર્યું એ પણ રસપ્રદ છે. વિસાવદર સીટના પ્રભારી પદે જયેશ રાદડિયાને રાખવા એ પણ કિરીટ પટેલનો ખેલ છે.
અહીં પાટીદારોનું પ્રભુત્વ અને 157 ગામડાઓ છે. ભાજપ છેલ્લા 13 વર્ષથી અહીં જીતી નથી એ મ્હેણું ભાગવા માટે કિરીટ પટેલને ટિકિટ અપાઈ છે. કિરીટ પટેલે છેલ્લા બે દાયકાથી વધુ સમયગાળા દરમિયાન જૂનાગઢ જિલ્લામાં વિવિધ જવાબદારી નિભાવી છે. 2009 થી 2015 સુધી યુવા ભાજપ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળનાર કિરીટ પટેલ તાલાલા અને જૂનાગઢની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન તરીકે પણ કામગીરી કરી છે. હાલ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન પણ છે.
આમ ગ્રામ્ય વિસ્તાર અને પાટીદાર સમાજ પર તેમની પકડે એમની ફરી ટિકિટ અપાવી છે. જિલ્લા ભાજપ પ્રમુખ પદે રહીને સંગઠનમાં કરાયેલી કામગીરીએ પણ તેમને ટિકિટ અપાવવામાં મહત્વનો રોલ ભજવ્યો છે. કિરીટ પટેલ અહીં તમામ દાવપેચ તોડવામાં સફળ રહયા તો વધુ એક પાટીદાર નેતા વિધાનસભાના દ્રારે પહોંચે તો નવાઈ નહીં...
ગોપાલ ઇટાલિયાની કેમ થઈ પસંદગી?
ગોપાલ ઇટાલિયાની વિસાવદરનાં સ્થાનિક પાટીદાર પરિબળોને ધ્યાનમાં રાખીને પસંદગી થઈ હોવાનું માની શકાય છે. આ ઉપરાંત ટિકિટ માટે અંદરના ગજગ્રાહનો અંત આણવા પણ ગોપાલ ઇટાલિયાના નામની કેન્દ્રીય નેતાગીરીના ઇશારે પસંદગી થઈ હોવાનું અનુમાન લગાવી શકાય એમ છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી સમયે ગોપાલ ઇટાલિયા પાટીદારોના પ્રભુત્વવાળી સુરતની કતારગામ બેઠક ઉપરથી હારી ગયા હતા એટલે તેમની રાજકીય કારકિર્દી માટે આ ચૂંટણી મહત્ત્વપૂર્ણ છે. રાજકારણમાં જે તે વ્યક્તિ ધારાસભા કે લોકસભાની ચૂંટણી જીતે, તે પછી જ તેની પૉલિટિકલ કૅરિયર શરૂ થતી હોય છે. હજુ ગોપાલ ઇટાલિયાની રાજકીય કારકિર્દી ઘડાય રહી છે, તેઓ પોતાના માટે રાજકીય ભૂમિ શોધી રહ્યા છે, એટલે તેઓ સુરત બાદ હવે વીસાવદરની બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ઇટાલિયા પાસે આ ચૂંટણી જીતીને પોતાને નેતા તરીકે પ્રસ્થાપિત કરવાની છે.
ઉલ્લેખનીય છે કે, વિસાવદર વિધાનસભાની બેઠકની ચૂંટણીમાં પણ ત્રિપાંખિયો જંગ જોવા મળશે. ત્યારે વાત કરીએ તો વિસાવદરમાં ભાજપમાંથી કિરીટ પટેલને ટિકિટ આપી છે. તો કોંગ્રેસમાંથી નીતિન રાણપરિયા અને આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઈટાલિયા ચૂંટણી મેદાને છે.
ત્યારે ભાજપના કિરીટ પટેલે પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ત્યારે ફોર્મ ભરતી વખતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા તેમજ ભાજપના નેતાઓ પણ ફોર્મ ભરતી વખતે હાજર રહ્યા હતા. ત્યારે કિરીટ પટેલ વધુને વધુ લીડથી જીત મળે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.. તો કોંગ્રેસમાંથી નીતિન રાણપરિયાને ટિકિટ આપી છે... તો આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઈટાલિયાએ પોતાની ઉમેદવારી ફોર્મ પણ ભર્યું છે. ભાજપ અહીં 13 વર્ષનો સંન્યાસ દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપને સૌથી મોટુ ટેન્શન જ એ છે કે કોઈ પણ સંજોગોમાં ગોપાલ ઈટાલિયા વિધાનસભાના પગથિયાં સુધી ના પહોંચે. એ માટે જયેશ રાદડિયા સહિતના સૌરાષ્ટ્રના મોટા નેતાઓ સક્રિય થઈ ગયા છે. જો ગોપાલ ઇટાલિયા માટે કેજરીવાલ ચૂંટણી પ્રચારમાં આવે તો ભાજપ પણ અહીં મોટા માથા ઉતારશે એ નક્કી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે