ગાંધીનગરના કાવાદાવા : દિલ્હીથી એક IAS ની સિંઘમ એન્ટ્રી, એક મંત્રીએ કલેક્ટરને જમીન પર બેસાડ્યા!

Gandhinagar Na Kavadava : ગુજરાતના રાજકારણની ગપશપ, કયા નેતાએ શું કર્યું, કોણ રાજ રમત રમી ગયું... જાણવા માટે જુઓ ‘ગાંધીનગરના કાવાદાવા’

ગાંધીનગરના કાવાદાવા : દિલ્હીથી એક IAS ની સિંઘમ એન્ટ્રી, એક મંત્રીએ કલેક્ટરને જમીન પર બેસાડ્યા!

Gandhinagar Na Kavadava હિતલ પારેખ/ગાંધીનગર : ગાંધીનગરની રાજકીય ગલિયારીઓમાં બનતી ચટપટી વાતો લોકોના કાન સુધી પહોંચે તે માટે ઝી 24 કલાક તમારા માટે લાવ્યું છે ખાસ કોલમ ‘ગાંધીનગરના કાવાદાવા.’ દર સોમવારે પ્રસ્તુત થનારી આ કોલમમાં તમને એ વાતો જાણવા મળશે જે રાજકારણમાં એક કાનથી બીજા કાનમાં ચૂપચાપ કે ઈશારા ઈશારામાં કહેવાઈ જતી હોય છે. હિતલ પારેખની કલમે વાંચો ગાંધીનગરના કાવાદાવા.

વિક્રાંત પાંડે પોપ્યુલર થયા... CMO માં સેક્રેટરી તરીકે મૂકાતા વિરોધીઓને તમાચો 
મુખ્યમંત્રી કાર્યાલયમાં ખાલી રહેલી એક જગ્યા ઉપર 2005 ના આઈએએસ અધિકારી વિક્રાંત પાંડેની નિમણૂક કરવામાં આવી. રાજ્ય સરકારમાં અધિકારી કર્મચારીઓની બદલી એ વહીવટી પ્રક્રિયાનો ભાગ છે. જોકે આઈએએસ વિક્રાંત પાંડે દિલ્હીથી સીધા જ મુખ્યમંત્રી કાર્યાલયમાં સેક્રેટરી તરીકે બદલી લઈને આવતા સિનિયર IAS અધિકારીઓ ચોંકી ઉઠ્યા છે. સીએમઓમાં સેકેટરી તરીકે નિમણૂંક માટે અનેક આઈએએસ અધિકારીઓ પોતાનું લોબિંગ કરતા હતા. વિક્રાંત પાંડે મૂકાશે એવું મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા આઈએએસ અધિકારીઓએ સપને ય વિચાર્યું નહીં હોય. કારણ કે વિક્રાંત પાંડે અમદાવાદના કલેક્ટર હતા ત્યારે તેમની બદલી દિલ્હી કરવા પાછળના અનેક રાજકીય કારણો જવાબદાર હતા. દિલ્હી બદલી કરાઈ ત્યારે અનેક વિવાદ ઊભા થયા હતા. વિક્રાંત પાંડેના વિરોધીઓએ અનેક વાતો પણ ફેલાવી હતી. હવે તેઓ સીધા જ મુખ્યમંત્રી કાર્યાલયમાં આવતા, અધિકારીઓ અને રાજકીય નેતાઓ પણ માથું ખંજવાળી રહ્યા છે. વિક્રાંત પાંડે બાહોશ અને સોપેલા ટાર્ગેટને પૂરું કરવાવાળા અધિકારી છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં નિમણૂંક થતા જ હવે કેટલાક આઈએએસ અધિકારીઓમાં ખાસ ચર્ચાનો વિષય બન્યો છે. ગુજરાતની બદલાતી રાજનીતિનો આ એક ભાગ હોવાની ચર્ચા રાજકીય નેતાઓ અને અધિકારીઓ કરી રહ્યા છે. સત્ય એ પણ છે કે વિક્રાંત પાંડેના ખરાબ સમયમાં જે અધિકારીઓએ મજા લીધી હતી, તેઓ હવે ચૂપ થઈ ગયા છે અને અધિકારીની કાર્યપ્રણાલીના વખાણ કરતા પણ થઈ ગયા છે.

કલેક્ટર-ડીડીઓ સહિતના અધિકારીઓને જમીન પર બેસાડ્યા..
સામાન્ય રીતે જિલ્લા કક્ષાએ કલેકટર જિલ્લાનો રાજા ગણાય છે. કલેક્ટર-ડીડીઓ જ્યારે પોતાના જિલ્લામાં કોઈ ગામની મુલાકાત લે એટલે તેની રાજા જેવી સરભરા થતી હોય છે. જોકે એક મંત્રીએ કલેક્ટર-ડીડીઓ સહિતના અધિકારીઓનો પાવર ઉતારી દીધો. પ્રભારી મંત્રી તરીકે પાણીની સમસ્યાની અવારનવાર ફરિયાદ આવતા એક મંત્રીએ તાકિદે ફરિયાદની વાસ્તવિકતા જાણવા સીધા એ ગામ પહોંચવાનો નિર્ણય લીધો. અધિકારીઓને પણ હાજર રહેવાની સૂચના આપી. ગાંધીનગરથી મંત્રી સીધા જ આ બોર્ડર વિસ્તારના ગામમાં પહોંચી ગયા. ગામમાં પાણી ન આવતા ગ્રામજનો પરેશાન હતા અને સભા ભરીને બેઠા હતા. તે સમયે મંત્રી જ સીધા ગ્રામજનો વચ્ચે જઈને જમીન પર બેસી ગયા અને ગ્રામજનોની સમસ્યા સાંભળવા લાગ્યા. આ સ્થિતિને જોઈને જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓને ફરજિયાત જમીન પર બેસવાનો વારો આવ્યો. મંત્રીએ પણ આ તકનો લાભ લઈ સમસ્યાનું સમાધાન ન થાય ત્યાં સુધી ગ્રામજનો વચ્ચે બેઠા અને અધિકારીઓ પાસે સમસ્યાનું સમાધાનનો ઉકેલ શોધી કાઢ્યો. મંત્રી પોતે ભૂખ્યા રહ્યા અને અધિકારીઓને પણ ભૂખ્યા રાખ્યા. તેનું પરિણામ એ આવ્યું કે મંત્રીની મુલાકાત બાદ બીજા જ દિવસથી ગ્રામજનોની પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો. 

IAS_mona_khandha_zee.jpg

મુખ્યમંત્રીની હાજરીમાં IAS  અધિકારી મોના ખંધારે ન કહેવાનું કહી નાખ્યું!
રાજ્યમાં સાયન્સ અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે થોડા દિવસો પહેલા સૌને આશ્ચર્યમાં મુકી દીધા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગિફ્ટ સિટીમાં ટેકનોલોજીની અમેરિકન બેઝ કંપનીનો પ્રારંભ થયો. આ કાર્યક્રમમાં સાયન્સ અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે પોતાના પ્રવચનમાં ગિફ્ટ સિટી માટે સરકારના સહાય અને સબસીડીના ધોરણોની આંકડાકીય માહિતી આપી. કંપનીએ હજુ શું કરવાનું બાકી છે તેના તરફ ઈશારો પણ કરી દીધો. આ કંપની હાલ 600 કર્મચારીઓને રોજગારી પૂરી પાડે છે. આગામી ત્રણ વર્ષમાં 2000 લોકોને રોજગારી પુરી પાડશે. જો કે સરકારની પોલીસી વધુ લોકોને રોજગારી પૂરી પાડે તે જરૂરી હોવાનું યાદ અપાવ્યું. મોના ખંધારના પ્રવચનમાં કંપનીના સીએફઓનો ચહેરો પણ જોવા જેવો થયો. બધા મુખ્યમંત્રીના ચહેરા તરફ તાંકીને જોઈ રહ્યા. મુખ્યમંત્રીએ પણ ચહેરા પર સ્મિત જ આપે રાખ્યું. 1996 બેચના IAS અધિકારી મોના ખંધારે પણ પોતાના પ્રવચનમાં ગિફ્ટ સિટીમાં કંપની આખો ટાવર રાખે તેવી શુભેચ્છા આપી પોતાની વાત વાળી લીધી. કંપનીએ પણ મોના ખંધારની વાતને હકારાત્મક લીધી હોવાનો ડોળ કર્યો. આમ પણ કંપની પાસે બીજો કોઈ વિકલ્પ પણ ન હતો.

‘અતિથિ દેવો ભવ’ સંસ્કૃતિને એક મંત્રીએ ઉજાગર કરી 
‘ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી’ આપતી આપણી હિન્દુ સંસ્કૃતિને રાજ્ય સરકારના એક મંત્રીએ ઉજાગર કરી. સામાન્ય રીતે સોમવાર અને મંગળવારે ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો પોતાની સમસ્યાઓ લઈને સચિવાલય આવતા હોય છે. આવા મુલાકાતીઓ માટે અહીં ભૂખ્યા અને તરસ્યા રહેવાનો વખત આવે છે. કેટલાક મુલાકાતીઓ માંડ બસનું ભાડું ખર્ચીને ગાંધીનગર સુધી આવ્યા હોય છે. એટલે ચા નાસ્તો કરવાના રૂપિયા ખર્ચી શકે તેવી તેમની તાકાત હોતી નથી. આવા મુલાકાતીઓ માટે રાજ્યકક્ષાના એક મંત્રીએ ઉત્તમ કામ કર્યું છે. આ મંત્રી મીટીંગોમાં હોય કે અન્ય કામમાં તેનાથી મુલાકાતઓને કલાકો સુધી બેસી રહેવું પડે છે. આથી આ સમયગાળામાં બહારગામથી આવતા મુલાકાતઓને ભોજન કરાવવાની જવાબદારી પોતાના સ્ટાફને સોંપી છે. આ મંત્રીનો સ્ટાફ પણ ખૂબ માયાળુ છે. એટલે આવા મુલાકાતીઓને સાહેબની સૂચનાને ધ્યાનમાં રાખી બહારગામથી આવતા તમામ મુલાકાતઓને પ્રેમથી ભોજન કરાવે છે. જો કોઈ મુલાકાતી જમવાની ના પાડે તો તેને આગ્રહ પણ કરે છે. એટલું જ નહીં મહિલા કેન્ટીનમાં તેના માટે નાસ્તો કે ભોજન જેવી વ્યવસ્થા પણ કરી આપે છે. મંત્રી આ મુલાકાતઓને મળી તેમની સમસ્યા સાંભળે છે, સમસ્યાનો ઉકેલ આવે કે ન આવે પણ પોતાના આંગણે આવેલાને ભૂખ્યા-તરસ્યા પાછા મોકલતા નથી. જેનાથી સાહેબે સાંભળ્યા અને પોતાને જમાડ્યા તેની લાગણી સાથે ગાંધીનગરનો સુખદ અનુભવ લઇ ને જાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news