ગાંધીનગરના કાવાદાવા : આ નવું આવ્યું.. CM એટલે કમિટેડ મેન! એક IPS નું સપનું રગદોળાયું
Gandhinagar Na Kavadava : ગુજરાતના રાજકારણની ગપશપ, કયા નેતાએ શું કર્યું, કોણ રાજ રમત રમી ગયું... જાણવા માટે જુઓ ‘ગાંધીનગરના કાવાદાવા’
Trending Photos
Gandhinagar Na Kavadava હિતલ પારેખ/ગાંધીનગર : ગાંધીનગરની રાજકીય ગલિયારીઓમાં બનતી ચટપટી વાતો લોકોના કાન સુધી પહોંચે તે માટે ઝી 24 કલાક તમારા માટે લાવ્યું છે ખાસ કોલમ ‘ગાંધીનગરના કાવાદાવા.’ દર સોમવારે પ્રસ્તુત થનારી આ કોલમમાં તમને એ વાતો જાણવા મળશે જે રાજકારણમાં એક કાનથી બીજા કાનમાં ચૂપચાપ કે ઈશારા ઈશારામાં કહેવાઈ જતી હોય છે. હિતલ પારેખની કલમે વાંચો ગાંધીનગરના કાવાદાવા.
દાદા સંભાળજો... ઓગસ્ટ માસ રાજકીય ક્રાંતિનો મહિનો બની શકે - અંબાલાલ પટેલ
ઓગસ્ટ માસને ક્રાંતિનો મહિનો કહેવાય છે. દેશ અને દુનિયામાં ઓગસ્ટમાં અનેક રાજકીય ક્રાંતિ થઈ છે. આગામી ઓગસ્ટ માસમાં અનેક રાજકીય ચળવળ થઈ શકે તેવી આગાહી જાણીતા જ્યોતિષી અંબાલાલ પટેલ કરી છે. અંબાલાલ પટેલ દ્વારા કરાયેલી રાજકીય આગાહીમાં ગુજરાત અને કેન્દ્ર બંનેની સરકારને સાવચેત રહેવા કહેવાયું છે. ખાસ કરીને ગુજરાત સરકારને તેની સારી કામગીરી પછી પણ ગ્રહો નક્ષત્રોને રીતે રાજકીય ચહલ પહલ ઓગસ્ટ મહિનામાં થઈ શકે. પક્ષા-પક્ષીનું રાજકારણ ચરમસીમાએ પહોંચી શકે. પક્ષ પલટા સુધીની સ્થિતિનું નિર્માણ થાય. રાજનેતાઓને સાવચેત રહીને ચાલવા અંબાલાલ પટેલે સતર્ક કર્યા છે. ગ્રહો અને નક્ષત્રની વિષમ ચાલતી સત્તાધારી અને વિપક્ષ બચી નહીં શકે. પક્ષની અંદર આંતરિક ખેંચતાણ પણ વધી શકે.
કોંગ્રેસનું ‘પ્રમુખ પદ’ કોંગ્રેસની દિશા નક્કી કરશે
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદની કવાયત જોરશોર હાથ ધરાઈ છે. આગામી સપ્તાહમાં નામ જાહેર થશે. આ વખતે કોંગ્રેસનું પ્રમુખ પદ ખૂબ મહત્વનું બનશે. રાહુલ ગાંધી દ્વારા ગુજરાતને મોડલ સ્ટેટ અપનાવી જિલ્લા સ્તરથી પ્રમુખ પદ પસંદગીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પહેલીવાર કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં તાલુકા જિલ્લા સ્તરે નવો પ્રયોગ કરાયો છે. ચોક્કસ તેમાં કેટલાક નામોની સામે આંતરિક નારાજગી છે. હવે પ્રદેશ પ્રમુખનું નામ નક્કી કરવામાં આવશે. લગ્નના ઘોડા કે રેસના ઘોડા શબ્દ પ્રયોગ રાહુલ ગાંધી સામે પ્રશ્ન ઊભો કરી રહ્યો છે. પ્રમુખ પદના નામમાં કોઈ નવું નામ સામે આવે છે કે પછી કોંગ્રેસ ગાજ્યા પ્રમાણે નહીં વરસીને જૂના જોગીની જ પસંદગી કરે છે તે પણ જોવું રહ્યું. હાલ ઓબીસીમાંથી અમિત ચાવડા, ગેનીબેન ઠાકોર, લાલજી દેસાઈ નામ ચર્ચામાં છે. તો પાટીદારમાંથી પરેશ પટેલ જેવા નામો ચર્ચા રહ્યા છે. જિગ્નેશ મેવાણી અને શૈલેષ પરમારને પણ મહત્વનું સ્થાન મળી શકે. 2027 માં કોંગ્રેસ કેટલું કાઠું કાઢશે તે લગભગ પ્રમુખ પદના નામની પસંદગી ઉપરથી ખબર પડી જશે. કોંગ્રેસમાં વાતો ગમે તેટલી જતી હોય પણ આખરે જૂના જોગીઓની પકડ જ મજબૂત રહેતી હોય છે. તેના કારણે કોંગ્રેસ જ્યાં છે ત્યાં કે તેનાથી નીચલા સ્તરે પહોંચે છે.
પડકારની રાજનીતિ ચેલેન્જ રૂપ બનશે
ગુજરાતમાં અત્યારે આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચે ચેલેન્જની રાજનીતિ ચરમસીમાએ પહોંચી છે. બંને પાટીદાર આગેવાનો વચ્ચે મધ્યસ્થીના પ્રયાસો પણ શરૂ થયા છે. આ પડકારની રાજનીતિ 2027 સુધી ગુજરાતમાં ચાલશે. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ચેલેન્જ અને પડકારની રાજનીતિ કરાશે. વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં ગોપાલ ઈટાલિયાએ જંગ જીતી આપ પાર્ટીમાં પ્રાણ પૂર્યા છે. આપ પાર્ટીના આંતરિક રાજકારણમાં પણ ગોપાલ ઈટાલિયાએ મોટું કમબેક કર્યું છે. વિધાનસભા ચૂંટણી હાર્યા પછી ગોપાલ ઈટાલિયાને આંતરિક રાજકારણના કારણે જ ગુજરાત બહાર મોકલી દેવાયેલા. હવે વિસાવદરની પેટાચૂંટણી જીતા ગુજરાતમાં ગોપાલ ઈટાલિયા આપ પાર્ટીનો નવો ચહેરો બનશે. ગોપાલ ઈટાલિયાનો ભૂતકાળ પોલીસ કોન્સ્ટેબલ અને વિધાનસભા પરિસરમાં ગૃહ રાજ્યમંત્રીને જૂતુ મારવું તે રહ્યો છે. હવે એ જ વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ગોપાલ ઈટાલિયાનો પ્રવેશ થશે.
દાદાની સરકાર પ્લેન ક્રેશમાં નંબર 1, તો પુલ દુર્ઘટનામાં ઝીરો (0)
અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટનાની માસિક પુણ્યતિથિ ગઈ. દાદાની સરકારે પ્લેન ક્રેશમાં જે ટીમ વર્ક બતાવ્યું તે દાદ માંગે તેવું હતું. ટીમ ગુજરાત તરીકે ક્રાઈસીસ મેનેજમેન્ટમાં નંબર વન આપી શકાય તેવું કામ દાદાની સરકારે કર્યું. જોકે તેના જ એક માસ પછી પાદરા-ગંભીરા બ્રિજ દુર્ઘટનાએ રાજ્ય સરકારમાં સંકલનનો અભાવ હોવાનું છતું કર્યું. દુર્ઘટનાને રોકવા કે માનવ બચાવ રાહત કામગીરીમાં સંકલનનો સંપૂર્ણ અભાવ જોવા મળ્યો. 19 નિર્દોષના મૃત્યુ થયા. આવી દુર્ઘટનામાં પણ ઘટના સ્થળે રાજ્ય સરકારના કોઈ મંત્રીએ બનાવના દિવસે મુલાકાત ન લીધી. લોકોના રોષનો ભોગ બનવો પડે તે બીકે ઘટાડાના 56 કલાક બાદ રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ગયા. મુખ્યમંત્રીએ હજુ સુધી મુલાકાત પણ લીધી નથી. બની શકે દાદાની સરકારના મંત્રીઓને હરણી કાંડના પોતાના સંતાન ગુમાવનાર બે મહિલાઓની યાદ આવી હશે. એટલે તાત્કાલિક વડોદરા પહોંચવાનું ટાળ્યું હશે. દાદાની સરકારે ચાર અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. જોકે હજુ પણ આ પ્રકારના પગલાં લોકોને શાંત કરવા માટે લેવા પડશે. વડોદરાની મુલાકાતે ગયેલા ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે પણ મુખ્યમંત્રીને કડક પગલાં લેવા અપીલ કરી છે.
IPS અધિકારી મનોજ અગ્રવાલે આ હોદ્દાથી જ સંતોષ માનવો પડ્યો
રાજ્યના પોલીસ વડા બનવાનું સપનું એક સમયે સિનિયર IPS અધિકારી મનોજ અગ્રવાલે પણ જોયું હશે. સિનિયોરિટીની દ્રષ્ટિએ મનોજ અગ્રવાલ સૌથી આગળ હતા. જોકે સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધારે ડીજીપી બનનાર પાસે નિવૃત્તિના ઓછામાં ઓછો છ મહિના હોવા જોઈએ. તેવો નિર્દેશ છે એટલે મનોજ અગ્રવાલ માટે એ શક્ય ન હતું. જોકે અત્યારે રાજ્યના IPS એસોસિએશનના પ્રમુખ મનોજ અગ્રવાલને બનાવી દેવામાં આવ્યા છે. સામાન્ય રીતે રાજ્યના ડીજીપી IPS એસોસિએશનના પ્રમુખ હોય છે. પણ વિકાસ સહાય હવે એક્સટેન્શનને આધારે ડીજીપી છે, એટલે આઇપીએસ એસોસિએશનનું પ્રમુખ પદ મનોજ અગ્રવાલને સોપાયું છે. એક સિનિયર IPS અધિકારીએ કીધું કે મનોજ અગ્રવાલને આ જ હોદ્દાથી સંતોષ માનવો પડશે.
એક મંત્રી સિંઘમ લુક, તો બીજા મંત્રી ચાની ચુસ્તીથી ચર્ચામાં
દાદાની સરકારમાં રાજ્ય કક્ષાના બે મંત્રીઓ કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહેતા હોય છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના ડાબા અને જમણા ગણાતા આ બે મંત્રીઓ અલગ કારણોસર ચર્ચામાં આવ્યા છે. કાયમ મૂછો વગર ફરતા એક મંત્રીએ થોડા સમય માટે સિંઘમ લુક અપનાવ્યો હોય તેમ પોતાની મૂછો વધારી છે. જ્યારે બીજા મંત્રીએ પોતાના ધારાસભ્ય પદ સમયગાળો યાદ કરીને જ્યાં જ્યાં ચાની ચુસ્તી ભરતા હતા, ત્યાં જઈને પોતાનો ભૂતકાળ યાદ કરી ચાની ચુસ્કી મારી રહ્યાં છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી કાર્યાલયમાં આવીને આ મંત્રીએ સામે ચાલીને ચાની ચુસ્કી માંગી. પોતે ભૂતકાળમાં ધારાસભ્ય હતા ત્યારે નિયમિત મુખ્યમંત્રી કાર્યાલયના આ કર્મચારીઓ સાથે બેસી ચા પીતા હતા.
બોલો હવે નવું આવ્યું.. CM એટલે કમિટેડ મેન
ગુજરાતમાં રાજકારણમાં એક પરંપરા રહી છે. મુખ્યમંત્રી સાથે તેમની ઈમેજ મેક ઓવર કરવા માટે નવા નવા નામો આપવામાં આવે છે. એક સમયે સીએમ એટલે કોમન મેન, ભુપેન્દ્ર પટેલમાં મૃદુ અને મક્કમની ઈમેજ ઊભી કરવામાં આવી. જો કે હવે તેમાં પરિવર્તન આવી રહ્યું છે. સીએમ એટલે કમિટેડ મેન તરીકે સંબોધવાનું શરૂ થયું છે. તાજેતરમાં મહાત્મા મંદિરમાં સરકારી વિભાગોમાં નિમણૂંક પત્ર આપવાના કાર્યક્રમમાં કાર્યક્રમના સંચાલકે સીએમ એટલે કમિટેડ મેન તરીકે સંબોધન કર્યું. એ બતાવે છે કે સીએમની ઈમેજ મેક ઓવર કરવાની શરૂ થઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ગુજરાતના વિકાસ માટે કમિટેડ મેન તરીકે રજૂ કરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે