ડીસામાં લાશોના ઢગલા પડ્યા! ઘટના નજરે નિહાળનારે કહ્યું, હું અહી આવ્યો તો લાશોના ચીંથડા ઉડેલા જોવા મળ્યા
Gujarat Factory Fire : બનાસકાંઠાની ડીસા GIDCમાં લાયસન્સ વિના ચાલતી ફેક્ટરીમાં આગ લાગતા 18 લોકોના ગયા જીવ... મૃતકોના પરિવારમાં શોકના માહોલ... ફેક્ટરીનો માલિક થયો ફરાર
Trending Photos
Deesa Fire Crackers Factory Fire : ગુજરાતના વધુ એક અગ્નિકાંડ સર્જાયો છે. બનાસકાંઠાની ડીસા GIDCમાં ફટાકડાના ગોડાઉનમાં ભયંકર બ્લાસ્ટ બાદ પાણી ગરમ કરવાનું બોઇલર ફાટવાને કારણે આગ લાગતા 18 લોકોના મોત નિપજ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આ ઘટનામાં મૃત્યુ પામેલાના પરિવારને 4 લાખની સહાય અને ઈજાગ્રસ્ત માટે રૂપિયા 50,000 ની સહાયની જાહેરાત કરાઈ. મુખ્યમંત્રી ટ્વીટ કરીને જાણકારી આપી.
લાશ જોઈ ન શકાય એવી ક્ષતવિક્ષત થઈ
ડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગમાં 18 મજૂરોનાં મોત નિપજ્યા છે. હજી બે દિવસ પહેલાં જ આ મજૂરો મધ્યપ્રદેશથી આવ્યા. મોત જાણે તેમને ગુજરાત ખેંચી લાવ્યું હોય તેવી ઘટના બની છે. ફેક્ટરીમાં સૌથી પહેલા પ્રચંડ વિસ્ફોટથી ગોડાઉન ધરાશાયી થયું હતું. કાટમાળમાંથી મૃતદેહો બહાર કાઢવા માટે મોટાપાયે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવાયું હતું. ચારેતરફ અરેરાટીભર્યા દ્રષ્યો સર્જાયા હતા. માનવઅંગો દૂર સુધી ફેંકાયાં હતા. મજૂરોના મૃતદેહો રુંવાડા ઉભા કરે દે તેવા હતા. કોઈનો પગ પડ્યો હતો, તો કોઈ આખેઆખું બળી ગયું હતું. બ્લાસ્ટ બાદ આંખ ખૂલતાં જ ચારેય બાજુ આગ જ આગ ફેલાઈ હતી.
મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાય જાહેર
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરતા કહ્યું કે, ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાના લીધે શ્રમિકોના મૃત્યુની ઘટના હૃદયદ્રાવક છે. દુ:ખની આ ઘડીમાં મારી આત્મીય સંવેદના મૃતકોના સ્વજનોની સાથે છે. આ દુર્ઘટનામાં રાહત-બચાવ અને સારવારની કામગીરીને લઈને હું વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું. ઈજાગ્રસ્તોને ઝડપથી યોગ્ય સારવાર મળે તે સુનિશ્ચિત કરવાની સૂચના તંત્રને આપી છે. રાજ્ય સરકાર મૃતકોના પરિજનને રૂપિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦,૦૦૦ ની સહાય કરશે. ઈશ્વર મૃતક શ્રમિકોના આત્માને શાંતિ આપે અને ઈજાગ્રસ્તોને સત્વરે સાજા કરે તેવી પ્રાર્થના કરું છું.
ઘટનાને સૌથી પહેલો જોનાર પ્રત્યક્ષદર્શીનો અહેવાલ
આ ઘટનાને સૌથી પહેલા જોઈને તંત્રને ફોન કરનાર સ્થાનિક ભવાનજી ઠાકોરે જણાવ્યું કે, ફેક્ટરીમાં બહુ મોટો ધડાકો થયો હતો. મેં મારી નજરે આગ લાગતા જોઈ હતી. હું અહી આવ્યો તો લાશોના ચીંથડા ઉડેલા જોવા મળ્યા હતા. સૌથી પહેલા હું પહોંચ્યો હતો અને મેં તંત્રને જાણ કરી. બહુ જ ભયાનક ઘટના બની છે. 18 લાશો મળી છે અને હજુ વધુ મોત હોય તેવું લાગી રહ્યું છે.
ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટ થવાથી આગ લાગવાના લીધે અને સ્લેબ ધરાશાયી થવાના લીધે શ્રમિકોના મૃત્યુની ઘટના હૃદયદ્રાવક છે. દુ:ખની આ ઘડીમાં મારી આત્મીય સંવેદના મૃતકોના સ્વજનોની સાથે છે.
આ દુર્ઘટનામાં રાહત-બચાવ અને સારવારની કામગીરીને લઈને હું વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું.…
— Bhupendra Patel (@Bhupendrapbjp) April 1, 2025
અમે ફેક્ટરીનો નેગેટિવ રિપોર્ટ આપ્યો હતો - એસપી
ડીસા અગ્નિકાંડને લઈને બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે, અમે આ ફેક્ટરીનો અભિપ્રાય નેગેટિવ આપ્યો હતો. આરોપીને પકડવા પોલીસે 5 ટીમો બનાવી છે. બે ટીમ રાજસ્થાન અને 2 અમદાવાદ મોકલી છે તો સ્થાનિક ટીમ અહીં સર્ચ કરી રહી છે. કોઈપણ ભોગે આરોપીઓને છોડવામાં નહિ આવે.
ગુજરાતમાં દર મહિને એક અગ્નિકાંડ થાય છે - આપ
આમ આદમી પાર્ટીના કાર્યકારી પ્રમુખ રમેશ પટેલે સરકાર પર આક્ષેપ મૂકતા કહ્યું કે, આ એક અગ્નિકાંડ છે. ગુજરાતમાં દર મહિને એક અગ્નિકાંડ થાય છે. અહીં ફક્ત ફટાકડા રાખવાનું લાઇસન્સ હતું પણ અહીં ફટાકડા બનતા હતા. 18 લોકોના મોતના દોષિતને કડક સજા થવી જોઈએ, તેના ઘરે બુલડોઝર ફેરવવું જોઈએ. મૃતકોના પરિવારને એક -એક કરોડ સહાય આપવી જોઈએ. જે પણ અધિકારીઓ આ અગ્નિકાંડમાં દોષિત છે તેમને પણ સજા થવી જોઈએ.
18 મૃત્યુની પૃષ્ટિ થઈ - ઋષિકેશ પટેલ, આરોગ્ય મંત્રી
ડીસાની ઘટના પર રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, 18 મૃત્યુની પૃષ્ટિ થઈ છે. 24 માર્ચ, 2024 ના રોજ પોલીસ વિભાગ દ્વારા પણ ફેક્ટરીને નકારાત્મક અભિપ્રાય આપવામાં આવ્યો હતો. વીડિયોગ્રાફી કરવામાં આવી હતી, સગવડ ન હોવાના કારણે નકારાત્મક અભિપ્રાય આપ્યો. પણ લોભ લાલચને કારણે મંજૂરી વગર ચાલુ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં પરપ્રાંતીય મજૂરોના મૃત્યુ થયા છે. 22 થી 23 લોકો અંદર હશે તેવો અંદાજ છે. અત્યાર સુધી 18 ના મૃત્યુ થયા છે. 5 લોકો ઈજાગ્રસ્ત બન્યા છે. ૧૨-૦૩-૨૫ ના ગોડાઉન રીન્યુ માટે વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં આવી હતી ત્યારે ગોડાઉન ખાલી હતું. જોકે ત્યારબાદ ગોડાઉનમાં આ ફટાકડાનો માલ મૂકવામાં આવ્યો હતો. નીચે નિયમો અંતર્ગત સગવડ ન હોવાના કારણે ગોડાઉન માટેનું રીન્યુ રવામાં આવ્યું નહોતું. એસપી ત્યાં પહોંચ્યા છે બે લોકોની ધરપકડ કરી છે. માલિક દિપક સિંધી અત્યારે ત્યાં નથી ફરાર ન થાય એ માટે પોલીસે વ્યવસ્થા કરી છે. પોલીસ ફરિયાદ નોંધ રહી છે.
જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે: બનાસકાંઠામાં આગ મામલે શંકર ચૌધરીનું નિવેદન#Gujarat #BreakingNews #News #Banaskantha pic.twitter.com/r8zRsqQa8l
— Zee 24 Kalak (@Zee24Kalak) April 1, 2025
હોસ્પિટલ પહોંચ્યા શંકર ચૌધરી
તો ડીસા ફટાકડા ગોડાઉન અગ્નિકાંડ બાદ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ડીસા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે સિવિલ સુપ્રીટેન્ડન્ટ પાસેથી વિગતો મેળવી હતી. તેમણે કહ્યું કે, આ ખુબજ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હોસ્પિટલમાં જે સારવાર લઈ રહ્યા છે તેમને સારી સારવાર મળે તે માટે મુખ્યમંત્રી તરફથી સૂચના અપાઈ છે. સમગ્ર મામલાને લઈને મુખ્યમંત્રીએ તપાસ સોંપી છે. જે લોકો દોષિત છે તેમની સામે કડક કાર્યવાહી કરાશે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે