માં ભોમની રક્ષા કાજે ગોહિલવાડના વીર જવાને દેશ માટે શહીદી વ્હોરી: પંથક ગર્વ સાથે બન્યો શોકમગ્ન

 છત્તીસગઢમાં નકસલીઓના ખાતમાં માટે સેના દ્વારા ચાલતી પ્રક્રિયામાં ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગણા ગામના જવાન શહીદ થતા તેના પાર્થિવદેહને માદરે વતન લાવવામાં આવ્યો હતો. CRPF દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

માં ભોમની રક્ષા કાજે ગોહિલવાડના વીર જવાને દેશ માટે શહીદી વ્હોરી: પંથક ગર્વ સાથે બન્યો શોકમગ્ન

નવનીત દલવાડી/ભાવનગર: જિલ્લાના સિહોર તાલુકાના દેવગણા ગામના વતની અને CRPF ના કોબ્રા કમાન્ડો મેહુલભાઈ સોલંકી છત્તીસગઢ ખાતે નકસલીઓના ખાત્મા સામેની લડાઈ માં વીરગતિ પામતા આજે તેના પાર્થિવદેહને તેમના ઘરે લાવવામાં આવ્યો હતો. આ તકે ભાવનગર થી દેવગણા સુધીના માર્ગ પર લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમજ હજારો લોકો તેની અંતિમવિધિમાં જોડાયા હતા અને પુરા આર્મી અનુશાસન મુજબ માન સન્માન સાથે તેની અંતિમવિધિ કરવામાં આવી હતી.

આપણો દેશ આંતરિક અને બાહ્ય આતંકનો ભારે નીડરતાથી સામનો કરી રહ્યો છે. ત્યારે આતંરિક આતંક સમાન નકસલીઓ ના ખાત્મા માટે માર્ચ 2026 સુધીમાં તેનો સફાયો કરી નકસલવાદ મુક્ત ભારતની નેમ સાથે સરકાર કાર્યવાહી કરી રહી છે. ત્યારે છત્તીસગઢમાં નકસલીઓ સામેની લડાઈમાં ભાવનગરના દેવગણા ગામનો મેહુલભાઈ નંદલાલભાઈ સોલંકી નામનો CRPF માં ફરજ બજાવતો જવાન શહીદ થતા આજે તેના પાર્થિવ દેહને તેમના વતન દેવગણા ખાતે લાવવામાં આવ્યો હતો. 

તિરંગામાં લપેટાયેલા પાર્થિવ દેહ ને માર્ગો પર લોકોએ સલામી આપી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ભારત માતાકી જય અને શહીદ અમર રહો ના નારા સાથે શહીદની શહાદતને વંદન કર્યા હતા. મહિલાઓએ પણ આ તકે પુષ્પાંજલિ અને સેલ્યુટ સાથે શ્રદ્ધાંજલિ પાઠવી હતી. 

શહીદની અંતિમવિધિમાં કેન્દ્રીય રાજયમંત્રી નિમુબેન બાંભણીયા, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, CRPF ના અધિકારીઓ, ભાવનગર કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતના હજારો લોકો જોડાયા હતા અને પુરા સન્માન અને બંદૂકની સલામી સાથે તેની અંતિમવિધિ કરવામાં આવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news