સુરતની જાણીતી મોડલની મર્સિડીઝમાં કોઈએ આગ લગાવી, 12 કલાકમાં મોડલની બે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

સુરત શહેરની જાણીતી મોડલે શહેરનાં બે પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ નોંધાવી છે. વેસુ પોલીસ સ્ટેશનમાં મર્સિડીઝને અજાણ્યા શખસો દ્વારા આગ ચાંપવા અંગે ફરિયાદ નોંધાવી છે.

સુરતની જાણીતી મોડલની મર્સિડીઝમાં કોઈએ આગ લગાવી, 12 કલાકમાં મોડલની બે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

સુરતઃ સુરત શહેરના પોશ વિસ્તાર ‘ગેલ કોલોની’ની એક જાણીતી મોડલ છેલ્લા થોડા દિવસથી સતત ચોંકાવનારા અને ભયજનક બનાવોની ભોગ બને છે. છેલ્લા 12 કલાકમાં જ તેમણે શહેરના બે અલગ અલગ પોલીસ મથકમાં અલગ અલગ પ્રકારની ગંભીર ફરિયાદો નોંધાવી છે. જ્યાં એક તરફ વેસુ વિસ્તારમાં રાત્રે તેમની પાર્કિંગમાં ઉભી મર્સિડીઝ કારને અજાણ્યા શખ્સે આગ લગાવી, બીજી તરફ અલથાણ પોલીસ મથકે મિતેષ જૈન નામના વેપારી સામે ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવીને તેમના અંગત ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કરવાના ગુના માટે ફરિયાદ નોંધાવાઈ છે

મોડલનું નિવાસસ્થાન અલથાન ગેલ કોલોનીમાં છે. જ્યાં રાત્રે લગભગ 8:30 વાગ્યે એક મોપેડ પર બે યુવાનો ચહેરા પર રૂમાલ બાંધીને સોસાયટીની પાર્કિંગમાં પ્રવેશ્યા હતા. ત્યાં મર્ઝિડીઝ કાર પાસે જઈ તેણે એક કેમિકલ પદાર્થ છાંટી આગ ચાંપતા તુરત જ ભાગી છૂટ્યા હતા. સીસીટીવીમાં તેમની હાલચાલ સ્પષ્ટ દેખાઈ છે. કારનું બોનેટ અને આગળના કાચ સંપૂર્ણપણે બળી ખાખ થઈ ગયા હતા.આ દરમિયાન નજીક રમતા બાળકોએ બુમાબુમ કરતા સ્થાનિક રહેવાસીઓ દોડી આવ્યા હતા. તાત્કાલિક વેસુ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મકાન માલિક મોડલના નિવેદન આધારે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી હતી. મોડલે પોતાના એક પૂર્વ મિત્ર ઉપર શંકા પણ વ્યક્ત કરી છે.

મોડેલે વધુમાં અલથાણ પોલીસ મથકમાં ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવવાનો આરોપ પણ નોંધાવ્યો છે. આરોપ છે કે, મિતેષ જૈન નામના વેપારીએ તેમના પૂર્વ સંબંધોના દોરમાં લીધેલા અંગત ફોટોગ્રાફ્સ તેમના નામથી બનાવેલા ફેક એકાઉન્ટ પર અપલોડ કર્યા છે. એટલું જ નહીં, મોબાઇલ પર જાનથી મારી નાખવાની ધમકી આપી પીછો કરવામાં આવે છે તેવો પણ ગંભીર આરોપ મૂકાયો છે. વિશેષ છે કે આ પહેલો બનાવ નથી. થોડા મહિના પહેલા પણ મોડેલે મિતેષ જૈન સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો. જોકે હાઇકોર્ટમાં મોડેલના નિવેદન બાદ કવાસિંગની પ્રક્રિયા થઈ ગઈ હતી. હવે ફરીથી નવા એંગલથી વિવાદ સામે આવ્યો છે. આરોપ છે કે, ફેક એકાઉન્ટથી આ પ્રકારના અંગત ફોટાઓ અપલોડ થવા પાછળ જૂની અદાવત છે.

ચોંકાવનારી એક વધુ વિગત સામે આવી છે કે થોડા દિવસ પહેલા પાંડેસરામાં રહેતા મોડેલના જીજાજી ‘હુન્ડાઈ ક્રેટા’ કારને પણ અજાણ્યા શખ્સોએ આગ ચાંપી હતી. હાલની ઘટનાના આધારે મોડલે શંકા વ્યક્ત કરી છે કે મારી મર્સિડીઝ કાર અને પાંડેસરાની ક્રેટા કાર બન્ને ઘટનાના આરોપીઓ એક જ હોઈ શકે છે.વેસુ પોલીસે હવે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસને આગળ ધપાવી છે. બીજી બાજુ ડીસીપી વિજયસિંહ ગુર્જરએ જણાવ્યું છે કે, વેસુ અને અલથાણ બંને પોલીસ ટીમે ઘટના પાછળના હેતુ અને સંબંધિત લોકોની ભૂમિકા વિશે ગંભીરતાથી તપાસ હાથ ધરી છે. સાથેજ માહિતી મળ્યા મુજબ જૂના મામલામાં જુદા જુદા પોલીસ મથકમાં વપરાયેલા ફોટાઓ અને ફેક આઇડી મુદ્દે ઉમરા પોલીસ સ્ટેશને પણ વેપારીની પત્ની દ્વારા મોડલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં મોડલની ધરપકડ થઈ હતી
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news