ધારાસભ્યોના નકલી સહી-સિક્કાથી બનાવી આપતો આધાર-પાન કાર્ડ, MBAના વિદ્યાર્થીનું કારસ્તાન
સુરત પોલીસે ઓડિશાના એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ વ્યક્તિ ધારાસભ્ય કુમાર કાનાણીના નકલી સહી-સિક્કાની મદદથી આધાર અને પાન કાર્ડમાં સુધારા-વધારા કરી આપતો હતો.
Trending Photos
ચેતન પટેલ, સુરતઃ સુરતમાં વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીના ખોટા સહી-સિક્કા બનાવી આધારકાર્ડ-પાનકાર્ડ બનાવવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. કેવી રીતે આરોપી પકડાયો અને કેવી રીતે તે આ કૌભાંડ કરતો હતો. આવો જોઈએ સાવધાન ગુજરાતમાં..
સુરત પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમીનાં આધારે પોલીસે દિપક પટનાયક નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. જે આધારકાર્ડ-પાનકાર્ડ જેવા સરકારી ડોક્યુમેન્ટ બનાવી અને નામ-સરનામાની વિગતો ચેન્જ કરવા માટેના ફોર્મમાં ધારાસભ્યો તથા અન્ય હોદ્દેદારોના ખોટા સહી-સિક્કાઓ બનાવી, ગ્રાહકો પાસેથી રૂપીયા લઈ તેમની જાણ બહાર ખોટા સિક્કાઓનો સરકારી ફોર્મમાં ખરા તરીકે ઉપયોગ કરી સરકારી સાઇટો ઉપર અપલોડ કરતો હતો. આરોપી દિપક કવીરાજભાઇ પટનાયકે તેના વતન ઓડીસા સંબલપુર ખાતે એક અજાણ્યા શખસ પાસેથી વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીના નામના નકલી સિક્કાઓ બનાવડાવ્યા હતા.
છેલ્લા સાડા ત્રણેક માસથી તેની પાસે આધારકાર્ડ તથા પાનકાર્ડમાં નામ-સરનામુ સુધારો કરાવવા માટે આવતા ગ્રાહકો પાસે ફોર્મ દીઠ 200 રૂપીયા ફી લઇને ગ્રાહકો પાસે રહેઠાણના પુરાવા ન હોય તો, આધારકાર્ડ-પાનકાર્ડના સરકારી ફોર્મમાં ગ્રાહકોની જાણ બહાર સિક્કાઓ મારી પોતાની ઓફિસમાં રહેલ કોમ્પ્યુટર મારફતે આ બનાવટી ફોર્મને સરકારી સાઇટ ઉપર ખરા તરીકે અપલોડ કરી પોતાના આર્થિક ફાયદા માટે પૈસા લઇ ખોટા બનાવટી આધારકાર્ડ-પાનકાર્ડ કાઢી આપવાનુ કામ કરતો હતો. તેની પાસેથી ધારાસભ્યના નામના સહી સિક્કા, આધારકાર્ડ, પ્રિન્ટર, કોમ્પ્યુટર, આધાર કાર્ડ બનાવવા માટેના ભરેલા ફોર્મ અને કોરા ફોર્મ સહિતનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો.
પોલીસે પાંચ કલાકમાં આ ઓપરેશન પાર પાડ્યું હતું. આરોપી ઇન્દિરા ગાંધી યુનિવર્સિટીમાં એમબીએનો અભ્યાસ કરી રહ્યો છે. તેની પાસેથી 20થી વધુ ભરેલા ફોર્મ, જેમાં સહી સિક્કા કરેલા છે. આ સાથે 25થી વધુ કોરા ફોર્મ પણ મળ્યા છે. ધારાસભ્ય કુમાર કાનાણીના આધારકાર્ડની ઝેરોક્સ પણ મળી આવી છે. પોલીસ દ્વારા આરોપી અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે