અમદાવાદમાં રાત્રે વિજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ, રાજ્યમાં ભારે તોફાને 5 લોકોનો લીધો જીવ
Gujarat Unseasonal Rain: રાજ્યમાં ભરઉનાળે ગરમી વચ્ચે અનેક જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અનેક જગ્યાએ વરસાદ શરૂ થયો છે. તો કેટલાક જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી. ત્યારે અમદાવાદમાં રાત્રે વિજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે કરા અને કમોસમી વરસાદ સાથે શરૂ થયો છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં રાતના સમયે વરસાદ વરસ્યો છે.
Trending Photos
Gujarat Unseasonal Rain: અમદાવાદના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. અમદાવાદ શહેરમાં સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ રાત્રના 10 વાગ્યા બાદ વિજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. અમદાવાદના નારોલ લાંભા, ઘાટલોડિયા, પ્રહલાદનગર, સેટેલાઈટ સહિત પશ્વિમ વિસ્તારમાં કરા સાથે વરસાદ શરૂ થયો છે. તેમજ શહેરના પૂર્વ ભાગમાં પણ અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે.
ભરઉનાળે 53 તાલુકામાં કમોસમી વરસાદ
ગુજરાતમાં ભરઉનાળે 53 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. ત્યારે રાજ્યમાં પડેલા વરસાદમાં સાંજ 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન સૌથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં ભાવનગરના શિહોરમાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. ભાવનગર સિટીમાં પણ એક ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. તેમજ રાજ્યના 23 તાલુકામાં અડધા ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ 5 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે વડોદરા ડિવિઝનમાં કેટલીક જગ્યાઓએ ભારે પવન અને વરસાદના કારણે ઝાડ પડવાથી દુર્ધટના સામે આવી છે. ભારે પવન અને વરસાદને પગલે સુરત અને વડોદરા વચ્ચેની અપ અને ડાઉન બન્ને લાઇન પર ટ્રેનની કામગીરી પ્રભાવિત થઈ છે. જ્યારે કેટલીક ટ્રેનોને અસ્થાયી રૂપે નિયંત્રિત કરવામાં આવી છે, અને તમામ સલામતીનાં પાસાઓની ખાતરી કર્યા બાદ તે ચલાવવામાં આવી રહી છે.
વડોદરામાં ભારે વરસાદના પગલે વીજ પુરવઠો ખોરવાયો
વડોદરા શહેરમાં વાવાઝોડા સાથે ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. વડોદરાના કુલ 345 ફીડર પૈકી 147 ફીડર પર વીજ પુરવઠો ખોરવાયો છે. અચાનક પડેલા વિક્ષેપને સુધારવા માટે વહીવટ તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. પાવર રીસ્ટોરેશન કાર્ય માટે 46થી વધુ ટીમોને તાત્કાલિક કાર્યરત કરવામાં આવી છે. ત્રણ વીજ થાંભલાં ધરાશાય થતા નવા થાંભલાં ઉભા કરવા તેમજ વાયરિંગનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે.
બીજી તરફ ઠાસરા તાલુકામાં ભારે પવન ફૂંકાતા અનેક વૃક્ષ ધરાશાઈ થયું છે. ઠાસરા તાલુકાના ગુમડીયા ગામે વડનું વૃક્ષ ધરાશાય થતા બે લોકો દબાયા હતા. દબાયેલા બે લોકોમાંથી 50 વર્ષીય વૃદ્ધ મહિલા કપિલાબેન ચાવડાનું મોત નીપજ્યું છે. તો અન્ય એક વ્યક્તિને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
ભારે પવન સાથે વરસેલા વરસાદે 5 લોકોનો લીધો જીવ
રાજ્યમાં ભારે પવન સાથે વરસેલા વરસાદે 5 લોકોનો જીવ લીધો છે. ધોળકામાં રિક્ષા પર હોર્ડિંગ્સ પડતાં રિક્ષાચાલકનું તો આણંદમાં દીવાલ પડતાં વૃદ્ધાનું મોત નીપજ્યું છે. બીજી તરફ વીરમગામમાં વીજળી પડતાં ખેડૂતનું મોત અને ખેડામાં પણ વૃક્ષ પડતાં મહિલાનું મોત નીપજ્યું છે. આ તરફ ઠાસરા તાલુકામાં વૃક્ષ ધરાશાઈ થતા એક મહિલાનું મોત નીપજ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે