સિક્કિમ, મણિપુર, ત્રિપુરા, અરુણાચલમાં કુદરતનો તાંડવ! નદીઓમાં પૂર-ભૂસ્ખલન અને ઘણા લોકોના મોત
Weather Update: પૂર્વોત્તરમાં 'જળ તાંડવ'થી હાહાકાર મચી છે. મુશળધાર વરસાદ કુદરતી આફત બનીને આવ્યો છે. નોર્થ-ઈસ્ટના 6 રાજ્યોમાં હાલાત ખૂબ જ ખરાબ છે. મોટી સંખ્યામાં લોકોને જાનમાલનું નુકસાન થયું છે. વાદળ ફાટવા અને નદીઓના વધતા પાણીના સ્તરને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રવાસીઓ ફસાયેલા છે.
Trending Photos
Weather News: નોર્થ-ઈસ્ટમાં કુદરત જાણે લોકોથી નારાજ થયું હોય તેવું જોવા મળી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદને કારણે નદીઓમાં પુર આવ્યા છે. ઘણા શહેરોમાં પૂર જેવી સ્થિતિ છે. જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. આસામ, મણિપુર, સિક્કિમ, મિઝોરમ, ત્રિપુરા અને અરુણાચલમાં કુદરતી આફતનો ખતરો વધી ગયો છે. અગરતલા સિવાય ત્રિપુરાની બધી મુખ્ય નદીઓનું પાણીના સ્તર વધારો થયો છે. મુખ્યમંત્રીએ રવિવારે તમામ સુનિશ્ચિત કાર્યક્રમો રદ કર્યા અને અધિકારીઓ સાથે પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું.
ત્રિપુરામાં જિલ્લા વહીવટીતંત્રે હાલાતને ધ્યાનમાં રાખીને 28 રાહત શિબિરો કાર્યરત કરી છે, જેમાં 6000થી વધુ લોકોને મોકલવામાં આવ્યા છે. ત્રિપુરામાં ભારે વરસાદ સામાન્ય ચોમાસાનો વરસાદ છે, તેથી હવે કોઈ મોટા પૂરની અપેક્ષા નથી. હવામાન વિભાગ IMDએ સામાન્ય ચોમાસાની પ્રવૃત્તિ તરીકે રાજ્યમાં એક અઠવાડિયા સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે.
નદીનું જળસ્તર ખતરાના નિશાનને પાર
હાઓરા નદીનું જળસ્તર પહેલાથી જ ખતરાના નિશાનને વટાવી ગયું છે. અગરતલાના મેયર દીપક મજુમદારે જણાવ્યું કે, 'શહેરનો આકાર કટોરા જેવો છે અને હળવા વરસાદમાં પણ અગરતલામાં પાણી ભરાઈ જાય છે. IMDએ ત્રિપુરા માટે હવામાન ચેતવણી જાહેર કરી છે, જેમાં રાજ્યભરમાં આગામી સાત દિવસ સુધી સતત ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. આ એલર્ટ શહેરી પૂર, ભૂસ્ખલન, ટ્રાફિક અવરોધ અને કૃષિ નુકસાનને કારણે નોંધપાત્ર વિક્ષેપની શક્યતા દર્શાવે છે.
મણિપુરમાં આકાશી આફત
મણિપુરમાં ભારે વરસાદના કારણે ભારે તબાહી મચી ગઈ છે અને છેલ્લા 48 કલાકમાં રાજ્યભરમાં પૂર અને ભૂસ્ખલનને કારણે 3,802 લોકો પ્રભાવિત થયા છે અને 883 ઘરોને નુકસાન થયું છે. રાજધાની ઇમ્ફાલના ઘણા વિસ્તારો અને ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ ગયા છે કારણ કે ખુરાઈ, હિંગાંગ અને ચેકોન વિસ્તારોમાં નદીના પાળા તૂટી ગયા છે અને પાણી ભરાઈ ગયા છે. મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ ઇમ્ફાલના ડૂબેલા વિસ્તારોની મુલાકાત લીધી હતી, જ્યારે સેના અને આસામ રાઇફલ્સના જવાનોએ સૌથી વધુ અસરગ્રસ્ત ઇમ્ફાલ પૂર્વ જિલ્લામાં ડૂબેલા વિસ્તારોમાંથી લગભગ 800 લોકોને બચાવ્યા છે.
મણિપુરમાં ભૂસ્ખલનની 12 ઘટનાઓ સામે આવી છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું કે, ચેકોન વિસ્તારમાં ઇમ્ફાલ નદી ઓવરફ્લો થયા પછી ઓલ ઇન્ડિયા રેડિયો ઇમ્ફાલ કેમ્પસ અને સરકારી જવાહરલાલ નહેરુ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ સહિત ઘણી ઓફિસો અને સંસ્થાઓના પરિસરમાં પાણી ભરાઈ ગયાના અહેવાલ છે.
1 જૂન રવિવારના રોજ ઇમ્ફાલ પૂર્વ જિલ્લામાં ઇરિલ નદીનું જળસ્તર ખતરાના નિશાનને વટાવી ગયું હતું, પરંતુ હજુ સુધી પાળા તૂટ્યા નથી. સ્થાનિક લોકો અને જિલ્લા વહીવટીતંત્ર પાળાને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. રવિવારે સવારે ચેકોન અને વાંગખેઈમાં પાણીનું સ્તર ઘટ્યું હતું, પરંતુ ખુરાઈ અને હેંગાંગ મતવિસ્તારમાં પરિસ્થિતિ નિયંત્રણ બહાર છે, જે શનિવારે ડૂબી ગયા હતા, આજે પણ ત્યાં પાણી જોવા મળ્યું હતું.
અરુણાચલમાં હાહાકાર
અરુણાચલ પ્રદેશ સરકારે છેલ્લા 48 કલાકમાં રાજ્યભરમાં ભૂસ્ખલન સંબંધિત ઘટનાઓમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ સમયગાળા દરમિયાન ઉત્તરપૂર્વીય રાજ્યમાં મુશળધાર વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી પેમા ખાંડુએ શનિવારે રાત્રે જાહેર કરેલા એક નિવેદનમાં મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, સંબંધિત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્ત લોકોને જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે.
મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો
ખંડુએ લોકોને સતર્ક રહેવા અને ખાસ કરીને રાત્રિ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવા વિનંતી કરી. તેમણે લોકોને હાલ પૂરતું નદીઓ અને જળાશયોમાં ન જવાની પણ અપીલ કરી. શુક્રવાર રાતથી અત્યાર સુધી થયેલા મૃત્યુ પૂર્વ કામેંગ જિલ્લામાં નોંધાયા છે, જ્યાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-13 ના બાના-સેપ્પા વિભાગ પર ભૂસ્ખલનને કારણે બે પરિવારોના સભ્યોને લઈ જતું વાહન રસ્તા પરથી વહી ગયું હતું, જેમાં સાત લોકોના મોત થયા છે. લોઅર સુબનસિરી જિલ્લામાં એક અલગ ઘટનામાં, ઝીરો-કમાલે રોડ પર પાઈન ગ્રોવ વિસ્તાર નજીક કોબીના ખેતરમાં ભૂસ્ખલન થતાં બે મજૂરોના મોત થયા હતા અને બે અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
સિક્કિમમાં પાણીનો કહેર!
સિક્કિમમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનને કારણે 1,500 પ્રવાસીઓ ફસાયા છે. જ્યારે તિસ્તા નદીનું જળસ્તર ખતરનાક સ્તરે પહોંચી ગયું હોવાથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે તિસ્તા નદીમાં જળસ્તર ખતરનાક સ્તરે પહોંચી ગયું હોવાથી ભારતીય હવામાન વિભાગ (IMD)એ રેડ એલર્ટ જારી કર્યું છે. શનિવારે (31 મે) સિક્કિમમાં સતત ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનને કારણે મુખ્ય રસ્તાઓ બંધ થઈ ગયા હોવાથી લગભગ 1,500 પ્રવાસીઓ ફસાયા છે.
#WATCH | Mangan, Sikkim: Water level of the Teesta river increases following heavy rainfall in the region.
(Source: IPR, Mangan) pic.twitter.com/ahXPLSXkjJ
— ANI (@ANI) June 1, 2025
તિસ્તા નદીનું જળસ્તર ખતરનાક સ્તરે પહોંચ્યુ
હવામાન વિભાગે ભારે વરસાદને કારણે તિસ્તા નદીમાં જળસ્તર ખતરનાક સ્તરે પહોંચી જતાં શનિવારે રેડ એલર્ટ જાહેર કર્યું હતું. મંગન જિલ્લાના પોલીસ અધિક્ષક (એસપી) સોનમ દેચુ ભૂટિયાએ જણાવ્યું કે, વાદળ ફાટવાના કારણે પાણીનું સ્તર ચાર મીટર વધ્યું છે. ગઈકાલે રાત્રે ભારે વરસાદ પડ્યો હતો, ઉપરના વિસ્તારોમાં વાદળ ફાટવાના કારણે તિસ્તાનું જળસ્તર 4 મીટર વધ્યું હતું, ઘણી જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા છે.
રવિવારે શું થયું?
સિક્કિમમાં રવિવારે અવિરત વરસાદ પડ્યો, જેના કારણે તીસ્તા નદીનું જળસ્તર વધ્યું, જ્યારે આ અઠવાડિયાની શરૂઆતમાં થયેલા એક દુ:ખદ અકસ્માત બાદ ગુમ થયેલા નવ લોકોની શોધખોળ હજુ પણ સ્થગિત છે. શુક્રવારે મંગન જિલ્લાના ચુબોમ્બુ નજીક 11 લોકો સાથેનું એક પ્રવાસી વાહન રસ્તા પરથી ઉતરી ગયું અને લગભગ 1000 ફૂટ નીચે તીસ્તા નદીમાં ખાબક્યું. તે રાત્રે બે મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે ડ્રાઇવર સહિત બાકીના નવ હજુ પણ ગુમ છે. પોલીસ અધિક્ષક (એસપી) સોનમ દેચુ ભૂટિયાએ શનિવારે પુષ્ટિ કરી હતી કે, બચાવ કામગીરી બીજા દિવસે પણ ચાલુ છે, જેમાં આઇટીબીપી, એસડીઆરએફ અને એનડીઆરએફના કર્મચારીઓ સામેલ છે. એસપી ભૂટિયાએ મીડિયાને જણાવ્યું કે, વાહન કાટમાળમાં ફસાયેલું છે અને તેને બહાર કાઢી શકાયું નથી. નજીકમાં કોઈ મૃતદેહ મળ્યો નથી. ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે. ભારે વરસાદ અને ઉપરના વિસ્તારોમાં વાદળ ફાટવાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે.
IMDએ મંગન જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આગામી 24 કલાક માટે ગ્યાલશિંગ, નામચી, સોરેંગ, ગંગટોક અને પાકયોંગ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનને કારણે ઉત્તર સિક્કિમના થિંગ અને ચુંગથાંગ વિસ્તારોમાં અનેક મિલકતોને નુકસાન થયું છે. ભૂટિયાના જણાવ્યા અનુસાર લાચેનમાં 115 અને લાચુંગમાં લગભગ 1350 પ્રવાસીઓ ફસાયેલા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે