IPL 2025 : 6 બોલમાં કરવાના હતા 20 રન, પછી અચાનક ધોની સાથે કંઈક એવું બન્યું કે પલટાઈ ગઈ મેચ
IPL 2025, RR vs CSK Last Over : ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ રોમાંચક મેચની છેલ્લી ઓવરમાં રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સ પાસેથી જીત છીનવી લીધી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સને છેલ્લા 6 બોલમાં જીતવા માટે 20 રનની જરૂર હતી. ક્રીઝ પર મહેન્દ્રસિંહ ધોની અને રવિન્દ્ર જાડેજા હતા.
Trending Photos
IPL 2025, RR vs CSK Last Over : IPL 2025માં રવિવારે રાજસ્થાન રોયલ્સ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને છેલ્લા બોલ સુધી ચાલેલી ખૂબ જ રોમાંચક મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 6 રને હરાવ્યું. ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ રોમાંચક મેચની છેલ્લી ઓવરમાં RRએ CSK પાસેથી જીતનો કોળીઓ છીનવી લીધો હતો.
એક કેચે પરિસ્થિતી બદલી નાખી
છેલ્લી ઓવરમાં મહેન્દ્રસિંહ ધોની અને રવિન્દ્ર જાડેજા ક્રીઝ પર હોવાથી ક્રિકેટ ચાહકો ચેન્નાઈ સુપર કિંગ્સ માટે જીતની આશા રાખી રહ્યા હતા, પરંતુ છેલ્લી ઓવરમાં એક કેચે પરિસ્થિતી બદલી નાખી. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને છેલ્લા 6 બોલમાં જીતવા માટે 20 રનની જરૂર હતી, પરંતુ અનુભવી ફિનિશર મહેન્દ્રસિંહ ધોની આઉટ થતાં જ તેમની હાર નક્કી થઈ ગઈ હતી.
6 બોલમાં 20 રનની જરૂર હતી
ચેન્નાઈ સુપર કિંગ્સનો 19મી ઓવર પછી સ્કોર 5 વિકેટે 163 રન હતા અને જીત માટે છેલ્લા 6 બોલમાં 20 રનની જરૂર હતી, જે રન થવા શક્ય લાગતું હતું, પરંતુ રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલર સંદીપ શર્માએ છેલ્લી ઓવરમાં શાનદાર બોલિંગ કરી, મહેન્દ્રસિંહ ધોનીની મોટી વિકેટ લીધી, ફક્ત 13 રન આપીને પોતાની ટીમને વિજેતા બનાવી.
આ કેચે મેચનું પાસું પલટ્યું
છેલ્લી ઓવરના પહેલા બોલ પર મહેન્દ્રસિંહ ધોની આઉટ થયો હતો, નહીંતર મેચનું પરિણામ અલગ હોત. સંદીપ શર્માએ એક લો વાઇડ ફુલ-ટોસ બોલ ફેંક્યો જેના પર મહેન્દ્રસિંહ ધોનીએ મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ શિમરન હેટમાયર ડીપ મિડવિકેટથી ડાબી બાજુ ઝડપથી ગયો અને એક શાનદાર કેચ પકડ્યો. આ કેચ પછી મહેન્દ્રસિંહ ધોની ચોંકી ગયો અને આખા સ્ટેડિયમમાં શાંતિ છવાઈ ગઈ. મહેન્દ્રસિંહ ધોની આઉટ થતાં જ ચેન્નાઈ સુપર કિંગ્સની જીતની આશા ખતમ થઈ ગઈ. છેલ્લી ઓવરમાં ફક્ત 13 રન બન્યા અને રાજસ્થાન રોયલ્સે 6 રનથી મેચ જીતી લીધી. રવિન્દ્ર જાડેજા 32 રન અને જેમી ઓવરટન 11 રન બનાવીને અણનમ રહ્યા.
RR vs CSK મેચની છેલ્લી ઓવર
- પહેલો બોલ - સંદીપ શર્માએ મહેન્દ્રસિંહ ધોનીને ધીમો બાઉન્સર ફેંક્યો (બોલ વાઈડ હતો)
- પહેલો બોલ - મહેન્દ્રસિંહ ધોની શિમરન હેટમાયર હાથે કેચ આઉટ થયો
- બીજો બોલ - ડેબ્યુ કરનાર બેટ્સમેન જેમી ઓવરટને 1 રન લીધો
- ત્રીજો બોલ - રવિન્દ્ર જાડેજાએ સંદીપ શર્મા બોલ પર 1 રન લીધો
- ચોથો બોલ - જેમી ઓવરટને ચોથા બોલે સિક્સર ફટકારી
- પાંચમો બોલ - જેમી ઓવરટને 2 રન લીધા
- છઠ્ઠો બોલ - જેમી ઓવરટને ફરીથી છેલ્લા બોલે 2 રન લીધા
20 ઓવરના અંતે સ્કોર 176/6 રહ્યો અને CSK 6 રનથી હારી ગયું
રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 6 રને હરાવીને પોતાનું ખાતું ખોલ્યું. રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 182 રન બનાવ્યા અને ચેન્નાઈ સુપર કિંગ્સને જીત માટે 183 રનનો લક્ષ્યાંક આપ્યો. જવાબમાં, ચેન્નાઈ સુપર કિંગ્સ ફરી એકવાર નિષ્ફળ ગઈ અને 20 ઓવરમાં છ વિકેટે 176 રન જ બનાવી શકી. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 63 રન બનાવ્યા, પરંતુ અન્ય કોઈ બેટ્સમેન ટકી શક્યો નહીં, જેના કારણે ટીમને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો. એક સમયે વિશ્વના શ્રેષ્ઠ ફિનિશર મહેન્દ્રસિંહ ધોની પણ ટીમને જીત અપાવી શક્યો નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે