ગુજરાતના કેટલા ખેડૂતોને કેટલી સહાય અપાઈ, સરકારે વિધાનસભામાં આપ્યો રિપોર્ટ સાથે આપ્યો આંકડો

Gujarat Government On Farmers : સુરેન્દ્રનગર જિલ્લામાં દાડમના વાવેતર માટે ૫૮૯ ખેડૂતોને રૂ. ૨.૪૬ કરોડથી વધુની સહાય ચૂકવાઈ... 12 દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪માં ગીર સોમનાથના ૩૯ પશુપાલકોને રૂ. ૪૨.૧૯ લાખ સહાય ચૂકવાઈ... કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં સુરત જિલ્લામાં અંદાજે ૫,૨૩૧ ખેડૂતોને લાભ અપાયો
 

ગુજરાતના કેટલા ખેડૂતોને કેટલી સહાય અપાઈ, સરકારે વિધાનસભામાં આપ્યો રિપોર્ટ સાથે આપ્યો આંકડો

Agriculture News : હાલ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. જેમાં સરકારના મંત્રીઓએ ગુજરાતના ખેડૂતોને કઈ કઈ યોજનામાં કેટલી સહાય ચૂકવવામાં આવે છે તેના આંકડા આપ્યા. કૃષિ મંત્રી રાઘવજીએ ખેડૂતો સાથે પશુપાલકોને પણ કેટલી સહાય ચૂકવાઈ તે આંકડા પણ રજૂ કર્યાં.  

સુરેન્દ્રનગર જિલ્લામાં દાડમના વાવેતર માટે ૫૮૯  ખેડૂતોને રૂ. ૨.૪૬ કરોડથી વધુની સહાય ચૂકવાઈ
વિધાનસભા ગૃહમાં સભ્ય દ્વારા દાડમ પાકના વાવેતર અંગે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં દાડમ પાકના ઉત્પાદનની અનુકુળતાને ધ્યાને લઈને રાજ્યના ખેડૂતોને દાડમના વાવેતર માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. દાડમની બજારમાં સારી માંગ રહેતી હોવાથી ખેડૂતોની આવકમાં પણ વધારો થાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કુલ ૫૮૯  ખેડૂત લાભાર્થીઓને રૂ. ૨,૪૬,૬૬,૮૨૦ ની સહાય ચૂકવવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં દાડમ પાકનું પુષ્કળ વાવેતર થઈ રહ્યું છે. વર્ષ ૨૦૨૩-૨૪માં જ સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ૧,૭૯૪ હેક્ટર વિસ્તારમાં દાડમનું વાવેતર અને ૧૮,૧૧૯ મેટ્રિક ટન દાડમનું ઉત્પાદન થયું હતું. 

સહાયના ધોરણ અંગે પૂછાયેલા પૂરક પ્રશ્નનના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે, દાડમના રોપાની કિંમત સંકલિત જીવાત નિયંત્રણ તથા સંકલિત પોષણ વ્યવસ્થાપનના પ્રતિ હેક્ટર રૂ. ૭૧,૬૪૦ ના ખર્ચને ધ્યાનમાં રાખીને સામાન્ય જાતિના ખેડૂતો માટે ખર્ચના ૫૫ ટકા મુજબ મહત્તમ રૂ. ૩૯,૪૦૨ ચૂકવાય છે. આ ઉપરાંત અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ખર્ચના ૭૫ ટકા મુજબ મહત્તમ રૂ. ૫૩,૭૩૦ તથા અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ખર્ચના ૬૫ ટકા મુજબ મહત્તમ રૂ. ૪૬,૫૬૬ પ્રતિ હેક્ટર આપવામાં આવે છે. આ યોજના હેઠળ લાભાર્થી દીઠ ચાર હેક્ટરની મર્યાદામાં આજીવન એક જ વાર સહાય આપવામાં આવે છે, તેમ કૃષિ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

પશુપાલકોને રૂ. ૪૨.૧૯ લાખ સહાય ચૂકવાઈ
પશુપાલન મંત્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, વર્ષોથી ખેતી અને પશુપાલન એકબીજાના પૂરક વ્યવસાય રહ્યા છે. સમયાંતરે દૂધની વધતી જતી માંગ અને તેના વેચાણ દ્વારા મળતા આર્થિક લાભને કારણે આજે પશુપાલન એક સ્વતંત્ર વ્યવસાય તરીકે ઉભરી આવ્યો છે. ખેડૂતો પશુપાલન વ્યવસાય થકી મહત્તમ આવક મેળવી શકે તે માટે ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૮-૧૯થી “૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના” અમલમાં મૂકી હતી. આ યોજના હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના ૩૯ પશુપાલકોને કુલ રૂ. ૪૨.૧૯ લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી હતી. આ યોજના હેઠળ પશુપાલકોને ૧૨ દૂધાળા પશુની ખરીદી માટે મેળવેલ બેંક ધિરાણ પર પાંચ વર્ષ સુધી વ્યાજ સહાય, ડેરી ફાર્મ સ્થાપનાના પહેલા ત્રણ વર્ષના પશુ વિમાના પ્રિમિયમ પર સહાય, કેટલ શેડ બાંધકામ પર સહાય, ઇલેકટ્રીક ચાફકટર, મીલ્કીંગ મશીન અને ફોગર સીસ્ટમ ખરીદી પર સહાય આપવામાં આવે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
 
સુરત જિલ્લામાં અંદાજે ૫,૨૩૧ ખેડૂતોને લાભ અપાયો
રાજ્યના આદિજાતિ ખેડૂતોને આધુનિક તેમજ બાગાયત ખેતી તરફ વાળવા સરકાર સતત પ્રયત્નશીલ છે.જેના ભાગરૂપે કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં સુરત જિલ્લામાં અંદાજે ૫,૨૩૧ આદિજાતિ ખેડૂતોને લાભ આપવામાં આવ્યો છે. આ યોજના હેઠળ સુરત જિલ્લાના ઉમરપાડા, મહુવા, માંગરોળ અને બારડોલી તાલુકાના આદિજાતિ ખેડૂતોનો સમાવેશ થાય છે તેમ,આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા આદિજાતિ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું. 

આદિજાતિ મંત્રી ડૉ. ડિંડોરે કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સહિત સમગ્ર વિશ્વમાં 'આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ' તરીકે ઉજવવામાં આવ્યું છે. જ્યારે ચાલુ વર્ષે મેદસ્વીતા મુક્ત ભારત અભિયાનનું વડાપ્રધાન શ્રી મોદી દ્વારા આહવાન કરવામાં આવ્યું છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'મેદસ્વીતા મુક્ત ગુજરાત'ના સંકલ્પ સાથે અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. આ અભિયાનને વધુ બળ આપવા આદિજાતિ ખેડૂતોને અડદ, તુવેર, જુવાર જેવા કઠોળની ખેતી માટે વિશેષ સહાય આપવામાં આવે છે. આ ખેડૂતો પરંપરાગત ખેતીથી બાગાયત ખેતી કરતા થાય તે માટે છેલ્લા ત્રણ વર્ષમાં કારેલા,ભીંડા,રીંગણ અને ટામેટા વગેરે શાકભાજી માટે બિયારણ સહાય આપવામાં આવે છે. 

મંત્રીએ પેટા પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું હતું કે, કૃષિ પાક માટે આદિજાતિ ખેડૂતોને સમયસર ગુણવત્તા યુક્ત બિયારણ અને ખાતર મળી રહે તે માટે અંદાજે રૂ.૫૩,૦૦ની કિંમતની કીટ વિના મુલ્યે આપવામાં આવે છે.આ કીટમાં ખાતર સ્વરૂપે DAP , પ્રોમ અને નેનો  યુરિયા પણ આપવામાં આવે છે તેમ, મંત્રીશ્રીએ ગૃહમાં વિગતો આપતાં ઉમેર્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news