ગુજરાત કોંગ્રેસમાં મોટી હલચલ, 7 નેતાઓને અચાનક દિલ્હી બોલાવી લેવાયા
Gujarat Congress New President : ગુજરાત કોંગ્રેસના 7 નેતાઓને હાઈકમાન્ડનું તેડું આવ્યું. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથે બેઠક કરશે, નવા પ્રદેશ પ્રમુખ અંગે નિર્ણય થઈ શકે
Trending Photos
Gujarat Politics ; ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારની તૈયારી તેજ બની છે. કારણ કે, ગુજરાતના નેતાઓને અચાનક દિલ્હીનું તેડું આવ્યુ છે. મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીની હાજરીમાં બેઠક યોજાશે. જેમાં શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી જેવા દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે.
આ નેતાઓને દિલ્હી બોલાવાયા
શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી, ગેનીબેન ઠાકોર, શૈલેષ પરમાર
ગુજરાત કોંગ્રેસમાં હાલ સુકાની જ નથી. ધરીધોણી વગરના ગુજરાત કોંગ્રેસમાં આ કાંટાળો તાજ કોણ પહેરશે તેના પર મોટો પ્રશ્નાર્થ છે. આંતરિક સૂત્રો એમ પણ કહે છે કે, કેટલાક નેતા પ્રદેશ પ્રમુખ બનવા માટે તૈયાર નથી. તેમાં પણ વિસાવદર અને કડીની પેટાચૂંટણીમાં હાર બાદ હવે કોણ જવાબદારી લેશે તે મોટો સવાલ છે.
આ વચ્ચે ગુજરાત કોંગ્રેસમાં પાટીદાર પ્રદેશ પ્રમુખની પણ માંગ ઉઠી છે. પાટીદાર નેતાઓ પોતાના સમાજના નેતાને પ્રમુખ પદ મળે તે માટે છેક દિલ્હી સુધી રજૂઆત કરી ચૂક્યા છે. પાટીદાર નેતાઓ આ માટે લોબિંગ કરી રહ્યાં છે. ત્યારે હવે દિલ્હીની બેઠકમાં શું નિર્ણય લેવાય છે અને કોનું નામ પસંદ કરાય છે તે સસ્પેન્સ બન્યું છે.
આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં પણ મોટાપાયે ફેરફાર થાય તેવી ચર્ચા છે. કારણ કે, છેલ્લા કેટલાક સમયથી લગ્નના ઘોડા અને રેસના ઘોડાની ટિપ્પણીને લઈને વિવાદ વકર્યો છે. આવામાં સંગઠનમાં પણ ફેરફાર થવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ ગુજરાત કોંગ્રેસમાં નવું નેતૃત્વ અને સંગઠનાત્મક ફેરફારોની અપેક્ષા છે. 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીએ સંગઠનને મજબૂત કરવા માટે પહેલેથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ બેઠક ગુજરાત કોંગ્રેસના ભાવિ માટે એક નિર્ણાયક પગલું ગણાઈ રહી છે.
આ નામ સૌથી વધુ ચર્ચામાં
ગેનીબેન ઠાકોર અને પરેશ ધાનાણીએ પ્રભારી વાસનિક અને શક્તિસિંહની પસંદ રહી છે જ્યારે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને લાલજી દેસાઈ હાઈકમાન્ડની લિસ્ટમાં ટોપ પર છે. અમિત ચાવડા પણ પ્રદેશ પ્રમુખની રેસમાં ટોચ પર રહ્યા છે.
પાટીદાર પ્રમુખની માંગ ઉઠી
પાટીદાર નેતાને પાર્ટીની કમાન સોંપાય તેવી પ્રબળ શક્યતાઓ છે. લાંબા સમયથી પક્ષમાં પાટીદાર નેતાને પ્રમુખ બનાવાય તેવી માંગ ઉઠતી રહી છે. સાથે જ કોંગ્રેસમાં પાટીદાર નેતાઓની સતત અવગણના થઈ રહી છે તેવી પણ કાનાફૂસી થઈ રહી છે. આવામાં હવે પાટીદાર નેતા જ પ્રમુખ પદે આવે તેવી શક્યતાઓ વધી ગઈ છે. પક્ષના પાટીદાર નેતાઓ પાર્ટીની કમાન પાટીદાર નેતાને સોંપાય તેવી માંગ કરી રહ્યાં છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી બે ચાર દિવસમાં પ્રદેશ કોંગ્રેસ સમિતીએ પાટીદાર નેતાઓની એક બેઠક મળવાની છે. જેમાં તમામ પાસાઓની ચર્ચા કરાશે. પાટીદાર નેતાઓ દિલ્હી જઈને રાહુલ ગાંધીને મળીને આ મુદ્દે રજૂઆત પણ કરશે.
આમ, પાટીદારોએ પણ પ્રદેશ પ્રમુખપદને લઈને મોરચો ખોલ્યો છે. પાટીદાર નેતાઓએ ગાંધીનગરમાં પણ બેઠક કરી હતી, જેમાં પક્ષના ધારાસભ્યો અને નેતાઓ મળ્યા હતા. જેમાં પણ એકસૂર હતો કે, પાટીદારને કોંગ્રેસમાં પ્રતિનિધિત્વ મળતું નથી. તેથી હવે પાટીદાર નેતાને તક આપવી જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે