'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, પાંચ લાખ માંગે છે...'
Gandhinagar News: અનેક ગુનાઓમાં સંડોવાયેલા માથાભારે તત્વને અમરેલી પોલીસે તાત્કાલિક બોલાવીને પોલીસની ભાષામાં સમાજ આપી ને ખેડૂતનું દુઃખ દૂર કર્યું. અમરેલી પોલીસની આ ત્વરિત અને અસરકારક કામગીરીએ ગુજરાત પોલીસની નાગરિકોની સુરક્ષા અને ન્યાય પ્રત્યેની પ્રતિબદ્ધતાને ફરી એકવાર ઉજાગર કરી.
Trending Photos
Gandhinagar News: ગુજરાત પોલીસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યના નાગરિકોને અસામાજિક તત્વોથી રક્ષણ આપવા સતત પ્રયત્નશીલ છે. આવો જ એક કિસ્સો અમરેલી જિલ્લામાંથી સામે આવ્યો છે, જ્યાં એક ખેડૂતને હેરાન કરતા માથાભારે શખ્સ સામે પોલીસે તાત્કાલિક પગલાં લઈ ભોળા અને નિર્દોષ ખેડૂતની ૧૦ વીઘા જમીન પરત કરાવી છે.
ઘટનાની વિગતો અનુસાર, તા. ૨૯/૦૬/૨૦૨૫ના રોજ અમરેલી જિલ્લાના ભૂતપૂર્વ પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય દ્વારા હાલના પોલીસ અધિક્ષક સંજય ખરાતને એક મેસેજ પ્રાપ્ત થયો હતો. આ મેસેજમાં ભોગબનનાર ખેડૂતે જણાવ્યું હતું કે, "સાહેબ, મુન્નો રબારીકા અમને ખોટે ખોટા હેરાન કરે છે. અમારી જમીન અમારે ખાતે નથી થવા દેતો. જો જમીન ખાતે કરવી હોય તો રૂ. ૫,૦૦,૦૦૦/- આપવા પડશે." આ મેસેજના આધારે અમરેલી પોલીસે તાત્કાલિક ભોગબનનારનો સંપર્ક કર્યો હતો.
આરોપી શીવરાજ ઉર્ફે મુન્નો રામકુભાઈ વીછીયા (રહે. રબારીકા, તા. જેસર, જિ. ભાવનગર)ની ઓળખ થઈ, જે ૨૦૨૦માં ગુજરાત આતંકવાદ અને સંગઠિત અપરાધ નિયંત્રણ (GUJCTOC) અધિનિયમ હેઠળના કેસમાં આરોપી છે. તેના નામે ખૂન, ખંડણી, ધાક-ધમકી, પચાવી પાડવા અને પ્રોહિબિશન સહિત કુલ ૧૩ ગુનાઓ નોંધાયેલા છે. આરોપીએ ભોગબનનાર બાલાભાઈ જીવાભાઈ બાખલકીયા (રહે. ઈંટીયા, તા. જેસર, જિ. ભાવનગર) અને જમીન વેચનાર રવજીભાઈ શામજીભાઈ જસાણીને ધમકી આપીને બંને પાસેથી રૂ. ૫ લાખની માંગણી કરી રહ્યો હતો.
અમરેલી જિલ્લા પોલીસે તાત્કાલિક ભોગબનનાર અને જમીન વેચનારનો સંપર્ક કરી, તેમને ધાક-ધમકીથી ડરવાની જરૂર નથી તેમ જણાવી સંપૂર્ણ સહકાર આપ્યો. અમરેલી પોલીસે આરોપી શીવરાજને પોલીસની ભાષામાં કડક સમજ આપી, જેના પરિણામે તેણે આ પ્રકરણમાંથી પોતાને અલગ કરી દીધો. આના લીધે ભોગબનનારના વડીલોએ ૩૦ વર્ષ પહેલાં વેચેલી ૧૦ વીઘા જમીનનો દસ્તાવેજ, જે અસામાજિક તત્વોના ડરથી અટકી ગયો હતો, તે તાજેતરમાં ભોગબનનાર ખેડૂતના નામે થઈ શક્યો.
અમરેલી પોલીસના આ પગલાંથી ભોગબનનારનો આત્મવિશ્વાસ વધ્યો અને તેઓ હવે જમીનના આધારે ધિરાણ લઈ, પોતાના વિકાસ માટે આગળ વધી શકશે. ભોગબનનારે જણાવ્યું કે તેમને ન્યાય મળી ગયો છે, જેથી તેઓએ આરોપી સામે ફરિયાદ નોંધાવવાની જરૂર લાગતી નથી.
અમરેલી પોલીસની આ ત્વરિત અને અસરકારક કામગીરીએ ગુજરાત પોલીસની નાગરિકોની સુરક્ષા અને ન્યાય પ્રત્યેની પ્રતિબદ્ધતાને ફરી એકવાર ઉજાગર કરી છે, તે બદલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમરેલી પોલીસને અભિનંદન પાઠવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે