ભાજપમાં સાઈડલાઈન થયેલા આ પૂર્વ મંત્રીમાં અચાનક પાવર આવ્યો, ઈટાલિયાની જીત બાદ એક્ટિવ થયા
Jawahar Chavda Active ; પેટાચૂંટણીમાં તો ફરક્યાં નહીં, હવે જવાહર ચાવડાનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું. ભાજપના રાજકારણમાં કંઈક નવાજૂની થશે, ઈટાલિયાની જીત પછી જવાહર ચાવડા સજીવન થયા
Trending Photos
Gopal Italia : વિસાવદરની પેટાચૂંટણીમાં જીત ગોપાલ ઇટાલીયાની થઇ અને જયકાર જવાહર ચાવડાનો થયો હતો. વિસાવદર બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલીયાનો વિજય થયો હતો, તેના બાદથી સોશિયલ મીડિયા પર એક જ વીડિયો ફરતો થયો હતો. જેમાં ગોપાલ ઇટાલીયા સાથે તેમના સમર્થકો પુર્વ કેબીનેટ મંત્રી જવાહર ચાવડાના જય જય કારના નારા લગાવ્યા હતા, આ વીડિયોએ રાજકીય ગલિયારાઓમાં ભારે ચર્ચા જગાવી હતી. ત્યારે પેટાચૂંટણીના એક મહિનાના બાદ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરા ચાવડા ફરી રાજકારણમાં સક્રિય થયા છે.
વિસાવદરની પેટાચૂંટણીથી જાણે જવાહર ચાવડામાં નવો જોમ ભરાયો હોય તેમ તેઓ ફરી એક્ટિવ જોવા મળ્યા છે. ભાજપમાં સાઈડલાઈન કરાયેલા આ પૂર્વ મંત્રીમાં અચાનક પાવર આવ્યો હોય તેવું લાગે છે. જવાહર ચાવડાએ એકાએક બેઠકોનો દોર શરૂ કર્યો છે. જેને કારણે ભાજપની રાજકીય ગલિયારાઓમાં ચર્ચાઓ ફરી તેજ બની છે.
જવાહર ચાવડાએ વિસાવદર, વંથલી, માણાવદર પંથકમાં બેઠકોના દોર શરૂ કર્યો છે. વિસાવદરના વડાળા, દાદર, મોણિયા, લેરિયા, લાલપર, વેકરીયામાં ગામના અગ્રણીઓ અને આગેવાનોની મુલાકાત લીધી હતી. જેતલવડ, ઘોડાસણ, જાંબુડા, પિયાવા અને રામપરા સહિત ગામોના અગ્રણીઓ અને આગેવાનોની મુલાકાત લીધી હતી. તેમજ જાંબુડા ગામમાં આયોજિત આહીર સમાજના કાર્યક્રમમાં પણ જવાહર ચાવડાએ હાજરી આપી.
અચાનક સળવળાટ થતા પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ જણાવ્યું કે, અમે સવારે વડાળા ગામથી શરૂ કરી 10મું ગામ જાંબુડા આવ્યા છીએ. હજી અનેક ગામોમાં જઈશું. કોઈ ગામ રહી જશે તો ફરી પાછા આવીશું. તમારો પ્રેમ તમારો ઉત્સાહ જોતો આવું છું. વિસાવદમાં તમે સંગઠિત થયા છો, સંગઠનની તાકાત વિસાવદરની હદમાં થઈ છે. તમારે જ્યાં જરૂર પડે ત્યાં હું ઉભો છું. નવા વ્યવહાર અને સંબંધો શરૂ થયા છે. તમે યાદ રાખજો જ્યાં જરૂર પડશે ત્યાં હું ઉભો રહીશ.
ભાજપમાં એકલા પડી ગયા જવાહર ચાવડા
પેટાચૂંટણી વિસાવદરમાં હતી અને જવાહર ચાવડાનું કાર્યક્ષેત્ર કેશોદ છે. તેમ છતાં પેટાચૂંટણીના પ્રચારમાં જવાહર ચાવડા છવાયેલા રહ્યા. કારણ કે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ અને જવાહર ચાવડા વચ્ચેની રાજકીય કડવાશ જગજાહેર છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડાને કોઈ મોટી તક ન મળે એ માટે કિરીટ પટેલે થઈ શકે એ તમામ પેરવી કરી હોવાનું કહેવાય છે. જવાહર ચાવડાને સ્થાનિક કે જિલ્લાના કાર્યક્રમોમાં આમંત્રણ ન આપવાથી માંડીને તેમની સાથે સલામત અંતર રાખવાની કડક તાકિદને લીધે ભાજપના કાર્યકરો પણ દૂર રહેતા હતા. આથી દિગ્ગજ નેતા એકલા પડી ગયા હોવાની છાપ ઉપસે છે.
વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જીત્યા પછી ગોપાલ ઈટાલિયાએ છેલ્લો એક દાવ પણ ખેલી નાંખ્યો અને પોતાના વિજય સરઘસમાં તેમણે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા દિગ્ગજ નેતા જવાહર ચાવડા માટે જિંદાબાદના નારા પોકાર્યા. જૂનાગઢ જિલ્લાની રાજનીતિને ઝીણી નજરે જોનારાંનાં મતે જવાહર ચાવડાને આમઆદમી પાર્ટીમાં જોડાવાનું આ આડકતરું નિમંત્રણ હોઈ શકે. પરંતું આ વચ્ચે જ એકાએક જવાહર ચાવડા એક્ટિવ થયા તે જોતા કંઈક નવાજૂની થાય તે નક્કી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે