'દિલ્હી કા બટર ચિકન, કાશ્મીર કી વાઝવાન બિરયાની', હવે આપણા રાજકોટમાં મળશે! આ જાહેરાતથી વિવાદ
Rajkot News: રાજકોટમાં ખાનગી કંપની દ્વારા વિવાદિત જાહેરાતોને પગલે લોકોમાં રોષ વ્યાપ્યો છે. જેમાં ZOMATO દ્વારા ચિકન વેચાણની જાહેરાતો લગાવવામાં આવતા હોબાળો મચ્યો છે.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: રાજકોટમાં ફૂડ ડિલિવરી કંપની દ્વારા નોનવેજના ક્રિઓસ્ક લગાવવામાં આવતા વિવાદ શરૂ થયો છે. શહેરના જિલ્લા પંચાયત ચોકમાં આવેલ સ્માર્ટ બસ સ્ટોપ પર ફૂડ ડિલિવરી કંપની ZOMATO દ્વારા બટર ચિકન અને બિરયાનીની જાહેરાત કરતા ક્રિઓસ્ક લગાવતા ધાર્મિક લાગણી દુભાઈ હતી.
ભાજપના કાર્યકર દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરને ફોન કરી ક્રિઓસ્ક અંગે જાણ કરી હતી. જોકે તાત્કાલિક અસર થી આ ક્રિઓસ્ક દૂર કરવા આદેશ છૂટ્યા હતા. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે કહ્યું હતું કે, રાજકોટ રંગીલું અને સાંસ્કૃતિક શહેર છે. મટન અને ચિકન જેવી જાહેરાતો જાહેર સ્થળો પર કરવામાં આવે તે યોગ્ય નથી. તાત્કાલિક અસર થી આવી જાહેરાતો હટાવવા આદેશ આપવામાં આવ્યા છે અને જે એડ એજન્સી દ્વારા આ ક્રિઓસ્ક લગાવ્યા છે તેને પણ નોટિસ ફટકારવામાં આવી છે.
તો બીજી તરફ કોંગ્રેસે કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાનું એસ્ટેટ વિભાગ નાના ધંધાર્થીઓના બેનરો હોઈ તો લઈ જાય છે પરંતુ સ્માર્ટ બસ સ્ટોપમાં નોનવેજની જાહેરાત લગાવવામાં આવી તો ધ્યાને ન આવી કે પછી રૂપિયા કમાવવાની લાલચમાં અધિકારીઓએ લગાવવા દીધી. આ જાહેરાત અંગે તપાસ થવી જોઈએ અને આગામી દિવસોમાં મ્યુ. કમિશ્નર સમક્ષ અમે આ અંગે વિરોધ પણ કરીશું.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં અનેક વિસ્તારોમાં નોનવેજની રેસ્ટોરન્ટો અને લારીઓ ધમધમે છે. પરંતુ તે બંધ કરવામાં તંત્ર નિષ્ફળ ગયું છે અને ક્રિઓસ્ક કઢાવી પોતાને શુરા સમજી રહી છે. ધાર્મિક લાગણી દુભાતી હોઈ તો આગેવાનોએ આગળ આવી પોલીસ ફરિયાદ નોંધાવવી જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે