સોનાની દાણચોરીનો પર્દાફાશ, મોજામાં સંતાડ્યો હતો 1.81 કરોડનો ગોલ્ડ પાઉડર, ત્રણની ધરપકડ

Vadodara News: દુબઈથી સોનાની તસ્કરી કરતા ત્રણ આરોપીઓની મુંજસર પોલીસે ધરપકડ કરી છે. આ આરોપીઓ પાસેથી 1.81 કરોડનો ગોલ્ડ પાઉડર કબજે કરવામાં આવ્યો છે. જાણો પોલીસે કઈ રીતે આરોપીને ઝડપ્યા અને આ આપરેશન પાર પાડ્યું.
 

 સોનાની દાણચોરીનો પર્દાફાશ, મોજામાં સંતાડ્યો હતો 1.81 કરોડનો ગોલ્ડ પાઉડર, ત્રણની ધરપકડ

રવિ અગ્રવાલ, વડોદરાઃ સ્મગલરો હવે નવા નવા પેંતરા અપનાવી વિદેશમાંથી સોનાની તસ્કરી કરી રહ્યા છે. ત્યારે આ સ્મગલરો એવા એવા ગજબના આઈડિયાઓ અપનાવી રહ્યા છે કે, જેની સામે એરપોર્ટની કડક સિક્ટોરિટી પણ ફેલ થઈ જાય છે, જોકે તેઓની એક માત્ર ભૂલ તેમને જેલ ભેગા કરાવી દે છે. ત્યારે આવો જ એક સોનાની તસ્કરીનો ગજબનો કિસ્સો હાલમાં વડોદરાથી સામે આવ્યો છે.

ત્યારે વાત કરીએ તો વડોદરાની મંજુસર પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે કેટલાક શખ્સો દુબઈથી સોનાની દાણચોરી કરીને અમદાવાદથી વડોદરા તરફ આવી રહ્યા છે.. ત્યારે આ માહિતીના આધારે પોલીસ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે વોચમાં હતી.. ત્યારે સોનાની દાણચોરી કરનારા ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે....જેમાં રમણભાઈ પ્રજાપતિ, વિપુલ પટેલ અને હરીશચંદ્ર સોલંકીને ઝડપીને દુમાડ પોલીસ ચોકી લાવીને તેમની પાસેની બેગમાં સઘન ચેકિંગ કરતાં વિદેશી દારૂની બોટલો, વિવિધ બ્રાન્ડની ઈ-સિગારેટનો અને મોજામાં છુપાવેલું 1.81 કરોડ રૂપિયાની કિંમતનું 1.8 કિલોગ્રામ સોનું પકડી પાડ્યું છે. આ ઉપરાંત લેપટોપ, કપડાં, ચોકલેટ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ દાણચોરો સોનાનો પાવડર બનાવીને તેમાં કેમિકલ ભેળવી દેતા હતા, જેથી એરપોર્ટ પરના સ્કેનિંગ મશીનોમાં તે પકડાઈ ન શકે. આ રીતે તેઓ ભારતમાં કસ્ટમ એક્સાઈઝ ડ્યુટી ભર્યા વિના સોનાની હેરાફેરી કરતા હતા. તેમજ પોલીસની સઘન પૂછપરછ દરમિયાન આરોપી વિપુલ અને હરીશચંદ્રે જણાવ્યું કે વિદેશી દારૂ અબુધાબી ઇન્ટરનેશનલ એરપોર્ટ અને અમદાવાદ એરપોર્ટથી ખરીદ્યો હતો. તેમજ ઈ-સિગરેટ દુબઈ અબુધાબી એરપોર્ટથી ખરીદીને અશોક પ્રજાપતિને આપવાની હતી. જ્યારે અમદાવાદના રખિયાલના સુબુરઆલમ ગૌરઆલમ રાજપુતે દુબઈ ખાતેથી સોનું ખરીદીને તેમના પગના મોજામાં સંતાડીને દુબઈથી અમદાવાદ લાવ્યા હતા. સુબુર આલમે તેની પાસે રહેલું સોનું વિપુલ પટેલને આપીને અશોક પ્રજાપતિને આપવાનું જણાવ્યું હતું. પોલીસે સુબુરઆલમ રાજપૂતને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેને ઝડપી પાડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસે અશોક રમણભાઈ પ્રજાપતિ, વિપુલ પટેલ અને હરીશચંદ્ર સોલંકીની ધરપકડ કરીને આ સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ ઝડપાયેલા સોનાની દાણચોરીના કેસથી સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે. ત્યારે પોલીસે દુબઈથી કેટલી વખત સોનું મંગાવવામાં આવ્યું હતું અને આ રેકેટમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news