ગુજરાતના આંગણે આજથી મહાકુંભ જેવો ધર્મ ઉત્સવ, હોંશેહોંશે નર્મદા પરિક્રમા જતા પહેલા આ જરૂર જાણી લેજો
Narmada Parikrama : આજથી નર્મદા નદીની ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા 2025 નો પ્રારંભ થવા જઈ રહ્યો છે... આ પરિક્રમા કરતા પહેલા ભક્તોએ નદી અને પરિક્રમાનું મહત્વ અવશ્ય જાણી લેવું
Trending Photos
Narmada Parikrama : જયેશ દોશી/નર્મદા : નર્મદે હર... ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા-૨૦૨૫. ભારતની મુખ્ય નદીઓમાં નર્મદા નદીનું આગવું મહત્વ છે નર્મદા પરિક્રમાની પુરાણોમાં ઉલ્લેખ અને જાણકારી વિદ્યમાન છે. નર્મદા શબ્દની ઉત્પતિ નર્મ અર્થાત આનંદ અને દા અર્થાત દેનારી જળદેવી નર્મદા મૈયા છે. સ્કંદપુરાણના અનેક ગ્રંથોમાં વિસ્તૃત જાણકારી ઉપલબ્ધ છે. ચૈત્ર માસમાં નર્મદા નદીની પરિક્રમાનું મહત્વ બતાવ્યું છે. આ પરિક્રમાને ઉત્તરવાહિની પંચકોશી કહેવામાં આવે છે
ઉત્તરવાહીની પરિક્રમા રામપુરા, કીડીમકોડી ઘાટ, રણછોડરાયના મંદિરથી પ્રારંભ થઈને માંગરોળ, ગુવાર, શહેરાવ, તિલકવાડા ઘાટ, રેંગણ-વાસણ ગામ થઇને નર્મદા નદી બોટ મારફત પાર કરી પરત રામપુરા ઘાટ પર સ્નાન કરીને પરિક્રમા અંદાજે ૧૪ કિ.મી. પૂરી થાય છે
ચૈત્ર માસમાં ૨૯મી માર્ચ-૨૦૨૫ આજ થી ૨૭મી એપ્રિલ-૨૦૨૫ સુધી એક મહિનો આ પરિક્રમા યોજાનાર છે જેમાં હજારો લાખોની સંખ્યામાં ભાવિકો શ્રદ્ધાળુઓ આ પગપાળા પરિક્રમા કરે છે અને પરિક્રમાના રૂટમાં આવતા પ્રાચીન મંદિરો, આશ્રમોના દર્શન પ્રસાદનો લાભ લે છે. પરિક્રમા વહેલી સવારથી શરૂ થાય છે અને રાત્રી દરમિયાન પણ પદયાત્રા ભાવિકો અનુકૂળ સમય પરિક્રમા કરી શકે છે
પરિક્રમાના સમગ્ર રૂટ ઉપર લાઈટ, પાણી, બેસવાની વ્યવસ્થા, ડોમ, ચાર ઘાટ પર બેરિકેટીંગ, સીસીટીવી કેમેરા, છાયડો, આરોગ્ય, પીવાના પાણીની સુવિધા, પોલીસ બંદોબસ્ત સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સેવા કેન્દ્રો, સ્ટોલ, ટોયલેટ સુવિધા સ્નાન માટે બાથરૂમ, ફુવારા વગેરે વ્યવસ્થા પણ ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂા.૩.૮૨ કરોડના ખર્ચે ઉભી કરવામાં આવી છે આકર્ષક કમાનવાળા ગેટ, સાઇન બોર્ડની સુવિધા ટૂંકમાં પદયાત્રીને ક્યાંક મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવાઇ છે.
મધ્યપ્રદેશના અમરકંટક ઉદગમ સ્થાનમાંથી નીકળી છોટાઉદેપુરના કવાંટ તાલુકાના હાફેશ્વર મહાદેવથી ગુજરાતમાં પવિત્ર નર્મદા મૈયા પ્રવેશ કરે છે શૂળપાણેશ્વર મહાદેવ મંદિર, સરદાર સરોવર ડેમના તટીય વિસ્તાર રેવાના તીરે ખળખળ નિર્મળ પવિત્ર વિશાળ જળરાશીથી વહીને ગોરા ઘાટ, રામપુરા, શહેરાવ, તિલકવાડા થઈને વડોદરા જિલ્લામાંથી પસાર થઇ ભરૂચ પાસે વમલેશ્વર ગામ પાસે ખંભાતના અખાતને મળે છે
- મધ્યપ્રદેશ-મહારાષ્ટ્ર-ગુજરાત માટે નર્મદા નદી પારસમણી સમાન
- ગુજરાતની જીવાદોરી નર્મદાના નીર કેવડિયાથી કચ્છ સુધી પીવાનું અને સિંચાઈ પાણી વિશાળ નહેરોના નેટવર્કથી પહોંચ્યું ખેતરે-ખેતરે હરિયાળી લહેરાઈ
- રેવાના કાંઠે સભ્ય સંસ્કૃતિ આધ્યાત્મક ધર્મ, ભક્તિ, શ્રદ્ધા, આસ્થાના આશ્રમો, પ્રકૃતિ અને પ્રવાસન પુર બહારમાં ખીલી ઉઠ્યુ : ૧૮૨ મીટરની સરદાર સાહેબની પ્રતિમા વિશ્વ નકશા પર અંકિત થયું
- ‘‘નર્મદે સર્વદે સૌને સુખ દે’’ સૂત્ર નર્મદા મૈયાએ સ્વપ્ન નહીં હકીકતમાં તબદિલ કર્યું : મનમોહક નર્મદા દર્શનથી લોકો પાવન થાય છે
- નદી કિનારે નારિયેળી રે ભાઈ નારિયેળી રે... હેજી મારે નર્મદા મૈયા...ઉત્તરવાહિની પરિક્રમા ને કાજ રે... ભાઈ નારિયેળી રે...
દુનિયામાં ભારતીય સંસ્કૃતિ પ્રાચીન અને આગવી ઓળખ ધરાવે છે સાથે-સાથે ભારતીય માનવ સંસ્કૃતિ સભ્યતાનો પણ ભવ્ય ઇતિહાસ અને વારસો ધરતીનો ધબકાર ધબકતો રહ્યો છે. વેદ, ઉપનિષદ, રામાયણ-મહાભારત કાળનો પ્રાગ ઈતિહાસ આંખે ઉડીને વળગે તેવો ઉજળો અને ભવ્ય રહ્યો છે. નાલંદા અને તક્ષશિલા, ગુરુકુળ-આશ્રમો વિદ્યાના કેન્દ્રો રહ્યા છે. યોગ આધ્યાત્મ, ધર્મ, વર્ણ, વ્યવસ્થા વિકસિત હતી. કાળક્રમે તેમાં બદલાવ આવ્યો. ઇતિહાસમાં કથાવાર્તા ધરબાયેલી રહી છે. સમયની માંગ અને પરિવર્તનના કારણે કાળક્રમ બદલાતો ચાલ્યો. ભારતીય માનવ સંસ્કૃતિ જગતમાં આગવી-નોખી નિરાળી છાપ ધરાવે છે જે દુનિયાના અન્ય દેશોમાં નથી જોવા મળતી વિવિધતામાં એકતાના દર્શન કરાવે છે. સદભાવના ભાઈચારો આદર સત્કાર દરેક ધર્મનું મૂળ છે. ઉત્સવો વાર તહેવારે ભારતીય સંસ્કૃતિમાં જોવા મળે છે.
પ્રાચીન માનવ સંસ્કૃતિ નદી-સરોવર-પહાડો-મેદાનોમાં પાંગરી છે. વિકસિત થઈ છે. નદીને લોકમાતા કહી છે. દરેક લોકોનો અધિકાર એટલે જ તેની આસપાસ માનવી-પશુ-પક્ષી-જળચર પ્રાણી, નદીના નિરમા વિકસિત થઈ માનવીના હીર સાથે ફાલીફૂલીને વિકસિત થતી આવી છે. આદિમાનવોનો વસવાટ પણ જળ-જંગલના- પહાડો-મેદાનોમાં થયો હોવાનું પુરાણોમાં પ્રસિદ્ધ છે. આદિમાનવ એ અગ્નિ પેટાવી ખોરાક-પાણી અને શિકાર કરીને જંગલના ફળ-ફૂલ-કંદ ખાઈને જીવન ગુજારતો હતો અને કાળક્રમે ચક્રની શોધ પથ્થરના ઓજાર- ધાતુના ઓજાર બનાવી ખેતીની શરૂઆત કરી પ્રગતિની પગદંડી શરૂ કરી આજે, માનવી અંતરીક્ષ, અવકાશમાં ઘુમતો થયો છે, શહેર અને નગરોનો તેજ ગતિએ વિકાસ થયો છે. ઇન્ફ્રાસ્ટ્રકચર અને ભૌતિક સુખ સુવિધામાં અનેક ગણો વધારો થયો છે. માનવીએ ઘણી પ્રગતિ કરી છે. છતાં શાંતિ, આધ્યાત્મિકતા, યોગ, નિજાનંદ, તપ, ધ્યાન, પ્રકૃતિ સાથે કદમ મિલાવવા તે વેદ, ઉપનિષદ અને ભારતીય સંસ્કૃતિ, ગ્રંથોનો સહારો ગ્રામીણ ક્ષેત્રના મંદિરો, મેળા-ઉત્સવો, પદયાત્રા, નૈસર્ગીક કુદરતના ખોળે પાછો વળતો માનવી દેખાય છે.
આજે આપણે ભારતની મુખ્ય નદીઓમાંની એક નર્મદા મૈયાના આગવા મહત્વ અને પુરાણોમાં ઉલ્લેખ અને આગવા મહત્વ વિશે નર્મદા ઉત્તરવાહિની પંચકોશીય પરિક્રમા વિશે જાણીએ નર્મદા શબ્દની ઉત્પતિ નર્મ અર્થાત આનંદ અને દા અર્થાત દેનેવાલી (આપનારી) જળદેવી નર્મદા મૈયાની ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લામાં આવેલી પવિત્ર નર્મદા નદીની વાત કરીએ.
નર્મદા નદીનું ઉદગમ સ્થાન મધ્યપ્રદેશના સુરમ્ય અને રમણીય સ્થળ અમરકંટકથી નીકળી નર્મદા નદી પૂર્વથી પશ્વિમ તરફ વહે છે. ત્યાંથી શરૂઆત થાય છે. અહીંથી નદીઓનો પ્રવાહ મેકલ પર્વતશ્રેણીથી થઈને જાય છે તેના કારણે તેને મેકલ કન્યા પણ કહેવામાં આવી છે. અમરકંટકમાંથી એક નાની ધારા અને કેટલીક જગ્યાએ ગુપ્ત રીતે વહેવા વાળી નર્મદા મૈયાનો પ્રવાહ આગળ જતા વિશાળ જળરાશિમાં પરિવર્તિત થઈ મધ્યપ્રદેશના અનેક ગામો-શહેરો-જંગલો અને પર્વતોમાંથી ખળખળ વહેતી જઈને મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં છોટાઉદેપુરના કવાંટ તાલુકાના હાફેશ્વર મહાદેવ મંદિર, સરદાર સરોવર ડેમના તટીય વિસ્તાર રેવાના તીરે ખળખળ નિર્મળ પવિત્ર જળરાશીથી વહીને ગોરાઘાટ, રામપુરા, શહેરાવ, તિલકવાડા થઇને વડોદરા જિલ્લામાંથી પસાર થઇ ભરૂચ પાસે વમલેશ્વર ગામ પાસે ખંભાતના અખાતમાં સમુદ્રમાં સમાઇ જાય છે. આની કુલ લંબાઈ ૧૩૯૦ કિ.મી. છે. આ સફર યાત્રામાં નર્મદા મૈયા બાળ રૂપમાં તો ક્યાંક દુગ્ધધારાના રૂપમાં તો ક્યાંક સપ્તધારા (સહસ્ત્રધારા) અને કપિલધારા રૂપમાં આનંદિત કરે છે. શૂળપાણેશ્વરની ઊંચી ઊંચી સાતપુડા-વિધ્યાચળ પર્વતમાળામાં નર્મદામૈયાના પ્રવાહથી ભારત વર્ષનું માનો માનચિત્ર હી નિર્મિત થઈ ગયું છે. તો અમરકંટકમાં આના પ્રવાહથી O આકારનો દ્વિપ પણ બની ગયો છે. ભેડાઘાટમાં આના પ્રવાહથી બંનેને કિનારા પર સંગમરમરની સુંદર ચટ્ટાને મુખારીત થઈ ગઈ છે. તેનાથી નર્મદા મૈયાનું સૌંદર્ય બહુગુણિત થઈ ગયું છે. આવો સુમધુર અને પવિત્ર જળની સમસ્ત માનવસૃષ્ટિ-પ્રાણીઓની તરસ છીપાવીએ તેમના પર કાયમ કૃપા કરીએ આશીર્વાદ રાખીએ નર્મદા મૈયા નર્મદા નદી પૂર્વથી પશ્ચિમ દિશામાં અનેક પર્વત ઘાટ પાર કરીને કાળાડિબાંગ નિર્મળ જળ પ્રવાહથી વિશાળ પટ્ટમાં શર્પાકારે ખંભાતની ખાડી પાર કરીને સમુદ્રના વિશાળ જળરાશિમાં સમાઈ જાય છે, એટલે જ નર્મદા નદીને ભારત વર્ષની મુખ્ય નદી માનીને પ્રાચીન નદીઓમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભુગર્ભશાસ્ત્રના સંશોધન અનુસાર પણ આ તથ્યની પુષ્ટિ કરે છે સાથે સાથે એ પણ નોંધે છે કે, સામાન્ય રીતે નદીઓનો પ્રવાહ મોટેભાગે પશ્ચિમથી પૂર્વની દિશામાં હોય છે. પરંતુ અપવાદરૂપ માત્રને માત્ર નર્મદા અને તાપી નદીઓ જ મુખ્ય નદીઓ પૂર્વ સે પશ્ચિમ દિશામાં પ્રવાહીત થાય છે. વહે છે. લોકો તેને શિવપુત્રી (નર્મદા) તાપીને સૂર્યપુત્રી પણ કહે છે. ભારતમાં નર્મદા એકમાત્ર નદી છે કે જેની પૂર્ણ પરિક્રમા અને ઉત્તરવાહિની પંચકોશી એમ બે પ્રકારની પરિક્રમા શ્રધ્ધાળુંઓ કરે છે. પંચકોશીય ઉત્તરવાહિની પરિક્રમા એટલે રાજપીપળા નજીક જ્યા રામપુરા ઘાટ માં નર્મદાનો પ્રવાહ ઉત્તર તરફ વહે છે તે ઉત્તરવાહિની મોક્ષ પ્રદાન કરનારી પરિક્રમા જ્યારે પૂર્ણ પરિક્રમા એટલે નર્મદા નદીના ઉદગમ સ્થાનથી સમુદ્ર સંગમ સ્થાન સુધી.
જે લોકો નર્મદા નદીમાં સવારે નર્મદાના નીરથી સ્નાન કરે છે તેના પાપ નષ્ટ થઈને પાણીમાં ધોવાઈ જાય છે માં નર્મદા રેવાનો જન્મ તેજોમય લીંગ સે હુઆ જાણીને સર્વ સૃષ્ટિમાં આ ધારણા દ્રઢ થઈ કે બધા તીર્થોમાં ઇચ્છિત ફળ આપનારી નર્મદા નદી સર્વશ્રેષ્ઠ છે હર એક કંકર કંકર મે શંકર કા વાસ હૈ માં નર્મદા નદીના દર્શનથી લોકો પવિત્ર પાવનકારી થઈ જાય છે. નર્મદે હર...
જોવા જઈ એ તો નર્મદા કેવળ એક નદી ન રહેતા તેના તટ પર સ્થિત સર્વ પશુ-પંક્ષી જીવજંતુઓને સમસ્ત માનવ જાતિના કલ્યાણ કરવાવાળી જળદેવી છે. તેનું પ્રાકૃતિક સૌંદર્ય અને અલગ-અલગ રૂપ જોઈને હર કોઈનું મનમોહિત થઈ જાય તેવી મનમોહક નર્મદા મૈયા છે. તેના જળની મીઠાશ-મધુરતા ચોખ્ખાઈ આંખને ગમી જાય છે. વિશાળ મનને રિલેક્ષ, શાંત અને અલૌકિક અનુભૂતિ કરાવે છે તેના કિનારે આવેલ વનરાજી, લીલા કેળના ખેતરો, હરિયાળી, પ્રાકૃતિક સૌંદર્ય આધ્યાત્મિકતાના ભાવ, આસ્થા ,શ્રદ્ધા, વિશ્વાસ બેવડાઈ જાય છે. નદી કિનારે ઉત્તરે આવેલા પ્રાચીન મંદિરો રણછોડરાય, ધનેશ્વર મંદિર, પાંડવ ગુફા જોઇને, મંગલેશ્વર, તપોવન આશ્રમ, મારૂતિ મંદિર, ગોપારેશ્વર, રામાનંદ આશ્રમ, સિતારામ બાપા આશ્રમ, તિલકવાડા સામેના કિનારે વાસુદેવ કુટિર, ગુરૂઘર, ગૌમતેશ્વર, તિલકેશ્વર, મણિનાગેશ્વર, ખોડિયાર માતા મંદિર (ભવાની માતા મંદિર) કપિલેશ્વર જેવા પ્રાચીન ધાર્મિક મંદિરો આવેલા છે.
સમગ્ર વિશ્વમાં એકમાત્ર નર્મદા નદીની જ પરિક્રમા યોજાય છે
સમગ્ર વિશ્વમાં ૧.૫૦ લાખ, ભારતમાં ૪૦૦ અને ગુજરાતમાં અંદાજે ૧૮૫ નદીઓ છે. ભારતના દૃષ્ટિકોણથી જોઇએ, તો આપણા દેશમાં લગભગ તમામ નદીઓની પૂજા થાય છે. સૌથી પવિત્ર ગંગા નદી પર આવેલ ગંગા-યમુના-સરસ્વતી (અદૃશ્ય)ના ત્રિવેણી સંગમ પર તો મહાકુંભ મેળો યોજાય છે, પરંતુ ગુજરાત-ભારત સહિત વિશ્વમાં નર્મદા સિવાય કોઈ પણ નદીની પરિક્રમા નથી યોજાતી.
એકમાત્ર નર્મદા નદી જ એવી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે. પુરાણોમાં ઉલ્લેખ છે કે ‘ગંગા સ્નાને, યમુના પાને, નર્મદા દર્શને તથા તાપી સ્મરણે’ મુક્તિ મળે છે. એટલે કે ગંગામાં સ્નાન કરવાથી, યમુનાના જળનું પાન કરવાથી મુક્તિ મળે છે, પરંતુ નર્મદા નદીના દર્શનમાત્રથી મુક્તિ મળે છે. એટલા માટે જ લાખો લોકો નર્મદાનાં ઉદ્ગમ સ્થળ અમરકંટકથી સમુદ્ર સંગમ સ્થળ ખંભાતના અખાત સુધીની નર્મદા પરિક્રમા કરે છે. આ નર્મદા પરિક્રમા માર્ગ લગભગ ૨૬૨૪ કિલોમીટરનો હોય છે.
જોકે કેટલાક શ્રદ્ધાળુઓ આટલી લાંબી પરિક્રમા નથી કરી શકતા, તેને પૂર્ણ કરતા મહિનાઓ લાગે છે. તેથી તેઓ નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી યાત્રા કરીને પણ મુક્તિ પ્રાપ્ત કરે છે. કહેવાય છે કે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા કરવાથી પણ સંપૂર્ણ નર્મદા પરિક્રમા જેટલું જ ફળ પ્રાપ્ત થાય છે.
પરિક્રમાર્થીઓની સુવિધા માટે પૂરજોશમાં તૈયારીઓ
ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે, તેને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ પરિક્રમાવાસીઓની સુવિધાઓ માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ખાસ કરીને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ૧૪ કિલોમીટરની સમગ્ર પરિક્રમા દરમિયાન ઉમટનાર હજારો ભક્તો માટે રૂા. ૩.૮૨ કરોડના ખર્ચે અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. યાત્રાધામ બોર્ડ પરિક્રમાર્થીઓની સેવામાં ખડેપગે બોર્ડ દ્વારા અનેકવિધ હંગામી સુવિધાઓ ઊભી કરાઈ છે. ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાના માર્ગમાં નર્મદા નદીના શહેરાવ ઘાટ, રેંગણ ઘાટ, રામપુરા ઘાટ અને તિલકવાડા ઘાટ આવેલ છે. બોર્ડ દ્વારા આ તમામ ઘાટો પર મોટી સાઇઝના મંડપો, ખુરશી, બેરીકેડિંગ, લાઇટિંગ, ટૉયલેટ બ્લૉક, ચેન્જિંગ રૂમ, મેડિકલ બૂથ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, પોલીસ બૂથ માટે મંડપ, પીવાના પાણીની સુવિધા, સીસીટીવી કેમેરા, ચેતવણી બોર્ડ, ડી. જી. સેટ, સાઇનબોર્ડ્સ, પાર્કિંગ, યાત્રિકોને લાઇનમાં ઊભા રહેવા માટેની રેલિંગ, વૉચ ટાવર, ફૂડ સ્ટોલ તથા સ્નાન માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તેવી જ રીતે સમગ્ર પરિક્રમા માર્ગ પર લાઇટિંગ, સાઇનેજિસ, કચરાપેટી, સીસીટીવી કેમેરા, સીનિયર સિટીઝન માટે બેઠક વ્યવસ્થા, ટૉયલેટ યુનિટ, ઇમર્જન્સી કામગીરી માટે જેસીબી, હિટાચી, ક્રેન, દોરડા જેવી મશીનરી તથા વસ્તુઓની વ્યવસ્થા કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે