સસ્પેન્સ ફિલ્મને ટક્કર મારતી મર્ડર મિસ્ટ્રી, પોલીસે સવા વર્ષ બાદ ઉકેલ્યો હત્યાનો કેસ
જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચને સસ્પેન્સ ફિલ્મને ટક્કર મારતી મર્ડર મિસ્ટ્રી સોલ્વ કરવામાં સફળતા મળી છે. સવા વર્ષ બાદ પોલીસે એક બાદ એક મુદ્દે તપાસ કરી હત્યાના કેસનો ઉકેલ લાવ્યો છે. તમે પણ જાણો શું હતો આ કેસ અને કેવી રીતે પોલીસને મળી સફળતા...
Trending Photos
અશોક બારોટ, જૂનાગઢઃ વિસાવદરના રૂપાવટી ગામમાં સવા વર્ષ પહેલા ગુમ થયેલી પરિણીતાનો કેસ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો લીધો છે. ગુમ થયેલી મહિલાના પતિએ 2024માં 27 માર્ચે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જોકે, મહિલા ગુમ થઈ ન હતી, તેની હત્યા કરાઈ હતી. 27 માર્ચે મૃતક દયાબેનના પતિ વલ્લભ સાવલીયાએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી કે, તેમની 35 વર્ષીય પત્ની દયાબેન ઘરેથી સોનાના દાગીના અને રોકડ રૂપિયા લઈને ગુમ થઈ ગઈ છે. દયાબેનના 11 વર્ષના પુત્રને ધ્યાનમાં રાખીને પોલીસે આ કેસને પ્રાથમિકતા આપી હતી .તપાસ દરમિયાન જાણવા મળ્યું કે દયાબેનનો તેના જ ગામના હાર્દિક ધીરૂભાઇ સુખડીયા સાથે પ્રેમસંબંધ હતો. ટેક્નિકલ સોર્સ અને બાતમીદારોની માહિતીના આધારે હાર્દિક મુખ્ય શંકાસ્પદ બન્યો હતો.
પોલીસની પૂછપરછમાં હાર્દિકે દાવો કર્યો હતો કે દયાબેનને રાહુલ નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો. બનાવ જાહેર થયા બાદથી હાર્દિકે મોબાઇલ ફોનનો ઉપયોગ પણ બંધ કરી દીધો હતો. ગાંધીનગર FSL કચેરીમાં હાર્દિકનો મનોવૈજ્ઞાનિક ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે, તેની મજબૂત માનસિકતાને કારણે તે કોઈ માહિતી આપવામાં સફળ રહ્યો ન હતો. આ કેસ પોલીસ માટે ખૂબ જ પડકારજનક સાબિત થયો હતો. દયાબેન 9.37 લાખના સોનાના દાગીના અને 30 હજાર રોકડ રકમ લઈને ગઈ હતી.
તપાસ દરમિયાન શંકાની સોય હાર્દિક સુખડીયા તરફ જતી હતી. આરોપીએ છેલ્લા એક વર્ષથી મોબાઇલ ફોનનો ઉપયોગ પણ બંધ કરી દીધો હતો. FSL ખાતે કરાવેલા મનોવૈજ્ઞાનિક ટેસ્ટમાં તે શંકાસ્પદ ન જણાતા કેસ વધુ ગૂંચવાયો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેક્નિકલ અને સાંયોગિક પુરાવા એકત્ર કર્યા. યુક્તિપૂર્વક પૂછપરછ અને પુરાવા રજૂ કરતાં આરોપી ભાંગી પડ્યો હતો. તેણે કબૂલ્યું કે 3 ફેબ્રુઆરી 2024ના રોજ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હડાળા ગામની સીમમાં આવેલા સોલાર પ્લાન્ટ પાસેના કુવા નજીક દયાબેનની હત્યા કરી લાશને કુવામાં ફેંકી દીધી હતી.આ કેસમાં આરોપી હાર્દિકે પ્રેમ પ્રકરણથી કંટાળીને દયાબેનની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે.
ગત તા. 2 જાન્યુઆરી 2024ના રોજ દયાબેન ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયા હતા. આરોપી હાર્દિકે પૂર્વ પત્નીના આઈકાર્ડનો ઉપયોગ કરી કાગવડ હોટલમાં રહેવાની વ્યવસ્થા કરી હતી. આરોપીએ પોતાના અને મૃતક દયાબેનના મોબાઈલ નંબર બદલી નાખ્યા હતા. તેણે ફ્રી કોલિંગ એપની મદદથી ખોટા નંબર જનરેટ કરી, પોતાની ઓળખ રાહુલ તરીકે આપી હતી. આરોપીએ મૃતક દયાબેનના પરિવારને જણાવ્યું કે, દયાબેન ઘરકંકાસથી કંટાળીને જતા રહ્યા છે. તા. 3 જાન્યુઆરી 2024ના રોજ આરોપીએ એક ફિલ્મી વાર્તા ઘડી કાઢી હતી. તેણે કહ્યું કે દયાબેન રાહુલ નામના યુવક સહિત બે છોકરાઓ સાથે મોટા કોટડા ગામ નજીક મળ્યા હતા અને તેમણે હુમલો કર્યો હતો. આરોપીએ પોતાના મિત્ર મુકુંદ કાપડિયાને પણ ખોટી વાર્તા કહી હતી. 3 ફેબ્રુઆરીએ હાર્દિકે અમરેલીના બગસરા તાલુકાના હડાળા ગામની સીમમાં આવેલા સોલાર પ્લાન્ટ પાસે પરિણીતાનું માથું ફોડી નાખી હત્યા કરી હતી. ત્યારબાદ લાશને કુવામાં ફેંકી દીધી હતી. દયાબેને લગ્નની જીદ કરતા હાર્દિકે હત્યા કરી હોવાની કબૂલાત કરી છે.
પોલીસે આરોપી હાર્દિક સુખડિયાને સાથે રાખી ઘટનાસ્થળે તપાસ કરી હતી. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હડાળાથી ખારી તરફ જતા રસ્તે હડાળા ગામની સીમમાં પોલીસ પહોંચી હતી. ત્યાં સોલાર પ્લાન્ટ આગળ પડતર જગ્યામાં કુવા પાસે લઇ દયાબેનનું જે જગ્યાએ મોત નિપજાવી લાશને કુવામાં ફેકી દીધી હતી, તે જગ્યાએથી કંકાલ કાઢી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ કરી છે. પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. પટેલ અને તેમની ટીમે આ કેસનો ભેદ ઉકેલ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે