ગુજરાતના નબીરાઓની નવી પેટર્ન : લક્ઝુરિયસ ગાડી હંકારીને ગમે તેને ઉડાવી દો, મોત સસ્તું છે

Gujarat Accidents : ગુજરાત બેફામ ગાડી હંકારીને અકસ્માત સર્જતા રાક્ષસો વધી રહ્યા છે. તથ્ય પટેલ, રક્ષિત ચૌરસિયા, હર્ષરાજસિંહ ગોહિલ, હિતેશ પટેલ બાદ બીજું કોણ આવે છે તેની રાહ જુઓ. એક સમય આવશે જ્યારે ગુજરાતના નબીરાઓની આ પેટર્ન પર વેબસીરિઝ પણ બને

ગુજરાતના નબીરાઓની નવી પેટર્ન : લક્ઝુરિયસ ગાડી હંકારીને ગમે તેને ઉડાવી દો, મોત સસ્તું છે

Gandhinagar Accidents News : ગુજરાતમાં મોત સસ્તુ બની ગયું છે. ગુજરાતાં આયે દિન મોટી દુર્ઘટનાઓમાં મોતના આંકડા વધતા જઈ રહ્યાં છે. આવામાં રસ્તે ચાલતા કોઈ ઠોકીને રહે એ ગુજરાતમા સામાન્ય બની ગયું છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં મોતની નવી પેટર્ન જોવા મળી રહી છે. જેને સરકારી ચોપડે હિટ એન્ડ રન કહેવાય છે. પરંતું મોટા ઘરના નબીરાઓ લક્ઝુરિયસ ગાડી લઈને રસ્તાઓ પર રેસ કરતા હોય તેમ નીકળી પડે છે અને ગમે તેનો જીવ લઈ લે છે. તથ્ય પટેલ, રક્ષિત ચૌરસિયા, હર્ષરાજસિંહ ગોહિલ અને હવે હિતેશ પટેલ. 

ગાંધીનગરના રાંદેસણમાં રફ્તારનો કહેર, બેફામ કાર દોડાવતા રાક્ષસે 2 લોકોનો લીધો જીવ
મહત્વનું છે કે, ગાંધીનગરના રાંદેસણ નજીક ગંભીર અકસ્માતની ઘટના બની છે. જેમાં બેફામ દોડતી કારની અડફેટે અકસ્માતમાં હંસાબેન વાઘેલા અને નીતિન વસાવા નામના બે વ્યક્તિનું મોત નિપજ્યું. તો અન્ય 3 લોકો ઈજાગ્રસ્ત થયા. જેમાં ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા છે. અકસ્માત બાદ સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળ્યો. કાર ચાલક નશામાં ધૂત હોવાનો લોકોએ આરોપ લગાવ્યો. સાથે જ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા. કાર ચાલકને સ્થાનિકોએ મેથીપાક ચખાડ્યો. પોલીસે સ્થળ પરથી જ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી...

હિતેશ પટેલે સર્વિસ રોડ પર બેફામ ગાડી હંકારી 
ગાંધીનગરના કુડાસણમાં આવેલ શુકન સ્કાય પાસે આજે વહેલી સવારે એક કારે સ્પીડમાં વાહનો અને રાહદારી અડફેટે લીધા હતા. શુકન સ્કાય અને શુકન હાઇટ્સ પાસે ગંભીર અકસ્માતનો બનાવ હચમચાવી દે તેવો છે. સવારે 10.15 વાગ્યે એક રફ્તારના રાક્ષસે ટુ વ્હીલર સવાર લોકો અને રાહદારીને અડફેટે લીધા હતા. પોલીસ તપાસમાં કારચાલક પોર ગામનો હિતેશ પટેલ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. કાર ચાલક નશામાં હોવાના પણ લોકોના આક્ષેપ છે. જેથી ડ્રિન્ક એન્ડ દ્રાઈવ મામલે પોલીસ તપાસ કરશે. કાર ચાલક હિતેશ પટેલ સામે અગાઉ ndpsનો ગુનો દાખલ થયાનું જાણવા મળ્યું છે. સાથે જ કાર બનાવ સમયે 80 ની સ્પીડ હોવાનો પોલીસનો અંદાજ છે. સર્વિસ રોડ પર આટલી વધુ સ્પીડ હોવી તે ગંભીર બાબત છે. 

પોલીસ પુત્રએ ભાવનગરમાં બે લોકોના જીવ લીધા 
ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં બેફિકરાઈ થી કાર ચલાવી પોલીસ પુત્રએ અકસ્માત સર્જયો હતો. અકસ્માતની આ ઘટનામાં એક મહિલા સહીત બે ના મોત થયા છે. હર્ષરાજસિંહ ગોહિલ નામનો પોલીસ પુત્ર પોતાની કાર બેફામ હંકારી જીવ લીધો. જોકે, પહેલા તો અકસ્માત સર્જનાર યુવાન સામે સામાન્ય કલમ હેઠળ ગુન્હો નોંધાતા બંને પરિવારમાં રોશની લાગણી પ્રસરી હતી. પરંતું પરિવારોના વિરોધના પગલે અંતે પોલીસે મનુષ્યવધ ની કલામનો ઉમેરો કરી કાર ચાલકની ધરપકડ કરી હતી. કાર ચાલક હર્ષરાજસિંહ ગોહિલ વિરુદ્ધ પોલીસે બી. એન. એસ. ની કલમ 281, 125(અ), 125(બ ) 106(1) તેમજ મોટર વ્હિકલ એક્ટની 177, 184 અંતર્ગત કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરામાં રક્ષિતકાંડ
વડોદરાનાો રક્ષિતકાંડ હિટ એન્ડ રન કેસ બહુચર્ચિત બન્યો હતો. રક્ષિત ચૌરસિયા નામના યુવકે નશામાં બેફામ કાર હંકારી આઠ લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા. જેમાં એક મહિલાનું મોત થયું હતું. અકસ્માત પહેલા રક્ષિત ચોરસિયાએ ગાંજો પીધો હોવાનું બહાર આવ્યું હતું

અમદાવાદનો તથ્યકાંડ
અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મોંઘીદાટ જેગુઆર ગાડી વડે 9 લોકોને કચડીને મોતના મુખમાં ધકેલી દેનાર કાર ચાલક તથ્ય પટેલ હજી પણ જેલના સળિયા પાછળ છે. તથ્ય પટેલ સામે પોલીસે IPC 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 અને મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કલમ 177, 189, અને 134 અંતર્ગત ગુન્હો નોંધીને 1684 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. જે વાતને લગભગ બે વર્ષ જેટલો સમય વીતી ગયો છે. 

ગુજરાતના નબીરાઓની નવી પેટર્ન 
ગુજરાતના નબીરાઓની અકસ્માતો કરવાની આ પેટર્ન બની ગઈ છે. હાથમાં ગાડી આવે એટલે દારૂ પીને બેફામ હંકારીને અકસ્માતો કરવાના, અને લોકોના જીવ લઈ લેવાના. જોકે, મોતના આ રાક્ષસોને જેલવાસ, આજીવન કેદની સજા પૂરતી છે ખરી. હવે સમય આવી ગયો છે કે, આવા રાક્ષસોને સામાજિક જવાબદારીની સજા ફટકારવામાં આવે. પીડિત પરિવારની સારસંભાળ રાખવાની, સામાજિક સંસ્થાઓમાં આવા ગુનેગારો પાસેથી કામ કરાવવામાં આવે તો તેમને કાયદાનું ભાન થાય. માત્ર જેલમાં મોકલીને કંઈ નહિ થાય. જો તેમને કાયદાનું ભાન નહિ થાય તો આવા રાક્ષસો વધતા જશે. તથ્ય પટેલ, રક્ષિત ચૌરસિયા, હર્ષરાજસિંહ ગોહિલ, હિતેશ પટેલ બાદ બીજું કોણ આવે છે તેની રાહ જુઓ. એક સમય આવશે જ્યારે ગુજરાતના નબીરાઓની આ પેટર્ન પર વેબસીરિઝ પણ બને. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news