આ ગામમાં નવા બનેલા સરપંચનો કિસ્સો છે જબરો! ધો.12માં થયા છે 26 વાર ફેલ, છતાં નથી માન્યા હાર

Navsari News: જીવનમાં એક રસ્તો બંધ થાય, ત્યારે હાર માની લેવાને બદલે મક્કમતાથી આગળ વધવામાં આવે, તો સફળતાના શિખરો સર થઈ શકે છે.. આ વાત નવસારીના તલોધ ગામે હાલમાં જ સરપંચની ચુંટણી જીતનારા Phd સરપંચ ડૉ. નીલ દેસાઈએ સાર્થક કરી બતાવી છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 26 વાર પરીક્ષા આપીને નાપાસ થનારા ડૉ. નીલ દેસાઈ હજી પણ હાર નથી માન્યા, અને આગામી માર્ચ 2026માં 27મી વાર પરીક્ષા આપી 12 સાયન્સ નાપાસનું મ્હેણું ભાંગવા માંગે છે.

આ ગામમાં નવા બનેલા સરપંચનો કિસ્સો છે જબરો! ધો.12માં થયા છે 26 વાર ફેલ, છતાં નથી માન્યા હાર

ધવલ પરીખ/નવસારી: નવસારી જિલ્લામાં ગત 22 જૂને યોજાયેલી ગ્રામ પંચાયતોની ચુંટણીમાં ગણદેવી તાલુકાના તલોધ ગામને સમરસ કરવાનો પ્રયાસ નિષ્ફળ ગયો અને ચુંટણી યોજાઈ હતી. જેમાં ગામની પસંદગી ડૉ. નીલ દેસાઈ ઉપર હતી. પણ ના છૂટકે યોજાયેલી ચુંટણીમાં ડૉ. નીલ સામે અન્ય બે ઉમેવદારો મેદાનમાં ઉતર્યા હતા. ગામની 7 હજારથી વધુની વસ્તી સામે 5300 મતદારોમાંથી 62 ટકા મતદાન થયું હતું. જેમાં ડૉ. નીલ દેસાઈ 2584 મતોની જંગી બહુમતીથી જીત્યા હતા. 

જોકે પ્રથમવાર રાજકારણમાં હાથ અજમાવનારા ડૉ. નીલ દેસાઈએ સમગ્ર ગુજરાતમાં 82 ટકા માર્જિનથી સરપંચની જીત, ગુજરાતના પ્રથમ Phd સરપંચ અને દેશમાં બીજા નંબરના Phd સરપંચ તરીકેના ચુંટણીના ત્રણ રેકોર્ડ પણ પોતાને નામે કર્યા છે. જેની રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ સરપંચ અભિવાદન સમારોહમાં પ્રશંસા કરી હતી.

જંગી બહુમતીથી સરપંચની ચુંટણી જીતનારા ડૉ. નીલ દેસાઈની શૈક્ષણિક સફર પણ અત્યંત રોમાંચક છે. જ્યાં પરીક્ષાના ડરથી બોર્ડના વિદ્યાર્થીઓ આત્મહત્યા કરવા સુધીના પગલા ભરી લે છે. ત્યાં ડૉ. નીલ 26 વાર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપ્યા બાદ પણ નાપાસ થયા છે અને હજી હાર નથી માન્યા અને આગામી માર્ચ 2026 માં 27 મી વાર પરીક્ષા આપવાની તૈયારી rki રહ્યાં છે. તો પછી ડૉ. નીલ Phd કેવી રીતે થયાનો પ્રશ્ન થશે...? તો વર્ષ 1991 માં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષામાં દેડકાની હિંસા નથી કરવીના મક્કમ મનને કારણે નાપાસ થયા. જેથી ધોરણ 10 ના આધારે ઇલેક્ટ્રિકલમાં ડિપ્લોમાં પૂર્ણ કર્યુ હતું. 

બાદમાં સરકારી નિયમોમાં બદલાવ થતા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી, તો અન્ય જવાબદારીઓ સાથે પરીક્ષા તો આપી, પણ ક્યારેક એક તો ક્યારેક 2 વિષયમાં નાપાસ થયા. કારણ જ્યારે પણ પરીક્ષા આપે, ત્યારે તમામ વિષયની પરીક્ષા આપતા. બીજી તરફ વર્ષ 2005 માં ફરી રાજયના શિક્ષણ વિભાગે નિયમમાં ફેરફાર કર્યો અને ડૉ. નીલે Bsc સાયન્સમાં પ્રવેશ લીધો અને ત્યારબાદ સફળતાના પગથિયાં ચઢતા ગયા અને વર્ષ 2018 માં Phd ની ઉપાધિ મેળવી હતી. 

જોકે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં નાપાસ થવાની વાત ડૉ. નીલને ખટકતી હતી એટલે પરીક્ષાએ આપી, પણ નાપાસ થયા. પરંતુ નાસીપાસ થવા વિના મક્કમતાથી અગામી માર્ચ 2026 માં 27 મી વાર પરીક્ષા આપવાની તૈયારી કરી રહ્યા છે. માણસ જીવનની વિકટ પરિસ્થિતિમાં હાર માનીને બેસી જાય, તો ધાર્યું લક્ષ્ય મેળવી શકતો નથી. પરંતુ મક્કમ મનોબળ બનાવી સતત પ્રયાસો કરતો રહે તો સિદ્ધિ મળ્યા વિના રહેતી નથી. ત્યારે જીવનની કોઈપણ પરિસ્થિતિ સામે હાર માન્યા વિના લડવાનો સંદેશ ડૉ. નીલ દેસાઈની શૈક્ષણિક સફર આપી જાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news