પ્લેન ક્રેશમાં કોલસો થઇ ગયેલા મૃતદેહોની કેવી રીતે થશે ઓળખ, DNA મેચિંગ માટે શું છે સ્થિતિ?
Ahmedabad plane crash: FSL અને NFSU ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પેસેન્જરોના પરિવારજનોના DNA સેમ્પલ મેચિંગની પ્રક્રિયા પ્રગતિમાં. રાજ્યમાં ૩૬ DNA નિષ્ણાંતો દ્વારા સતત ૨૪ કલાક સેમ્પલ મેચિંગ માટેના પરીક્ષણો ચાલુ: FSLના ડિરેક્ટર એચ.પી.સંઘવી
Trending Photos
Ahmedabad plane crash: FSL ગાંધીનગરના ડિરેક્ટર એચ.પી.સંઘવીએ DNA પરીક્ષણની વિગતો આપતા જણાવ્યું હતું કે, અમદાવાદ ખાતે થયેલ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પેસેન્જરોની ઓળખ વૈજ્ઞાનિક પદ્ધતિથી DNA સેમ્પલને મેચ કરાવીને કરવામાં આવી રહી છે. જે અંતર્ગત અમદાવાદ અને ગાંધીનગર ખાતેની FSL તેમજ NFSUની પ્રયોગશાળામાં આ પેસેન્જરોના વારસદારો કે નજીકના પરિવારજનોના DNA સેમ્પલ લઈને મેચિંગની પ્રક્રિયા ખૂબ ઝડપથી થઈ રહી છે.
તેમણે જણાવ્યું કે, હાલમાં રાજ્યમાં DNA પરીક્ષણની ખૂબ સારી વ્યવસ્થા છે. DNA મેચિંગ પરીક્ષણ માટેની કિટ્સ સાથેની તમામ સાધન સુવિધાઓ પણ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે. જેના પરિણામે લગભગ 36 DNAના નિષ્ણાંતો દ્વારા સતત 24 કલાક મેચિંગ માટેના પરીક્ષણો ચાલુ છે.
ડિરેક્ટરએ ઉમેર્યું કે, પ્લેન જ્યારે ક્રેશ થાય છે, ત્યારે તેની અંદર ખૂબ મોટી જ્વાળાઓ ઉત્પન્ન થાય છે જેના કારણે તાપમાન ખૂબ જ વધી જતું હોય છે. આવા સંજોગોમાં અકસ્માતનો ભોગ બનેલા પેસેન્જરોના શરીરમાં રહેલા DNA કે જેના થકી ઓળખ કરવાની હોય છે, તે ખૂબ ઓછી માત્રામાં મળતા હોય છે. આ ઉપરાંત DNA સેમ્પલના પરીક્ષણની પ્રક્રિયા વિવિધ તબક્કાઓમાં થતી ખૂબ જટિલ પ્રકારની હોય છે. જેના કારણે મૃતકની ઓળખ કરવામાં સમય લાગતો હોય છે.
વધુ વિગતો આપતા તેમણે જણાવ્યું કે, ઇન્ટરનેશનલ કંપનીઓ પણ આ દુઃખદ ઘટનામાં DNA પરીક્ષણ માટે મદદ કરવા તૈયાર છે. આ પરીક્ષણ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકોના સેમ્પલ કલેક્ટ કરીને તેમના વાલી વારસદારોને ફોર્મ ભરાવવામાં આવે છે, જેમાં મૃતકના માતા, પિતા, દીકરા, દીકરીના નામ સહિતની વિગતો નોંધવામાં આવે છે.
DNA મેચિંગ માટે એક પાર્થિવ દેહમાંથી એકથી વધુ સેમ્પલ લેવામાં આવે છે. ઘણીવાર પૂરતી માત્રામાં DNA ન મળતા વારંવાર રીપીટ કરીને પણ એનાલિસિસ કરવામાં આવે છે. આમ આ જટિલ પ્રક્રિયામાં 36 થી 48 કલાક સુધી બેચવાઇઝ પરીક્ષણ કરવામાં આવે છે. જેમ જેમ DNA મેચિંગના પરિણામો આવતા તંત્રને તુરંત જાણ કરવામાં આવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે