આ લાપરવાહી ગુજરાતમાં અનેક લોકોના જીવ લેશે! કોરોના હજી ગયો નથી ત્યાં PPE કીટ જાહેરમાં ફેંકી દેવાઈ
Surat News: કોરોના હજી ગયો નથી ત્યાં PPE કીટ ફેંકી દેવાની ઘટના સામે આવી છે. સુરતમાં અજાણ્યા વ્યક્તિ દ્વારા કોરોના સેફટી કીટ તથા મેડિકલ વેસ્ટ ફેંકી દેવાયો છે. સુરત અઠવાલાઇન્સ પોલીસ ક્વાર્ટર્સ પાસે આ જથ્થો ફેંકી દેવાયો હતો. જેમાં દવા માસ્ક સહિતનો જથ્થો હતો. આટલી મોટી ગંભીર બેદરકારી કોની એ સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. પોલીસ લાઇન પાસેના સીસીટીવી તપાસવામાં આવે તો ભાંડો ફૂટે એમ છે. સમગ્ર બાબતે કાર્યવાહી કરવી જોઈએ.
Trending Photos
ચેતન પટેલ/સુરત: આપણે બધા જાણીએ છીએ કે કોરોના કાળમાં પીપીઈ કીટ, માસ્ક અને જીવનરક્ષક દવાઓ આપણા માટે રક્ષણાત્મક કવચ બન્યા હતા. પણ, સુરતના અઠવા લાઇન્સના પોલીસ હેડક્વાર્ટર પાસે આ "કવચ" હવે કચરાના ઢગમાં રઝળતું જોવા મળ્યું છે! હા, શું કહ્યું? પીપીઈ કીટ, માસ્ક, બાયોવેસ્ટ મેડિકલ અને એક્સપાયર થયેલી દવાઓ... આ બધું જાહેરમાં, ખુલ્લેઆમ કચરાની જેમ ફેંકાયેલું! તંત્રની આવી "જવાબદારી" જોઈને ખરેખર આશ્ચર્ય થાય છે, કે હજુ પણ કોરોના કેસો વધી રહ્યા છે ત્યારે આવી બેદરકારી કેવી રીતે થઈ શકે?
જ્યારે કોરોના કાળમાં દરેક વ્યક્તિ આ પીપીઈ કીટ અને દવાઓ માટે આતુર હતી, ત્યારે આજે આ જ જીવનરક્ષક સામગ્રી સુરતના પોલીસ હેડક્વાર્ટર પાછળ કચરાના ઢગમાં પડેલી છે. શિપ પેક પીપીઈ કીટ, એક્સપાયર થયેલી વિટામિનની ગોળીઓ, અને બાયોવેસ્ટ મેડિકલ... આ બધું જાણે કોઈએ "જાહેર ડમ્પિંગ યાર્ડ" બનાવી દીધું હોય! અને હા, સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર? ઓહ, તેમને તો ઘટના સ્થળે દોડી જવું પડ્યું, કારણ કે આવું "જવાબદાર" વર્તન તો બરદાસ્ત ન થાય, ખરું ને?
પાલિકાના આરોગ્ય વિભાગે તો તાત્કાલિક બાયોવેસ્ટના નિકાલની "મહાન" તજવીજ હાથ ધરી લીધી. પણ સવાલ એ છે કે, આટલો મોટો જથ્થો આવી રીતે ખુલ્લામાં કેવી રીતે ફેંકાયો? કઈ સંસ્થાની આ "ઉત્કૃષ્ટ" જવાબદારી છે? અને આ બધું શોધવા માટે હવે નોટિસ પાઠવવાની વાત થાય છે. એટલે કે, કચરો ફેંકાયો, હવે તપાસ થશે, પછી નોટિસ જશે, અને પછી? શું આવી બેદરકારી ફરી નહીં થાય?
"આ ખૂબ જ ગંભીર બેદરકારી છે. બાયોવેસ્ટ મેડિકલનો નિકાલ વૈજ્ઞાનિક રીતે થવો જોઈએ. અહીં જાહેરમાં ફેંકાયેલો જથ્થો મળ્યો છે, જેનો નિકાલ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. કઈ સંસ્થાએ આ કર્યું તેની તપાસ થશે, અને કસૂરવારને નોટિસ આપીને BPMA એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે."
તો બસ, હવે તંત્ર જાગ્યું છે, તપાસ થશે, નોટિસ જશે, અને કદાચ કાર્યવાહી પણ થશે. પણ શું આવી બેદરકારી રોકવા માટે આપણે હંમેશા કચરાના ઢગમાંથી સચ્ચાઈ શોધવી પડશે? આવું "જવાબદાર" તંત્ર જો આપણું રક્ષણ કરશે, તો ખરેખર ભગવાન જ ભરોસે! સુરતના આરોગ્ય તંત્રને આપણે બસ એટલું જ કહીશું – "જાગો, નહીં તો કચરો વધુ ફેલાશે!"
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે