સુરત નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદના વમળમાં ફસાઈ; સારવાર ન મળતા દર્દીના મોતના આરોપ
Surat Newsછ નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. પરિવારજનો દ્વારા ડોકટરોની બેદરકારીના કારણે દર્દીના મોત થયા હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર મામલો સામે આવ્યો છે.
Trending Photos
ઝી 24 કલાકની ટીમ વાયરલ વીડિયોને પગલે નવી સિવિલ હોસ્પિટલ પહોંચી હતી અને આ અંગે સીએમઓ ડો. ભરતભાઈ ચાવડા સાથે વાતચીત કરી હતી.ડો. ભરત ચાવડાએ જણાવ્યું કે દર્દી ક્રિષ્ના સિરસાઠ ગંભીર સ્થિતિ (ક્રિટિકલ કન્ડિશન) માં હોસ્પિટલમાં આવ્યા હતા. તેમને કિડનીની બીમારી હતી અને નવી સિવિલમાં તેમનું ડાયાલિસિસ કરવામાં આવતું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે દર્દીને બુધવારના બદલે ગુરુવારે ડાયાલિસિસ માટે લાવવામાં આવ્યા હતા. ડાયાલિસિસ બાદ તેમને વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની તબિયત લથડતા તેમને વેન્ટિલેટર પર પણ મૂકવામાં આવ્યા હતા. જોકે, બીપી ડાઉન થતાં તેમની તબિયત વધુ બગડી હતી.
બીજી તરફ, મૃતક ક્રિષ્ના સિરસાઠના પરિવારજનોનો આરોપ છે કે જ્યારે દર્દીને ખરાબ તબિયતને કારણે સિવિલ લાવવામાં આવ્યા હતા, ત્યારે તબીબો દ્વારા તેમના પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું ન હતું. પરિવારજનોનો દાવો છે કે તેમણે વારંવાર તબીબોને દર્દીની ખરાબ હાલત અંગે જાણ કરી હતી અને ધ્યાન આપવા વિનંતી કરી હતી, પરંતુ તેમને યોગ્ય સારવાર મળી ન હતી, જેના કારણે આખરે દર્દીનું અવસાન થયું. પરિવારજનોએ સિવિલ હોસ્પિટલની બેદરકારીને આ મોતનું કારણ ગણાવી છે.
ક્રિષ્ના શિરસાઠના મોત બાદ પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમણે આ ઘટનાનો વીડિયો ઉતારીને વાયરલ કર્યો છે,જેમાં તબીબોની બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે. પરિવારજનોએ બેદરકારી દાખવનાર તબીબો સામે યોગ્ય પગલાં લેવા માટે વહીવટીતંત્ર સમક્ષ માંગણી કરી છે.આ મામલે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે