સુરતમાં પીટાદાર યુવતીના આપઘાત બાદ સમાજના આગેવાનો મેદાનમાં, સરકાર પાસે કરી ન્યાયની માગ
Surat News: સુરત શહેરમાં એક 19 વર્ષીય શિક્ષિકાના આપઘાત બાદ પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ખોડલધામ ટ્રસ્ટે પણ પત્ર લખી ન્યાયની માંગ કરી છે. 19 વર્ષીય દીકરીને ન્યાય મળે તે માટે કેન્ડલ માર્ચ કાઢવામાં આવી છે.
Trending Photos
સુરતઃ સુરતમાં 19 વર્ષીય ટ્યુશન ક્લાસિસની શિક્ષિકા નેનુ વાવડીયાના આપઘાત મામલે પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કતારગામ વિસ્તારમાં એક સગીરની પજવણી, માનસિક ત્રાસ અને બ્લેકમેલથી કંટાળીને નેનુએ આત્મહત્યા કરી હોવાનું સામે આવતાં સમાજના આગેવાનો મેદાને આવ્યા છે....પાટીદાર સમાજની ધાર્મિક તેમજ શૈક્ષણિક સંસ્થાઓ મુખ્યમંત્રીને પત્ર લખીને કડક કાર્યવાહીની માગ કરી છે...જુઓ સમાજની દીકરીની આત્મહત્યાથી પાટીદારોમાં રોષનો આ અહેવાલ....
સુરતના કતારગામ વિસ્તારમાં એક દુઃખદ ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. 19 વર્ષીય ટ્યુશન શિક્ષિકા નેનુ વાવડીયાના આપઘાતે પાટીદાર સમાજમાં ભારે રોષ ફેલાવ્યો છે. એક સગીરની પજવણી, માનસિક ત્રાસ અને બ્લેકમેલિંગનો ભોગ બનીને નેનુએ પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાના આરોપોએ સમાજના આગેવાનોને મેદાનમાં લાવી દીધા છે...
આ ઘટનાના વિરોધમાં પાટીદાર સમાજે સુરતના ડભોલી ચાર રસ્તાથી અંકુર ચાર રસ્તા સુધી એક વિશાળ કેન્ડલ માર્ચ યોજી. મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવાનો હાથમાં ‘ન્યાય માટે લડત’ અને ‘મહિલા સલામતીની ગેરંટી’ જેવા પોસ્ટરો લઈને રસ્તા પર ઉતર્યા. આ માર્ચમાં પાટીદાર સમાજના આગેવાનો ઉપરાંત સ્થાનિક લોકોએ પણ ભાગ લીધો, જે નેનુના મૃત્યુથી ઉભા થયેલા આક્રોશનું પ્રતિબિંબ હતું.
નેનુના આપઘાતના મામલે સિંઘણપુર પોલીસે આરોપી સગીરની અટકાયત અને તેના પિતાની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી યુવક નેનુને છેલ્લા એક વર્ષથી હેરાન કરતો હતો અને સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. આ ઉપરાંત, 30 હજાર રૂપિયાની ખંડણી માંગવાના પણ આરોપ છે. આ ઘટનાએ મહિલાઓની સલામતીનો સવાલ ઉભો કર્યો છે.
આરોપી સગીરની અટકાયત, તેના પિતાની ધરપકડ
આ ઘટનાએ મહિલાઓની સલામતીનો સવાલ ઉભો કર્યો છે
પાટીદાર સમાજની અગ્રણી સંસ્થાઓએ આ ઘટનાને ગંભીરતાથી લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યા છે. સરદારધામના પ્રમુખ ગગજી સુતરિયા અને ખોડલધામ ટ્રસ્ટે આરોપીઓને કડકમાં કડક સજાની માંગ કરી છે. પાટીદાર અગ્રણી મથુર સવાણીએ પણ પોતાના પત્રમાં જણાવ્યું કે, આવા અસામાજિક તત્વો સામે સખત કાર્યવાહી કરવી જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને અને સમાજમાં ભયનું વાતાવરણ ઊભું ન થાય.
પાટીદાર સમાજના અગ્રણીઓએ પોલીસ કમિશનરને મળીને આરોપીને કડક સજા થાય તેની રજૂઆત કરી. આ ઘટના બાદ સુરત પોલીસે પણ ઝડપી કાર્યવાહી શરૂ કરી છે. શહેરના અનેક વિસ્તારોમાં ચેકિંગ શરૂ કર્યું છે...પોલીસે અસામાજિક તત્વોની માહિતી આપવા માટે પણ લોકોને અપીલ કરી છે...
નેનુ વાવડીયાનો આપઘાત એક દુઃખદ ઘટના તો છે જ, પરંતુ તે મહિલાઓની સલામતી અને સમાજમાં વધતા અસામાજિક તત્વો સામે લડવાની જરૂરિયાતને પણ ઉજાગર કરે છે. પાટીદાર સમાજની આ માંગ હવે સરકાર સુધી પહોંચી છે. પ્રશ્ન એ છે કે, આવી ઘટનાઓને રોકવા માટે કયા નક્કર પગલાં લેવાશે?.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે