વિવાદનો મધપુડો છંછેડ્યો! સુરતની નર્મદ યુનિવર્સિટીમાં ગરબાનો વિવાદ: વિદ્યાના ધામમાં વેપાર?

Surat News: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ નીતિ-નિયમો નેવે મૂકી ટેન્ડર વગર જ યશવી ફાઉન્ડેશનના કર્તાહર્તા પરેશ ખંડેલવાલને નવરાત્રી માટે જગ્યા ભાડે આપી દીધી છે. યુનિવર્સિટીની સામે આવેલી મોકાની 1.80 લાખ ચોરસમીટર જગ્યા ફક્ત 62 લાખ રૂપિયામાં ભાડેપટ્ટે આપી છે.

વિવાદનો મધપુડો છંછેડ્યો! સુરતની નર્મદ યુનિવર્સિટીમાં ગરબાનો વિવાદ: વિદ્યાના ધામમાં વેપાર?

પ્રશાંત ઢીવરે/સુરત: સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. આ વખતે વિવાદનું કારણ છે. યુનિવર્સિટી દ્વારા નવરાત્રીના ગરબા માટે 1.80 લાખ ચોરસ મીટર જમીન યશ્વી ફાઉન્ડેશનને 62 લાખ રૂપિયામાં ભાડે આપવાનો નિર્ણય. આ ભાડુઆત ટેન્ડર પ્રક્રિયા વિના કરવામાં આવતા યુનિવર્સિટીના કુલપતિ કે.એન. ચાવડા પર "વિદ્યાના ધામને વેપારનું ધામ" બનાવવાનો ગંભીર આરોપ લાગી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ સમગ્ર પ્રક્રિયામાં તમામ નીતિ-નિયમોને નેવે મૂકવામાં આવ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં "બંધ બારણે ખેલ" કરીને આ નિર્ણય લેવાયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, યુનિવર્સિટીએ યશ્વી ફાઉન્ડેશનને જગ્યા આપવા માટે ફક્ત બે મહિના પહેલા જ એક નવી પોલિસી બનાવી હતી. જેને 14 જુલાઈના રોજ મંજૂર કરીને તાત્કાલિક જગ્યા ભાડે આપી દેવામાં આવી હતી. આ પોલિસીના નિર્માણનો સમય અને ત્વરિત અમલીકરણ ઘણા સવાલો ઉભા કરે છે. 

આ ગરબા મહોત્સવને કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાનો પણ સૂર ઉઠી રહ્યો છે. યુનિવર્સિટીના પ્રાંગણમાં જ્યાં ગરબા રમાશે ત્યાંથી માત્ર 100 મીટર દૂર જ વિદ્યાર્થીઓની હોસ્ટેલ આવેલી છે. આવી સ્થિતિમાં પરીક્ષાના સમયે કે અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓ દરમિયાન વિદ્યાર્થીઓને મોટા પાયે ખલેલ પહોંચવાની શક્યતા છે.

આ વિવાદ અંગે કુલપતિ કે.એન. ચાવડાએ "ઉડાવ" જવાબ આપ્યો હતો અને યશ્વી ફાઉન્ડેશનનો બચાવ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગરબા સાઉન્ડપ્રૂફ ડોમમાં યોજાશે અને યુનિવર્સિટી વિસ્તારમાં 24 કલાક ટ્રાફિકનો અવાજ હોય છે, તેથી ગરબાથી કોઈ ખાસ ફરક નહીં પડે. જોકે, આ દલીલો વિરોધ પક્ષો અને વિદ્યાર્થી સંગઠનોને સંતોષી શકી નથી.

આગળ શું?
આ મામલે આગામી દિવસોમાં વધુ રાજકીય અને શૈક્ષણિક વિવાદ વધે તેવી શક્યતા છે. યુનિવર્સિટી દ્વારા આ નિર્ણય પાછળના સાચા કારણો અને પારદર્શિતા અંગે સવાલો ઉઠી રહ્યા છે. શું યુનિવર્સિટીના મુખ્ય હેતુ, એટલે કે શિક્ષણ, કરતાં વ્યાપારી હિતોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આ પ્રશ્નનો જવાબ સમય જ આપશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news