સ્માર્ટ મીટર બન્યું પૈસા પડાવવાનું મશીન! મધ્યમવર્ગીય પરિવારને પકડાવ્યું 7.81 લાખ રૂપિયા લાઈટ બિલ
Smart Meter Scam : સ્માર્ટ વીજ મીટરનું વધુ એક ભોપાળું. એક વ્યક્તિને વીજ બિલ આવ્યું 7.81 લાખ રૂપિયા. સમા વિસ્તારમાં PM આવાસમાં રહે છે ઉષા પટેલ. ભારે ભરખમ વીજ બિલથી 3 સભ્યોના પરિવાર ચિંતામાં. MGVCLની ગંભીર બેદરકારી સામે ઠાલવ્યો રોષ
Trending Photos
Vadodara News રવિ અગ્રવાલ/વડોદરા : વડોદરામાં સ્માર્ટ મીટરને લઈને ફરી એકવાર મોટો વિવાદ ઊભો થયો છે. શહેરના સમા વિસ્તારમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા એક ગ્રાહકને સ્માર્ટ મીટરના કારણે રૂપિયા 7.81 લાખનું માતબર વીજળી બિલ આવતા પરિવારમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. આ ઘટનાએ MGVCL કંપનીની કામગીરી અને સ્માર્ટ મીટરની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
સ્માર્ટ મીટર લગાવ્યાના ત્રીજા મહિને 7.81 લાખનું બિલ આવ્યું
ઉષાબેન પટેલ નામના ગ્રાહકના પરિવારમાં ફક્ત ત્રણ સભ્યો છે. સ્માર્ટ મીટર લગાવતા પહેલા તેમનું માસિક બિલ આશરે 1500 રૂપિયા આવતું હતું. પરંતુ, સ્માર્ટ મીટર લગાવ્યાના ત્રણ મહિના બાદ, સીધું 7.81 લાખનું બિલ આવતા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. આટલું મોટું બિલ જોઈને આ પરિવાર ચિંતામાં મુકાઈ ગયો છે. ઉષાબેનના પુત્ર અને તેમના પતિનું કહેવું છે કે, “જ્યારે સ્માર્ટ મીટર લગાવવા આવ્યા ત્યારે કંપનીના કર્મચારીઓએ અમને ઘણી સારી વાતો કરી હતી અને તેના ફાયદા સમજાવ્યા હતા, પરંતુ આજે જે શંકાઓ હતી તે સાચી પડી છે. અમે કંપનીને વિનંતી કરીએ છીએ કે આ સ્માર્ટ મીટર પાછું લઈ લે.”
આ ઘટનાએ ફક્ત આ એક પરિવારને જ નહીં, પરંતુ સમગ્ર વડોદરામાં જે ગ્રાહકોના ઘરે સ્માર્ટ મીટર લાગ્યા છે તે સૌમાં ભયનો માહોલ પેદા કર્યો છે. લોકો હવે ચિંતિત છે કે ક્યાંક તેમને પણ આવું ભારેખમ બિલ ન આવી જાય.
બિલમાં સુધારો કરી આપીશું - ઈજનેર
MGVCLની ગંભીર બેદરકારીને કારણે આખરે કોઈ ગ્રાહકનો જીવ જોખમમાં મુકાઈ જશે તેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે. ગ્રાહક ઉષાબેને આ અંગે ઓનલાઈન ફરિયાદ પણ કરી છે અને કંપની તરફથી બિલ સુધારી આપવાની ખાતરી આપવામાં આવી છે. આ સમગ્ર ઘટના અંગે MGVCLની સમા સબ-ડિવિઝન કચેરીના નાયબ ઈજનેર ભાવિનભાઈ રાણાએ ખુલાસો કરતા જણાવ્યું કે, આ માનવીય અને ટેક્નિકલ ભૂલના કારણે આવું બન્યું છે. ગ્રાહકનું ખરેખર બિલ 5000 રૂપિયાની આસપાસ આવ્યું છે. હજી સુધી આ બિલની કોપી ગ્રાહકને પહોંચાડવામાં આવી નથી. બિલમાં સુધારો કરીને નવું બિલ જલ્દી જ મોકલી આપવામાં આવશે.
જોકે, અધિકારીના આ ખુલાસા બાદ પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો સમયસર આ ભૂલ પકડાઈ ન હોત તો શું થાત? આવા સ્માર્ટ મીટરનો શું ફાયદો કે જેમાં ગણતરીની ગંભીર ભૂલો સામે આવી રહી છે? આ એક સવાલ MGVCLની કાર્યપ્રણાલી પર હજુ પણ લટકી રહ્યો છે.
કુકરવાડામાં એક સામાન્ય પરિવારને 80 લાખનું વીજ બિલ
ભરૂચ શહેર અને જિલ્લામાં જીઈબી દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાની કામગીરી વચ્ચે હવે ભારે વિવાદ ઉભો થયો છે. શહેરની અનેક સોસાયટીઓના રહીશો દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રહીશોનો આક્ષેપ છે કે જીઈબીના કર્મચારીઓ સ્માર્ટ મીટર જબરદસ્તી લગાવી રહ્યા છે અને લોકોની ફરિયાદો સાંભળવા માટે કોઇ તૈયાર નથી. નવનગરીમાં રહેતા બુધાભાઈ વસાવા, જે એક ખાનગી કંપનીમાં સફાઈ કર્મચારી તરીકે નોકરી કરે છે અને મહિનો 12,000 રૂપિયા કમાય છે, તેમને જીઈબી તરફથી 80 લાખ રૂપિયાનું વીજ બિલ પહોંચતાં પરિવારના હોશ ઉડી ગયા હતા. આ મામલે બુધાભાઈએ તરત જ જીઈબી અધિકારીઓનો સંપર્ક સાધ્યો હતો. તપાસ બાદ અધિકારીઓએ આને ટેક્નિકલ ભૂલ ગણાવી તાત્કાલિક બિલ સુધારી 1,400 રૂપિયા કરાવ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે